અહીં વાલ્મીકિ માણસના ચારિત્ર્ય અને ચરિત્રની ચર્ચા કરે છે. આદિકવિ નરસિંહ મહેતાનું લખેલું એક ભજન જે રાષ્ટ્રપિતા ગાંધીજીને અત્યંત પ્રિય હતું. જેમાં નરસિંહ મહેતાએ વૈષ્ણવજનનાં લક્ષણોની વાત કરી છે તેમાં પરસ્ત્રીને માતા સમાન અને પરધનને ક્યારેય હાથમાં ન ઝાલે એવા વૈષ્ણવજન વિશે લખ્યું છે.
એક ગુરુ-શિષ્ય વિચરણ કરતા હતા. તેમણે રસ્તામાં સોનાનો હાર પડેલો જોયો. આ હાર જોઈને શિષ્યએ હાર ઉપર ધૂળ નાખી દીધી અને ચાલતો થયો. આ જોઈને ગુરુને હસવું આવ્યું. જ્યારે શિષ્યએ ગુરુના હાસ્યનું કારણ પૂછયું ત્યારે ગુરુ બોલ્યા કે તને સોનાનો મોહ ન થયો તે સારી વાત છે, પરંતુ તેં ધૂળ ઉપર ધૂળ નાખી એ જોઈને મને હસવું આવ્યું. હજુ પણ સોના અને ધૂળમાં તને તફાવત દેખાય છે નહીંતર ધૂળ ઉપર ધૂળ નાખવાની ચેષ્ઠા ન કરી હોત. આમ પરાયા ધનને જે ધૂળ સમાન ગણે અને પરાઈ ઓરતને જે માતા સમાન માને તેવા માણસના હૃદયમાં નિવાસ કરવાનું રામને ગમે છે.
જે બીજાનાં દુઃખે દુઃખી અને બીજાનાં સુખે સુખી થાય બીજાનાં દુઃખે દુઃખી થવું સહેલું છે, પણ બીજાનાં સુખે સુખી થવું ખૂબ અઘરું છે અને તેથી દુઃખની કસોટીમાં પાસ થનારાની સંખ્યા ઘણી છે. પરંતુ સુખની કસોટીમાં પાસ થનારા ખૂબ ઓછા છે. માણસ ઉપર આફત આવે છતાં પોતાનો ધર્મ ન ભૂલે અને માણસાઈ છોડે નહીં એવાં ઉદાહરણો પુષ્કળ છે. પરંતુ જેના ઉપર ખૂબ સુખ વરસે ત્યારે પોતાનો ધર્મ ન છોડે અને પોતાની માનવતાનો ત્યાગ ન કરે તેવા માણસો ઓછા છે, કારણ કે સંપત્તિ મળ્યા પછી પણ સજ્જનતા ટકાવી રાખવી ખૂબ દુર્લભ છે કારણ કે પદ, પૈસો અને પ્રતિષ્ઠા માણસને સજ્જન માંથી શેતાન બનાવી શકે છે.
એક પુરુષ ઉપર રાજા પ્રસન્ન થયો તો એણે મુગટથી લઈને મોજડી સુધીનો પૂરો પોશાક પેલા માણસને ભેટ આપી દીધો. રાજાનો પોશાક લઈને પુરુષ ઘેર આવ્યો એટલે પત્ની બોલી કે આ પોશાક તમે પહેરી શક્શો નહીં. અને પહેરશો તો પણ કોઈ તમને રાજા કહેશે નહીં માટે રાજાને કહો કે હજાર રૂપિયા રોકડા ઈનામમાં આપો. રાજા ખૂબ દયાળુ હતો એટલે એણે હજારને બદલે દસ હજારનું ઈનામ આપ્યુ અને પોતાનો પોશાક પણ પાછો લીધો નહીં.
અપેક્ષા કરતાં ઘણા વધારે રૂપિયા મળ્યા એટલે પેલા દંપતીએ નાતજમણ રાખ્યું અને સમગ્ર જ્ઞાતિ ભોજન કરતી હતી ત્યારે પેલો પુરુષ રાજાના પોશાકમાં તૈયાર થઈને ચપટી વગાડતો ત્યાંથી પસાર થયો. જ્ઞાતિના વડીલોએ કહ્યું કે જ્ઞાતિ એ તો ગંગા કહેવાય. એને પગે લાગવાને બદલે ચપટી કેમ વગાડે છે ત્યારે પુરુષ બોલ્યો કે મુગટથી લઈને મોજડી સુધી કશું જ મારું નથી. આ નાત જમણના રૂપિયા પણ મારા નથી. મારી માત્ર એક ચપટી છે જે વગાડીને આનંદ કરું છું. આ જીવ જ્યારે જશે ત્યારે પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને પાણી પોતપોતાનો હિસ્સો લઈ લેવાનાં છે.
આપણી પાસે પંચમહાભૂતના ખોળિયામાં આપણું કંઈ જ નથી માટે ચપટી વગાડીને મોજ કરી લેવી તે શાણપણ છે. આ બોધ જેને યાદ રહે તે બીજાનાં દુઃખે દુઃખી તો થઈ શકશે, પરંતુ બીજાનાં સુખે સુખી પણ થઈ શકશે. એ પોતાનાં દુઃખમાં તો કસોટીમાં ઉત્તીર્ણ થશે. પરંતુ સુખની કસોટીમાં પણ ઉત્તીર્ણ થઈ શકાશે.
ભગવાન શંકરાચાર્ય વિવેક ચુડામણીમાં કહે છે કે જગતમાં ત્રણ વસ્તુ ખૂબ કઠિન છે. (૧) મનુષ્યનો અવતાર (૨) મુક્તિની ચાહના જાગવી (૩) મહાપુરુષનો સંગ, જે જીવને મનુષ્યનો અવતાર મળે અને મહાપુરુષનો સંગ થાય તો મુક્તિની ચાહના એટલે મુમુક્ષા જાગે અને જે માણસમાં મુક્તિની ઝંખના જાગે તે પોતાના તમામ સદ્ગુણોને ઈશ્વરના સદ્ગુણ માનશે અને પોતાના કોઈ અવગુણ હશે તો એમાં અન્યનો દોષ કાઢવાને બદલે તે પોતાનો દોષ છે તેમ માનશે અને આ પ્રકારની માન્યતા ધરાવનારના હૃદયમાં ઈશ્વરને નિવાસ કરવાની વાત વાલ્મીકિ કહે છે.