કૃષ્ણ વગરની રાધા અને રાધા વગરના કૃષ્ણને કલ્પવા મુશ્કેલ છે. કૃષ્ણ અને રાધા પરસ્પર જોડાયેલાં છે. બન્નેને એકબીજા વિના જરાય ગોઠતું નથી. બરસાના ગામની આ છોકરીએ એવું તે શું કામણ કર્યું કે જગતનો નાથ એક અબળા સામે પરવશ બની ગયો ? આ રાધા કોણ છે ? તેની પાછળ બાવરો બનેલો કાનુડો એકમાત્ર રાધાને જ કેમ પોતાની સાથે રાખે છે ? વ્રજની અન્ય ગોપાંગનાઓ જ્યારે કાનુડાને પામવા ઘેલી થઈને ફરે છે. ત્યારે કનૈયો બંસરીના સૂરવડે રાધાને જ કેમ બોલાવે છે ? રાસલીલામાં રાધાને જ કેમ આગળ રાખે છે ? આવા પ્રશ્નો ઊઠે તે સહજ છે.
‘ગોપીસંહિતા’ અપ્રાપ્ય પુસ્તક છે તેમાં રાધાજી વિશે ખૂબ જ બારીકાઈથી મહાપ્રભુજીએ લખ્યું છે. તેમાં રાધાજીને ભગવાને ડાબા અંગમાંથી ઉત્પન્ન કરી વ્રજમાં છાયારૂપે વૃષભાનુ નામના એક મહાશક્તિશાળી રાજવીને ત્યાં પુત્રીરૂપે પ્રગટાવ્યાનું લખ્યું છે. રાધાજીના જન્મપ્રાગટય પછી બાર વર્ષ બાદ ભગવાને અવતાર લીધો છે એટલે શ્રીકૃષ્ણ ભગવાનથી આ રાધિકા બાર વર્ષ મોટાં છે.
વ્રજના મોટા રાજવી એવા વૃષભાનું તથા મહારાણી કીર્તિદેવીને ત્યાં અઢળક સંપત્તિ અને ગાયો-ગોવાળો- દાસ- દાસીઓ હતા. તેમની પાસે ૭૧ કરોડ ગાયો, ૮૧ હજાર વાસીદા વાળનારી દાસીઓ, ૧ લાખ ગોવાળો, ૫૦ હજાર જલધરિયા, ૧૩ હજાર ફુલધરિયા, ૫૧ હજારથી પણ વધારે રસોઈયા તેમજ રાજ અને તેના નોકરોનાં કપડાં ધોનારા ૧૦ હજાર ધોબીઓ હતા.
બ્રહ્મવૈવર્ત-પુરાણાનુસાર : શ્રી ભગવતી રાધા તેજસ્વીતા સમંત બધા ગુણોમાં શ્રીકૃષ્ણ પરમાત્માથી જરા પણ ન્યૂન નથી. શ્રીકૃષ્ણ પરમાત્મા કેટલાય દીર્ઘકાળ સુધી પોતાના ડાબા અંગમાંથી પ્રગટ થયેલી આહ્લાદિક મહાશક્તિ રાધાજીની સાથે સૃષ્ટિ-સંકલ્પ પૂર્ણ કરવાની અપેક્ષાથી કૃષ્ણે પોતાનું મહાતેજ આ પરાશક્તિ- પ્રકૃતિ રાધાજીમાં આધાન કર્યું.
આ મૂલ પ્રકૃતિ રાધાનું સો મન્વંતર સુધી અવસ્થિત રહેવા ઉપરાંત પોતાનું તેજ એક શિશુરૂપ અપાકૃત શરીરમાં ફેરવાઈ ગયું. અને આ પરાપ્રકૃતિદેવી રાધાએ પોતાના આ શિશુરૂપને અગાધ જળમાં છોડી દીધું અને આ શિશુ જ વિરાટરૂપથી પ્રસિદ્ધ થયું. જેનું દર્શન અર્જુનને ઇ.સ.પૂર્વે ખોલાયેલાં મહાભારતનાં યુદ્ધમાં ઇ.પૂર્વે ૩૧૩૯માં થયું હતું. આ રાધાના મહાતેજથી જ લક્ષ્મી, સરસ્વતી વગેરે નામ રાધાએ ધારણ કર્યો.
ભગવાન શ્રીકૃષ્ણનો ઉત્કટ પ્રેમ જ્યારે ઉચ્ચત્તમકક્ષાએ પહોંચે છે. ત્યારે તે રાધાનું સ્વરૂપ ધારણ કરે છે, જે શ્રીકૃષ્ણના ઉચ્ચત્તમ પ્રેમનું પ્રતીક છે. કારણકે શ્રીકૃષ્ણ પરમાત્માની ત્રણ શક્તિઓ અને ચાર સ્વરૂપો છે. તેમાં ત્રીજી શક્તિ ઉત્કટ પ્રેમની છે. પહેલી શક્તિ બુદ્ધિ છે અને તે આંતરિક રીતે કામ કરે છે. બીજી શક્તિ બાહ્યશક્તિ છે.અને તે નિરાળી તથા અનેક રૂપોનું સર્જન કરે છે.
‘રાધાવતાર’ પુસ્તકમાં રાધાજી પૂર્વજન્મમાં ‘સીતાજી’ હોવાનું લખ્યું છે. પરંતુ તેનું પ્રમાણ મળતું નથી. મહાવિદ્વાન પંડિત શ્રી વાસુદેવ પુરોહિતે રાધાજીને સારસ્વતકલ્પમાં ‘વૃંદા’ કહ્યાં છે. ધર્મધ્વજ રાજાની આ કુંવરી’વૃંદા એ બદરીવનમાં ઘોર તપસ્યા કરીને દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણ ભગવાનની હૃદયસુંદરી બનવાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેનું પ્રમાણ રાધાનું એક નામ’વૃંદા’ હોવાથી ફલિત થાય છે.
રાધાજીનાં લગ્ન શ્રીકૃષ્ણ ભગવાન સાથે નહિ, પરંતુ યશોદાના ભાઈ ‘રાયાણ’ નામના વ્રજગોપ સાથે થયાં હતાં. આ હિસાબે રાધિકાજી શ્રીકૃષ્ણના’મામી’ ગણાય. મામીની સાથે ભાણેજ વિલાસક્રીડા ન જ કરે. રાધા-કૃષ્ણનો પ્રેમ વિલાસથી પર હતો. આત્માનો પ્રેમ હતો.
હકીકતે આ લગ્ન મૂળ રાધા સાથે નહિ, પણ રાધાની છાયા સાથે થયું હતું. રાધા એ છાયાને રાયાણને સોંપી પરમાત્મા શ્રીકૃષ્ણમાં વિલિન થઈ ગઈ હતી. શ્રી વેદવ્યાસ પણ સ્વીકારે છે કે, શ્રીકૃષ્ણ આત્મારામ છે અને રાધા એમની આત્મા છે. આ હિસાબે રાધા એ કોઈ સાધારણ ગોપી ન હતી. એક મહાશક્તિ હતી.
સૂર્ય અને ચંદ્રનું એકતા એટલે રાધા અને શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણની હૃદયસુંદરી રાધાજી શ્રીકૃષ્ણનું ડાબું પડખું શોભાવે છે ને જમણે પડખે ચંદ્રાવલિનું સ્થાન છે. ચંદ્રાવલિ રાધાજીના બાપા ચંદ્રભાનુની પુત્રી. તેની માતાનું નામ ‘ચંદ્રકલા’ રાધિકા એટલે ભાનુનંદિની સૂર્યમુખી કે જેને’સૂર્યનાડી’ ઇડા’ તરીકે યોગે ઓળખાવી છે. તે અને આ ચંદ્રાવલિ એટલે ચંદ્રનાડી’પિંગલા’ ચંદ્રની શક્તિ છે.