ભક્ત શબરીના એંઠા ફળ પણ ખાઈ ગયા હતા પ્રભુ શ્રીરામ

ત્રેતાયુગના સમયે ભગવાન શ્રીરામનો અવતાર થયો ત્યારે તેમના અનેક અનન્ય ભક્તો પણ જન્મ્યા. એમાં ભક્તિમતી શબરીનું નામ પણ અગ્રગણ્ય છે. દણ્ડકારણ્યમાં અનેક ઋષિઓના આશ્રમો થોડે થોડે સ્થળોના અંતરે હતા. ત્યાં ઋષિઓ યજ્ઞા યાગાદિ કરતા અને તપશ્ચર્યાનિરત રહેતા. તે સમયે ત્યાં પતિ- પુત્ર વિહીના, ભક્તિ-શ્રદ્ધા યુક્તા ભીલ જાતિમાં જન્મેલી શબરી નામની એક વૃદ્ધા પણ રહેતી હતી. શબરીએ એકવાર મતંગ મુનિના દર્શન કર્યા એનાથી પણ એને હર્ષ અને શાંતિની અનુભૂતિ થઈ. એના મનમાં વિચાર આવ્યો કે એણે રોજ આ ઋષિઓની પરોક્ષ રીતે પણ સેવા કરવી જોઈએ.

એટલે તે પ્રાતઃકાળે સૂર્યના ઉદય પૂર્વે જ એમની કુટિ અને તપોવનના માર્ગમાંથી કંટકો વીણી લઈ એમને સ્વચ્છ કરતી, એમના પ્રાંગણમાં યજ્ઞા માટે જરૂરી સૂકા કાષ્ઠનો ઢગલો કરી દેતી અને એમને આરોગવા કંદમૂળ વગેરે મૂકી દેતી. મતંગ મુનિએ આ જોયું એટલે એના વિશુદ્ધ હૃદય અને સેવાભાવનાથી પ્રસન્ન થઈ એને એમના આશ્રમની બહાર જ એક કુટિયામાં રહેવાની વ્યવસ્થા કરી આપી. નાત-જાતનો ભેદભાવ જોનારા બીજા ઋષિઓને આ પસંદ ના આવ્યું. પણ મતંગ મુનિએ એની પરવા ન કરી.

વયોવૃદ્ધ મતંગ ઋષિ શબરીને કહેતા- હે સુવ્રતા, તુ નિર્ભય રહીને અહીં જ રહે અને ભગવાનના નામનો જપ કર. કોસલકિશોર ભગવાન શ્રીરામચંદ્ર અત્યારે ચિત્રકૂટમાં જ છે. ટૂંક સમયમાં જ તે અહીં પધારશે. તું એમના દર્શન તારા આ ચર્મચક્ષુથી જ કરી શક્શે. એમના દર્શનથી અને એમની સેવા કરવાથી તારું કલ્યાણ થશે. 

શબરીને આ રીતે આશ્વાસન આપી મતંગ મુનિ દિવ્યલોકમાં પ્રયાણ કરી ગયા. ચાતક પક્ષી મેઘજળની પ્રતીક્ષા કરે એમ શબરી ભગવાન શ્રીરામની પ્રતીક્ષા કરવા લાગી. ભગવાનના આવવાનો માર્ગ વાળીઝૂડીને ચોખ્ખો રાખે, સુંદર, સ્વાદિષ્ટ ફળો અને કંદમૂળ જંગલમાંથી લઈ આવે, કુટિ અને આંગણાની જમીન લીપીને પવિત્ર બનાવી રાખે. ભગવાન શ્રીરામનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કર્યા કરે અને એની કુટિમાં પધારવા પ્રાર્થના કરે.

ભક્ત હૃદયની પ્રાર્થના ભગવાન ના સાંભળે એવું બને ખરું ? એક દિવસ ભગવાન શ્રીરામ એના આંગણે આવીને ઉભા રહી ગયા. કોઈ મુનિના આશ્રમમાં પહેલાં ન ગયા, સીધા શબરીની ઝૂપડીએ પધાર્યા. પ્રાગણમાં ઊભેલા ભગવાનના દર્શન કરીને શબરીને તો ભાવ સમાધિ લાગી ગઈ. એ આનંદ વિભોર બની નાચવા લાગી. 

લક્ષ્મણે ટકોર કરી -‘ શબરી મૈયા ક્યાં સુધી નાચતા રહેશો ? અમને અંદર તો લઈ જાવ !’ શબરીની  ભાવ સમાધિ તૂટી. તે બધાને અંદર લઈ ગઈ.’ સાદર જલ લૈ ચરન પખારે । પુનિ સુંદર આસન બૈઠારે ।। તેણે રામ- લક્ષ્મણના ચરણ પખાળ્યા, આસન, પાદ્ય, પૂજન- અર્ચન કર્યું. પ્રભુને પ્રણામ કરી કહેવા લાગી- ‘ હે ભગવન્ ! આજે આપના દર્શનથી મારા બધા તપ સિદ્ધ થઈ ગયા છે, મારો જન્મારો સફળ થઈ ગયો છે. આજે મને ગુરુજનોની સેવાનું ફળ મળી ગયું છે.’

એ પછી પ્રેમથી ગદગદિત કંઠે તે કહેવા લાગી- હે પ્રભુ । આપને માટે એકઠા કરેલા કંદમૂળ અને ફળ પ્રેમથી આરોગો. કોઈ ફળ ખાટું કે કડવું ન અપાઈ જાય એવો વિચાર કરી તે પોતે પહેલાં ચાખી લેતી અને પછી એ ભગવાનને આપતી. આમ કરવાથી ભગવાનને પોતાનું એંઠું ભોજન અપાય છે. એવો એને પ્રેમાવેશમાં ખ્યાલ જ ન રહ્યો. એની પ્રેમભક્તિથી પ્રસન્ન થયેલા પ્રભુએ એના એંઠા બોર વખાણી વખાણીને અત્યંત પરિતોષથી આરોગ્યા.’ બેર બેર બેર લૈ સરાહૈ બેર બેર બહુ,’ રસિકબિહારી’ દેત બંધુ કર્હં ફેર ફેર । ચાખિ ચાખિ ભાખૈં યહ વાહૂ તેં મહાન મીઠો, લેહુ તો લખન યો બખાનત હૈં હેર હેર ।। ભગવાને એ એંઠા ફળ અને બોર આરોગ્યા, આસ્વાદ્યા એટલું જ નહીં, એને વારંવાર વખાણ્યા.

શબરીના પ્રેમ સુધારસ પરિપૂર્ણ, ભાવામૃત આપ્લાવિત ફળોને જીવનભર યાદ રાખ્યા. આવો સ્વાદ બીજા કોઈ ભોજનમાં ક્યારેય આવ્યો નથી એનું સતત કહેતા રહ્યા ! ‘ઘર, ગુરુગૃહ, પ્રિયસદન, સાસુરે ભઈ જબ જહે  પહુનાઈ । તબ તહેં કહિં સબરી કે ફલનિ કૌ રુચિ માધુરી ન પાી ।। પદ્મપુરાણમાં પણ ભગવાન વ્યાસજી કહે છે. ‘ફલાનિ ચ સપુકવાનિ મૂલાનિ મધુરાણિ ચ । સ્વયમાસ્વાદ્ય માધુર્ય પરીક્ષ્ય પરિભક્ષ્ય ચ ।। પશ્ચાન્નિવેદયામાસ રાધાવાભ્યાં દૃઢવ્રતા । ફલાન્યાસ્વાદ્ય કાકુત્સ્થસ્તસ્યૈ મુક્તિ પરાં દદૌ ।। દૃઢવ્રત ધરાવનારી શબરીએ પ્રેમથી આરોગાવેલા કંદમૂળ અને ફળોનો આસ્વાદ લઈ ભગવાન શ્રીરામને એને વરદાન માંગવા કહ્યું. શબરીએ તો ભગવાન પાસે કેવળ ભક્તિ જ માંગી -‘ ભગવંસ્ત્વયિ ભક્તિ દૃઢ । મમ.’ ભગવાને એને ભવફેરામાંથી મુક્તિ જ આપી દીધી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer