હિન્દુ ધર્મમાં એકાદશીનું ખુબજ મહત્વ રહેલું છે. આસોમાસના નવરાત્રિ અને દશેરાના પર્વ પછી એકાદશી આવે છે તેને પાપાંકુશા એકાદશી કહેવામાં આવે છે. પાપાંકુશા એકાદશીના વ્રત કરવાથી તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે. વિજયાદશમી પછી રામ અને ભરતનું મિલન આ એકાદશીએ થયુ હતુ. પાપ રૂપી હાથીને વ્રતના પુણ્ય રૂપી અંકુશથી વધ કરવાના કારણે આ એકાદશીનું નામ પાપાકુંશા પડ્યું હતુ. આ દિવસે મૌન રહીને ભગવદ્દ સ્મરણ તથા ભજન કીર્તન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
પૌરાણિક કથા અનુસાર જેવું ફળ કઠોર તપસ્યા કરીને પ્રાપ્ત કરી શકાય છે તેવું જ ફળ પાપાંકુશા એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત કરી શકાશે. પાપાંકુશા એકાદશી સાથે જોડાયેલી માન્યતાઅનુસાર જે પણ વ્યક્તિ ખરા મનથી અને શ્રદ્ધાથી આ એકાદશીનું વ્રત કરે છે સાક્ષાત વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે.
આ દિવસે સંપૂર્ણ મનોરથોની પ્રાપ્તિ માટે મુજ વાસુદેવનું પુજન કરવું જોઇએ. જિતેન્દ્રીય મુનિ ચિરકાળ સુધી કઠોર તપસ્યા કરીને જે ફળ પ્રાપ્ત કરે છે, એ ફળ આ દિવસે ગરુડધારી શ્રી વિષ્ણુના દર્શન કરવાથી જ મળી જાય છે. જે પુરુષ સુવર્ણ, તલ, ભૂમિ, ગૌ, અન્ન, જળ, પગરખા અને છત્રીનું દાન કરે છે, એ કયારેય યમરાજને નથી જોતો.
એકાદશીના દિવસે શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. મહાભારત કાળમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને પાપાંકુશા એદાદશીનું મહત્વ સમજાવ્યું હતુ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યુ કે જે પણ મનુષ્ય આ એકાદશી કરે છે તેના તમામ પાપ કર્મોનો નાશ થાય છે. મનુષ્યને ખરા અર્થમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે.