ભ્રાતૃભાવના કેવી હોય તેની સર્વોચ્ચ પરાકાષ્ઠા ‘રામ-ભરત મિલન’ પ્રસંગ

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ભાઈ શ્રી ભરતજી એમના જ એક સ્વરૂપ સમાન હતા. તેમને ભગવાન શ્રીરામનો વ્યૂહ માનવામાં આવે છે એટલે જ સંત શિરોમણિ શ્રી તુલસીદાસજી ‘શ્રી રામચરિત માનસ’માં કહે છે – ભરત રામ કી અનુહારી । સહસા લખિ ન સકહિ નર નારી ।। ભરત સ્નેહ અને સમર્પણ- પ્રેમ, ત્યાગ, તપ અને તિતિક્ષાનું સાક્ષાત્ સ્વરૂપ છે. પ્રસન્નતા અને પરિતોષ, ભગવાન શ્રીરામની ભક્તિ અને પર્યુપાસના એમની રગરગમાં સમાયેલા હતા. તુલસીકૃત રામાયણમાં ભરતજી સ્વયં કહે છે – ‘નહૂઁ સ્નેહ સકોચ બસ સનમુખ કહી ન બૈન । દરસન તૃષિત ન આજુ લાગે પ્રેમ પિયાસે નૈન ।।

શ્રી ભરતજી મોસાળથી પાછા ફર્યા અને ખબર પડી કે, એમને રાજ્ય આપવા માટે એમની માતા કૈકેયીએ શ્રીરામને ચૌદ વર્ષનો વનવાસ આપ્યો છે ત્યારે એમના દુઃખનો પાર નહોતો રહ્યો. તેમણે માતા કૈકેયીને પણ કઠોર વચન સંભળાવતા કહ્યું હતું – ”તારે મારી જનની નહીં, વનમાં વાઘણ બનવા જેવું હતું !” એ સાથે એમ પણ કહી દીધું હતું – ”મમ માતુશ્ચ મધ્યે તિષ્ઠા ત્વં ન સુશોભસે । ગંગા યમુનુયોર્મધ્યે કુનદીવ પ્રવેશિતા ।। – મારી  આ બે માતાઓ કૌશલ્યા અને સુમિત્રાની વચ્ચે ઊભી રહેલી હે કૈકેયી માતા, તું જરાય શોભતી નથી.

ગંગા અને યમુના જેવી પવિત્ર નદીઓની વચ્ચે જાણે ગંદા પાણીનું નાળું પ્રવેશી ગયું હોય એવી તું લાગે છે ! આવી દારુણ દુઃખની સ્થિતિમાં પણ શ્રી ભરતજીને ક્ષમા અને દયાની ભાવના જાળવી રાખી હતી. કૈકેયીને રામ વિરુદ્ધ ચઢાવવાનું કામ કરનાર દુષ્ટ દાસી મંથરાને જ્યારે શત્રુઘ્ન દંડ આપવા તૈયાર થયા ત્યારે ભરતજીએ એના પર દયા કરીને એને છોડાવી હતી. અપાર ધીરજ ધરી પિતાજીની મરણોત્તર વિધિ, ઔર્ધ્વદેહિક ક્રિયા કરી ભરતજી શ્રી રામને વનમાંથી અયોધ્યા પાછા લાવવા નીકળ્યા. માર્ગમાં કોઈ વિઘ્ન ન આવે એટલે શ્રી ભરતજી હાથી, ઘોડા, રથ અને મોટું સૈન્ય લઈને જઈ રહ્યા હતા પણ પોતે તો ખુલ્લા પગે પગપાળા ચાલતા હતા.

શ્રી રામની જેમ શ્રી ભરત પણ ઉપવાસ કરતા હતા, કંદમૂળ ખાતા અને વૃક્ષની નીચે ભૂમિ પર શયન કરતા, જંગલમાં કાંટાથી ભરેલા માર્ગ પર ખુલ્લા ચરણે ચાલતા એટલે એમના કમળ જેવા કોમળ ચરણો લોહીલુહાણ થઈ જતા અને ગરમીના લીધે ફોલ્લા પણ પડી જતા. રામે જેમ તપસ્વીની જેમ વનમાં રહેવાનું હતું. ભરતે પણ એનું જ અનુકરણ, અનુસરણ કરવાનું યોગ્ય માન્યું હતું ! ચિત્રકૂટમાં ભરત રામને મળે છે એ પ્રસંગ અત્યંત હૃદયદ્રાવક છે. ભ્રાતૃભાવના કેવી હોય તેની સર્વોચ્ચ પરાકાષ્ઠા ‘રામ-ભરત મિલન’ પ્રસંગની જોવા મળે છે. ભરત રામને પાછા લઈ જવાની હઠ કરે છે ત્યારે રામ એક જ દલીલ કરે છે કે – ‘હે ભાઈ ભરત ! શું તું એવું પસંદ કરશે કે આપણા પિતા દશરથ જગતમાં જુઠ્ઠું બોલનાર વ્યક્તિ તરીકે પ્રસિદ્ધ થાય? જો હું ચૌદ વર્ષ પહેલાં અયોધ્યા પાછો આવી જાઉં તો લોકો એમ જ કહે કે દશરથ એવા પિતા હતા જેમના પુત્ર રામે એમનું અંતિમ વચન પાળ્યું નહીં.

પિતાને અને મને બન્નેને અપયશ મળે. તારા ઉપરના અપાર સ્નેહને કારણે હું તો અપકીર્તિ વહોરી પણ લઉ, પણ આપણા પિતા દશરથ એવા રાજા હતા જેનું વચન મિથ્યા સાબિત થયું એવું તું સહન કરી શકીશ ? બાકી, તારી ઇચ્છાનું હું પાલન ન કરું એવું કદી બને જ નહીં. તું કહે તો હું મારા પ્રાણ પણ આપી દઉં !’ એ પછી ભરતજીએ શ્રીરામને કહ્યું હતું – ”મારી એક ઇચ્છા પૂરી કરશો ? ભગવાન શ્રીરામે કહ્યું – અયોધ્યા પાછા આવવાની બાબત સિવાયની કોઈ પણ ઇચ્છા હું પૂરી કરીશ.”

શ્રી ભરતજીએ ભાઈ શ્રી રામની ચરણ પાદુકા માંગી. શ્રી રામે તે તરત જ આપી દીધી. શ્રી ભરતજીએ એના પર પવિત્ર નદીઓના જળનો અભિષેક કરીને કહ્યું – ”હવે આજથી આ પાદુકા અયોધ્યાની રાજા બનશે. રાજગાદી પર એ બિરાજમાન થશે. હું તો માત્ર એનો રક્ષક બનીશ !” શ્રી ભરતજી એ પાદુકા લઈને અયોધ્યા પાછા આવ્યા એને રાજસિંહાસન પર પ્રતિષ્ઠિત કરી. 
અયોધ્યાની બહાર નંદીગ્રામની ભૂમિમાં ખાડો બનાવી એમાં સૂઈ તજતા અને અત્યંત સાદગીભર્યુ તપસ્વીઓ જીવે એવું જીવન વીતાવવા લાગ્યા હતા. ચૌદ વર્ષ બાદ ભગવાન શ્રી રામ પાછા આવ્યા ત્યારે તેમની પાદુકાઓને સ્થાને તેમને સ્વયં બિરાજમાન કરી એમનો રાજ્યાભિષેક કર્યો હતો. જગતભરમાં શ્રી ભરતજી જેવો ભાઈ મળવો દુર્લભ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer