જાણો રામકૃષ્ણ પરમહંસના જીવનની રોચક કથા

રામકૃષ્ણ સાથે જે ઘટના ઘટી છે તે, તેની પહેલાં કોઈની સાથે બની નથી. લોકો માને છે કે તેઓ પાગલ થઈ ગયા છે. પણ જો કે આપણાં કહેવાતા શાણા માણસો કરતાં તેઓ ક્યાંય ચડિયાતા છે.’

કોલકાતા એક કરોડથી વધારે વસ્તીવાળું, માનવ-કીડિયારાથી ઉભરાતું શહેર છે. તેના જેવો અરાજક ટ્રાફિક દુનિયામાં ક્યાંય નથી. લાખો લોકો રસ્તા ઉપર પગપાળા ચાલતા હોય અને તેમાં બધી જાતનાં વાહનો, કાર, ટ્રામ, બસ ઈત્યાદિને કારણે અંધાધૂંધ ટ્રાફિક હોય તે દેખીતું છે. આવા ટ્રાફિકને કારણે રામકૃષ્ણને એક જ જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું ખૂબ મુશ્કેલ ભર્યું હતું કારણ કે તેમને ભગવાનની કોઈ સ્મૃતિ આવી જાય તો તેઓ રસ્તા ઉપર ગમે ત્યાં, રસ્તાની અધવચ્ચે પણ નાચવા માંડે અને ભગવાનની સ્મૃતિ તેમને કોઈનામાં પણ આવી જાય.

એક સુંદર નાના બાળકને જુએ અને તેઓ નાચવા અને ગાવા મંડી જાય. તેમના શિષ્યો મૂંઝવણભરી પરિસ્થિતિમાં મુકાઈ જાય. કોલકાતાના અરાજક ટ્રાફિકમાં તેમને તેમની ચારે બાજુથી રક્ષા કરવી પડતી. પોલીસને પણ સ્થળ ઉપર પહોંચી જવું પડતું, કારણ કે આ વ્યક્તિને કારણે ટ્રાફિક જામ થઈ જતો હતો.

ભારતની બહાર તો રામકૃષ્ણને પાગલખાનામાં જ ધકેલી દેવામાં આવ્યા હોત કારણ કે પશ્ચિમના દેશોમાં તો પાગલપણું એટલે ગાંડપણ જ માનવામાં આવે છે. પાગલપણાની બે કક્ષા હોઈ શકે છે તેવું ત્યાં કોઈ માનતું નથી. ભારતમાં તો તેઓ દિવ્ય આત્મા એટલે કે લગભગ ભગવાન લેખાવા માંડયા હતા કારણ કે ધીરેધીરે લોકોને એવું મહેસૂસ થવા માંડયું હતું કે, ભલે તેઓ તર્કવિહોણા દેખાય છે, પણ તેમના તર્કવિહોણા પણામાં એક દિવ્યતા ઝલકે છે.

રામકૃષ્ણ તો બાલ્યા વસ્થાથી જ આવા હતા. તેમનાં કુટુંબીઓને તો ફિકર થવા માંડી હતી કે આ બાળકનું શું થશે. ભારતમાં અને ભારતની બહાર જે એક પ્રચલિત માન્યતા છે તે પ્રમાણે લોકો સુઝાવ આપવા માંડયા કે તેમનાં લગ્ન કરી નાખો. લગ્ન થશે તો ઈશ્વર, ધ્યાન વગેરે માંથી તેમનું ધ્યાન હટી જશે અને તેઓ લૌકિક વ્યવહારમાં પડી જશે. જો કે તેમને બીક હતી કે લગ્નની વાત કરીશું તો તેઓ તેનો ઈન્કાર કરી દેશે. સામાન્ય રીતે લોકોને આવી જ અપેક્ષા હોય છે, પણ આ તો રામકૃષ્ણ-બિલકુલ પાગલ વ્યક્તિ. આવી વ્યક્તિ કોઈની અપેક્ષા પ્રમાણે ચાલતી હોતી નથી.

રામકૃષ્ણ ઘસીને ના પાડી દેશે તેવા ડર સાથે તેના પિતાએ રામકૃષ્ણને લગ્ન બાબતે પૂછયું. રામકૃષ્ણ તો હરખાઈને બોલ્યા, ‘જરૂર, પણ કન્યા ક્યાં છે?’

જવાબ સાંભળીને તેના પિતાને લાગ્યું કે આ માણસ તો સાવ પાગલ છે. આ કંઈ જવાબ આપવાની રીત છે? આ પ્રમાણે એકદમ થોડું જ તૈયાર થઈ જવાય? ઉપરથી તે પૂછે છે, ‘કન્યા કયાં છે? કોની સાથે મારે પરણવાનું છે? જે કરવું હોય તે જલદી કરો!’

કન્યા જોવા માટે, અમુક દિવસે તેમને બાજુના એક ગામમાં લઈ જવામાં આવ્યા. કન્યા જોવા માટે ભારતમાં આ જાતની પ્રથા છે કે કન્યા તમારી ડિશમાં મીઠાઈ મૂકવા આવે છે. આ જે થોડી ક્ષણો હોય છે તેમાં જ કન્યાને જોઈ લેવાની હોય છે અને હા-ના નો જવાબ આપવાનો હોય છે.

રામકૃષ્ણ કન્યા જોવા માટે નીકળ્યા હતા ત્યારે, કદાચ જરૂર પડશે તેમ માનીને તેમની માએ તેમને ત્રણ રૂપિયા આપ્યા હતા. કન્યા જ્યારે મીઠાઈ મૂક્વા આવી ત્યારે તેમણે કન્યા સામે જોયું, ત્રણ રૂપિયા તેના ચરણોમાં ધર્યા, તેના ચરણસ્પર્શ કર્યા અને કહ્યું, ‘મા, તમે મારા માટે યોગ્ય પાત્રો છો. હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું.’

તેમના પિતાએ કહ્યું, ‘મૂરખ, તને એટલી પણ ખબર પડતી નથી કે જે છોકરી સાથે વિવાહ થવાના હોય તેને કોઈ માતા કહેતું નથી.’

બધાંને એટલી તો ખબર હતી કે આ વ્યક્તિ થોડી તરંગી છે. ત્રણ રૂપિયા જ્યારે તેણે કન્યાના પગમાં મૂક્યા ત્યારે જ બધા ડઘાઈ ગયા હતા. ઉપરાંતમાં તેના ચરણસ્પર્શ કરીને તેમણે ત્યાં ને ત્યાં જ કહ્યું કે, ‘મા તમે ખરેખર ખૂબ સ્વરૂપવાન છો. હું તમારી સાથે લગ્ન કરીશ તે પાકું છે.’

જોગાનુજોગ કન્યા પક્ષના આખા કુટુંબનો અભિપ્રાય આ સંબંધની વિરોધમાં હતો. તેમને મન આ છોકરો તો પાગલ છે. જો શરૂઆત જ આ રીતે કરતો હોય તો લગ્ન પછી આગળ શું થશે તેનું શું કહેવાય? પણ કન્યાએ મક્કમતાથી કહ્યું, ‘કે જો તે કોઈને પણ પરણશે તો તે રામકૃષ્ણને જ પરણશે.’

રામકૃષ્ણની પ્રતિભા ગજબની હતી. એટલે કુટુંબીજનોએ લગ્ન માટે સંમતિ આપી દીધી. પછી તો લગ્ન પણ થઈ ગયાં અને તેઓએ પતિ-પત્ની તરીકે આખી જિંદગી સાથે ગાળી. તેમના વચ્ચે પતિ-પત્ની જેવો વ્યવહાર કદી નહોતો. રામકૃષ્ણ તેમની પત્ની શારદાને ‘મા’ તરીકે જ સંબોધતા રહ્યા હતા.

બંગાળમાં લોકો કાલિમાતાની પૂજા કરે છે. આખા બંગાળ પ્રાંતમાં અને ભારતમાં જ્યાં પણ રહેતા હોય તે બધી જગ્યાએ બંગાળીઓ માતાની ઈશ્વરની જેમ પૂજા કરે છે. ભારતમાં બંગાળીઓ જ માત્ર એવી પ્રજા છે કે જે ઈશ્વરને મા ગણે છે. તે દિવસોમાં મંદિરમાં જે રીતે નિર્વસ્ત્ર માતાજીની પૂજા કરવામાં આવતી હતી તે રીતે દર વર્ષે રામકૃષ્ણ પણ ઘરમાં જ મા શારદાને આસન ઉપર નિર્વસ્ત્ર બેસાડતા અને તેની મંદિરની મૂર્તિની જેમ પૂજા કરતાં. તેઓ પૂજા માટે મંદિરે જતા નહિ. તેઓ કહેતા, જ્યારે મારી પાસે જીવતાં-જાગતાં માતાજી હાજર છે તો મંદિરમાં જઈને પથ્થરની પ્રતિમાની પૂજા કરવાની મારે શું જરૂર?

Leave a reply:

Your email address will not be published.

Site Footer