આપણા શાસ્ત્ર અને પુરાણોમાં પાપ અને પુણ્ય અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. ગરૂડ પુરાણમાં તો દરેક પાપની અલગ અલગ સજા કેવી રીતે મળે છે તે અંગે દર્શાવવામાં આવ્યુ છે. કેટલાક પાપ એવા છે જે કર્યા પછી ક્યારેય તેની સજા ઓછી થતી નથી કેમકે તે પાપ જ એવું છે. આપણા મહાકાવ્ય રામાયણમાં પણ જીવનને કેમ જીવવું તે અંગે ભગવાન શ્રી રામે સ્વયં મનુષ્ય અવતાર ધારણ કરી જીવન પથ દર્શાવ્યો હતો.
વ્યક્તિને જીવનમાં એવા કામ કરવા જોઈએ જેનાથી પુણ્ય ફળમાં વધારો થાય. દરેક વ્યક્તિએ પાપ કર્મથી દૂર રહેવું જોઈએ. પરંતુ અજાણતાં ક્યારેય લોકો એવા કામ કરી બેસે છે જેના કારણે પુણ્યનો નાશ તો થાય જ છે સાથે જ ઘર-પરિવાર પણ બરબાદ થઈ જાય છે. આવા કેટલાક કામનું વર્ણન રામાયણમાં કરવામાં આવ્યું છે. રામાયણ અનુસાર કોઈપણ વ્યક્તિએ આ કામ કરવાથી બચવું જોઈએ.
બીજાની વસ્તુઓને પોતાની પાસે રાખવાની ઈચ્છા કરે તે મહાપાપી હોય છે. તેમાં પણ જો તે વસ્તુ ચોરી કરીને લેવામાં આવે તો તેનાથી જીવનના દરેક પુણ્યનો નાશ થાય છે, કોઈ પાસેથી ચોરેલી વસ્તુઓથી વ્યક્તિને ક્યારેય સુખ મળતું નથી. એટલા માટે જ વ્યક્તિએ કોઈની વસ્તુ લેવાથી બચવું જોઈએ, નહીં તો તેણે નર્કની યાતના ભોગવવી પડે છે.
પરસ્ત્રી પર નજર નાખનાર કે તેની સાથે સંબંધ રાખનાર પણ પાપી બને છે. ગ્રંથો અનુસાર આ એવું પાપ છે જેનું કોઈ પ્રાયશ્ચિત નથી. આવું કામ કરનારને અને તેના પરિવારને તેનું ફળ ભોગવવું જ પડે છે. પરસ્ત્રી સાથેના સંબંધો વ્યક્તિને નરક જેવી યાતના જીવનમાં ભોગવવી પડે છે.
દરેક વ્યક્તિના જીવનમાં મિત્રોનું ખાસ સ્થાન હોય છે. પરંતુ જો કોઈ વ્યક્તિના ખાસ મિત્ર બની અને તેની સાથે વિશ્વાસઘાત કરવામાં આવે તો પણ પુણ્યનો નાશ થઈ જાય છે. એટલા માટે જ કોઈના મિત્ર બની અને તેનો વિશ્વાસઘાત ન કરવો. આ પાપ કરનાર અનેક સમસ્યાઓથી ઘેરાઈ જાય છે.