રામાયણના એક પ્રસંગ દ્વારા સમજીએ કે આપણે સમસ્યાઓનું સમાધાન કેવી રીતે શોધી શકીએ

જીવનમાં પરેશાનીઓ આવતી-જતી હોય છે. મોટાભાગના લોકો સમસ્યાઓથી ડરી જતાં હોય છે, લક્ષ્યથી ભટકી જતાં હોય છે, આગળ વધી નથી શકતાં અને સફળતાથી દૂર રહી જાય છે. જ્યારે પરેશાનીઓથી ડરવું ન જોઈએ, તેનો ઉકેલ શોધવો જોઈએ. રામાયણના એક પ્રસંગ દ્વારા સમજી શકાય છે કે આપણે સમસ્યાઓનું સમાધાન કેવી રીતે શોધી શકીએ છીએ-

શ્રીરામચરિતમાનસ પ્રમાણે જ્યારે રાવણ સીતાનું હરણ કરીને લંકા લઈ ગયો હતો તો શ્રીરામ વાનર સેનાની મદદથી સીતાની શોધ કરવા લાગ્યાં હતાં. હનુમાનજી સીતાની શોધ કરતાં-કરતાં લંકાની અશોક વાટિકામાં પહોંચી ગયાં. તેઓ સીતાની સામે પહોંચે તે પહેલાં જ ત્યાં રાવણ આવી ગયો તો હનુમાનજી અશોક વૃક્ષની ઉપર છુપાઈને બેસી ગયાં. આ ઝાડની નીચે માતા સીતા બેઠેલાં હતાં. રાવણે સીતાને અનેક પ્રકારના પ્રલોભન આપ્યાં, પોતાની શક્તિનો ભય બતાવ્યો, જેનાથી માતા સીતા ખૂબ જ ડરી ગયાં હતાં. જ્યારે રાવણ સીતાને ડરાવી રહ્યો હતો, તે વખતે હનુમાનજી પણ ત્યાં જ હતાં, પરંતુ સીતા તેમને જોઈ શકતાં ન હતાં. રાવણના ગયા પછી હનુમાનજીએ સીતા સાથે મુલાકાત કરી અને તેમના દુઃખને દૂર કર્યું હતું.

આ પ્રસંગમાં લાઈફ મેનેજમેન્ટનું મહત્વપૂર્ણ છુપાયેલું છે કે રાવણ સમસ્યા છે અને હનુમાનજી સમાધાન છે. હનુમાનજી સીતાની પાસે પહેલાં પહોંચી ચૂક્યાં હતાં, રાવણ પાછળથી આવ્યો. એ જ રીતે આપણા જીવનમાં પણ જ્યારે પણ સમસ્યા આવે છે તો તેનો ઉકેલ પણ આપણી આસપાસ જ રહેતો હોય છે, આપણે તેને જોઈ નથી શકતાં, ઉકેલ કે સમાધાનને સમજી નથી શકતાં. આપણી સામે જ્યારે પણ કોઈ પરેશાની આવે તો આપણે શાંતિથી કામ લેવું જોઈએ અને પરેશાનીની આસપાસ જ સમસ્યાનું નિરાકરણ શોધવા પ્રયાસ કરવો જોઈએ. એમ કરવાથી સમસ્યા આસાનીથી દૂર કરી શકાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer