માન્યતા છે કે ત્રેતા યુગમાં હનુમાન જયંતીના દિવસે જ શિવજીના અંશાવતાર હનુમાનજીનો જન્મ થયો હતો. શ્રીરામચરિત માનસનો સુંદરકાંડ હનુમાનજીને સમર્પિત છે. જે ભક્ત સુંદરકાંડનો પાઠ કરે છે, તેમનો આત્મવિશ્વાસ વધે છે, બધા પ્રકારના ભય દૂર થાય છે. શ્રીરામચરિત માનસના આ પાંચમાં અધ્યાયને લઈને લોકો મોટાભાગે ચર્ચા કરે છે કે આ અધ્યાયનું નામ સુંદરકાંડ શા માટે રાખવામાં આવ્યું છે?
શ્રીરામચરિત માનસમાં છે 7 કાંડ: શ્રીરામચરિત માનસમાં કુલ 7 કાંડ અર્થાત્ અધ્યાય છે. સુંદરકાંડ સિવાય બધા અધ્યાયોના નામ સ્થાન કે પરિસ્થિતિઓને આધારે રાખવામાં આવ્યા છે. શ્રીરામની બાળલીલાનો બાળકાંડ, અયોધ્યાની ઘટનાનો અયોધ્યાકાંડ, જંગલ જીવનનો અરણ્ય કાંડ, કિષ્કિંધા રાજ્યને કારણે કિષ્કિંધા કાંડ, લંકાના યુદ્ધને લંકા કાંડ અને જીવન સાથે જોડાયેલ બધા પ્રશ્નોના ઉ્ત્તર આપતો ઉત્તરાકાંડ નામ આપવામાં આવ્યા છે.
સુંદરકાંડનું નામ સુંદરકાંડ કેમ રાખવામાં આવ્યું?
હનુમાનજી, સીતાની શોધમાં લંકા ગયાં હતાં અને લંકા ત્રિકુટાચલ પર્વત પર વસેલી હતી. ત્રિકુટાચલ પર્વત અર્થાત્ ત્યાં 3 પર્વત હતાં. પહેલો સુબૈલ પર્વત, જ્યાં મેદાનમાં યુદ્ધ થયું હતું. બીજો પર્વત નીલ પર્વત, જ્યાં રાક્ષસોના મહેલ વસાવેલાં હતાં અને ત્રીજા પર્વતનું નામ સુંદર પર્વત, જ્યાં અશોક વાટિકા બનેલી હતી. આ અશોક વાટિકામાં હનુમાનજી અને સીતાજીની મુલાકાત થઈ હતી. આ કાંડની આ સૌથી મુખ્ય ઘટના હતી, એટલા માટે તેનું નામ સુંદરકાંડ રાખવામાં આવ્યું છે.
સુંદરકાંડનો પાઠ કરવાથી પ્રસન્ન થાય છે હનુમાનજી:
એવું માનવામાં આવે છે કે સુંદરકાંડના પાઠથી બજરંગ બલીની કૃપા ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થઈ જાય છે. જે લોકો નિયમિત રીતે તેનો પાઠ કરે છે, તેના બધા દુઃખ દૂર થઈ જાય છે. આ કાંડમાં હનુમાનજીને પોતાની બુદ્ધિ અને બળથી સીતાની શોધ કરી છે. તેને લીધે જ સુંદરકાંડને હનુમાનજીની સફળતા માટે યાદ કરવામાં આવે છે.