સીએમ વિજય રૂપાણીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યુ હતું કે, ગુજરાતમાં હવે કોરોનાના કેસો ઘટી રહ્યા છે. છતાં લોકોને નિયમોનું પાલન કરવાની સૂચના આપી છે. જો કે, રથયાત્રાને વિશે એક મહત્વનું નિવેદન આપતા સીએમે કહ્યુ હતું કે, રાજ્યમાં કેસો ઘટી રહ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં રથયાત્રા થઈ શકે કે કેમ તે અંગે નિર્ણય લઈ શકે છે.
આપને જણાવી દઈએ કે, ગત વર્ષે કોરોનાના મહામારીમાં અમદાવાદની સ્થિતિ ખરાબ હતી. જેના કારણે રાજ્ય સરકારે અમદાવાદમાં રથયાત્રા નહીં યોજવાનો નિર્ણય કર્યો હતો. સદીઓ જૂની આ પરંપરાને કોરોનાના કારણે તોડવી પડી હતી.
બની શકે કે સોશિયલ ડિસ્ટન્સના નિયમો અને મર્યાદિત સંખ્યામાં પણ લોકોને શામેલ થવાની મંજૂરી સાથે રથયાત્રા યોજાઈ શકે છે તેવા સંકેતો મળી રહ્યા છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર ના નિર્ણયની રાહ જોવાઇ રહી છે.
ધા્ર્મિક અને રાજકીય તથા સંસ્થાગત કાર્યક્રમોમાં 50 ટકાની ક્ષમતા સાથે મંજૂરી આપી છે. તો રાજ્યમાં મોટા ભાગના રોજગારી ધંધા પણ ચાલુ થઈ ગયા છે. જેના કારણે લોકોની મુશ્કેલીઓમાં ઘટાડો આવ્યો છે.
કોરોના વાયરસની બીજી લહેરનો કહેર હવે ધીમો પડતો હોય એવું લાગી રહ્યું છે. સંક્રમણના કેસો સતત એક લાખથી ઓછા નોંધાતા દેશવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગુરૂવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 94,052 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 6148 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,91,83,121 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 23,90,58,360 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં પણ કોરોનાની બીજી લહેર પર ઘણે અંશે કાબૂ મેળવી લેવાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 644 કેસ નોંધાયા છે. જેની સામે 1675 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 10 દર્દીના મોત થયા છે.