રાણી રત્નાવતી ઓબેરગઢ, જયપુર, રાજસ્થાનના મહારાજા માનસિંહના નાનાભાઈ રાજા માધોસિંહની પત્ની હતી. સત્તાની સામ્રાજ્ઞાી, રાજરાણી હોવા સાથે બેનમૂન સૌંદર્યવતી પણ હતી. એ બધા સાથે સોનામાં સુગંધ ભળે તેમ તે સ્નેહસભર, સદ્દગુણી અને પરોપકારી પણ હતી. રત્નાવતીની અનેક દાસીઓમાં એક દાસી કૃષ્ણભક્તિમાં ગળાબૂડ ડૂબેલી રહેતી.
એની ભક્તિથી ઉદ્ભવેલી પ્રીતિ અને પ્રસન્નતાને જોઈ રાણી રત્નાવતી પણ વિસ્મય પામતી. એક દિવસ તેણે એની મધુરતા અને મોજ-મસ્તીનું રહસ્ય પૂછયું તો તેણે જણાવ્યું કે આ તો કૃષ્ણભક્તિની સહજ નિષ્પત્તિ છે. રાણી રત્નાવતીએ એની દાસીને ગુરુ બનાવી એની પાસેથી જીવનધન્ય કરનારી પ્રીતિની રીતિ શીખવા માંડી. ‘માંહિ પડયા તે મહાસુખ પામે’ ન્યાયે એને આંતરસુખની પ્રતીતિ થવા માંડી. સૂરદાસજી કહે છે-‘ દિન દિન બઢત સવાયો દૂનો’ ની જેમ એનો ભગવત્પ્રેમ અને આનંદ વધવા લાગ્યો.
ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા રાણી
રત્નાવતીનું મન વ્યાકુળ રહેવા લાગ્યું. એક દિવસે તેણે દાસીને કહ્યું :’ કછુક
ઉપાય કીજૈ, મોહન દિખાય દીજૈ, તબ હી તો
જીજૈ, વે તો આનિ ઉર અરે હૈ । કોઈ ઉપાય કરો, મને મોહનના દર્શન કરાવો તો જ આ જીવન ટકશે. અહા ! તે મારા હૃદયમાં આવીને
સ્થિર થઈ ગયા છે.’ રાણી સંતો, મહાત્માઓ,ભક્તો અને ભગવદીય જેનોનો સંગ કરવા લાગ્યા. ભગવત્પ્રીતિ વધે તેમ
સંસારપ્રીતિ ઘટે.
રાણી રત્નાવતીના પતિ રાજા માધોસિંહ દિલ્હીમાં હતા. મંત્રીઓએ પત્ર
લખી એમને રત્નાવતી વિશે જાણ કરી. એટલામાં એમનો પુત્ર પ્રેમસિંહ એમને મળવા આવ્યો.
એના કપાળમાં વૈષ્ણવી તિલક અને ગળામાં તુલસીની માળા જોઈ સમજી ગયા કે તે પણ તેની
માતાની જેમ ભક્તિના રંગે રંગાવા લાગ્યો છે.
રાજા માધોસિંહે પત્નીને પત્ર લખીને સેવા-પૂજા-સત્સંગ બંધ કરવા આદેશ આપ્યો પણ રાણીએ જણાવ્યું કે કૃષ્ણપ્રેમ તો મારા અંતરાત્મામાં પ્રવેશી ચૂક્યો છે. ભગવાનની સેવા- સ્મરણ અને સત્સંગ તો શ્વાસોચ્છ્વાસ જેવા થઈ ગયા છે. તે એને છોડી નહીં શકે. એટલે રાજા ગુસ્સે ભરાયો. જેમ રાણાએ મીરાબાઈને મારી નાખવા પંેતરો રચ્યો એમ માધોસિંહ રત્નાવતીને મારવા યોજના કરી. ભૂખ્યા થઈ ગયેલા સિંહને નજીક આવતો જોઈ રાણી રત્નાવતીને સાવધ કરતાં કહ્યું- ‘રાણીજી , જલદી ભાગો.
મહેલમાં સિંહ આવ્યો છે.’ રત્નાવતીએ અત્યંત શાંતિથી કહ્યું ‘ એમાં ભાગવાની શી જરૂર છે ? આ તો આપણને દર્શન આપવા ભગવાન નૃસિંહ આપણા ઘેર પધાર્યા છે. આપણે તો એમની પૂજા- અર્ચના કરવી જોઈએ.’ રાણી રત્નાવતીએ કંકાવટી ચંદનનું તિલક કર્યું અને એના ગળામાં પુષ્પમાળા પહેરાવી દીધી ! એની આગળ ધૂપ-દીપ કર્યો, નૈવેદ્ય ધરીએની આરતી પણ ઉતારી.
જાણે સિંહમાં સાચે જ નૃસિંહ ભગવાન પ્રવિષ્ટ થયા હોય એમ એણે એક પગ ઊંચો કરી વરદમુદ્રા બતાવી આશીર્વાદ આપ્યા અને મહેલમાં કોઈને પણ માર્યા વિના ત્યાંથી ચૂપચાપ બહાર નીકળી ગયો. બહાર આવ્યા પછી એ નૃસિંહ રૂપે સિંહે જે લોકો પિંજર લઈ રાણીને મારી નાખવા માટે એ સિંહને ત્યાં લઈ આવ્યા હતા એ બધાને હિરણ્યકશિપુની જેમ પેટ ચીરીને મારી નાંખ્યા હતા. એ પછી સ્વયં એ સિંહ પિંજરામાં જઈને બેસી ગયો હતો.
હવે માધોસિંહની આંખો ખૂલી ગઈ. તેને પ્રશ્ચાત્તાપ થયો. તેને રાણી રત્નાવતીની ભક્તિનો પ્રતાપ સમજાયો. તેણે આવીને ક્ષમા માંગી અને પોતાનું રાજપાટ- ધનવૈભવ એના ચરણોમાં ન્યોછાવર કરી દીધું. પણ રત્નાવતીએ એને કહ્યું- સ્વામી, મારું તો એક માત્ર ધન નંદનંદન, શ્યામ સુંદર શ્રીકૃષ્ણ જ છે. મારા સગા-સંબંધી, સંપત્તિ, સર્વસ્વ, સઘળા સુખ કેવળ ભગવાન ગોવિંદ જ છે ! મને એમની ભક્તિ કરવા દો એટલું જ હું માગું છું.’ આવી પ્રેમભક્તિ જોઈ રાજા પણ ગદહદ થઈ ગયો અને એનામાં ભક્તિના અંકુર ઊગી નીકળ્યા.