સુંદર અપ્સરાની અતિ સુંદર પુત્રી મંદોદરીને જોઈને રાવણ એના તરફ આકર્ષિત અને મોહિત થયો. પિતામહ બ્રહ્માના પ્રપૌત્ર રાવણે પોતાના વંશનો પરિચય આપ્યો. મય દ્વારા કરાયેલા મંદોદરીના લગ્નના પ્રસ્તાવને રાવણે સ્વીકાર કરી લીધો. રાવણે મંદોદરીને વચન આપ્યું કે ભવિષ્યમાં મંદોદરી જ તેમની મુખ્ય પત્ની અને લંકાની મહારાણી બનશે. આ લગ્નની ભેટ સ્વરૂપે મયાસુરે રાવણ માટે સોનાની લંકાનું નિર્માણ કરી દીધું. રાવણને અનેક દિવ્ય અસ્ત્રો અને અમોધ શક્તિ પણ આપી.
એ પછી વખત જતાં રાવણે અનેક દેવ, ગંધર્વ
અને નાગકન્યાઓ સાથે લગ્ન કર્યા પણ મંદોદરી સદાય પટરાણી અને સર્વાધિક પ્રિય જ રહી.
મંદોદરીએ સદાય રાવણનું કલ્યાણ ઇચ્છયું. અને એને સન્માર્ગે ચાલવા માટે પ્રયત્ન કરતી
રહી. એણે રાવણના દુષ્કર્મોનો હંમેશા નમ્રતાપૂર્વક વિરોધ કર્યો. મંદોદરી પરમ પતિ
પરાયણા અને સતીત્વના લક્ષણો ધરાવનારી હતી. એના સતીત્વને કારણે એને સમજાઈ ગયું હતું
કે દશરથનંદન રામ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમનો જ અવતાર છે.
રાવણે છળપૂર્વક સીતાનું અપહરણ કર્યું ત્યારે મંદોદરીએ રાવણને કહ્યું
હતું.’ હે નાથ , શ્રી રામ મનુષ્ય નથી.
તે સર્વેશ્વર, સર્વશક્તિમાન, સર્વશક્તિમાન,
સચ્ચિદાનંદ સ્વરૂપ, પૂર્ણ પુરુષોત્તમ છે. એમની
સાથે શત્રુતા ન કરો. સીતા પણ સાક્ષાત્ જગજનની, યોગમાયા છે.
એટલે અપહરણ કરાયેલી સીતાને શ્રીરામને પાછી સોંપી દેવી જોઈએ. મારી તો આપને
પ્રાર્થના છે કે લંકાનું રાજ્ય મેઘનાદને સોંપીને આપણે વનમાં જતા રહેવું જોઈએ અને
એમના સાન્નિધ્યમાં રહીને આત્મોન્નતિ કરવી જોઈએ.’
મદમાં ચકચૂર થઈને પોતાના સિવાય બધાની અવહેલના કરતા રાવણે’સીતા દેહુ રામ કહ’ એમ સમજાવનારા ભાઈ વિભીષણને લાત મારીને કાઢી મૂક્યા અને વયોવૃદ્ધ નાના માલ્યવન્તને ભરસભામાં ધમકાવીને ચૂપ કરી દીધા હતા પણ તે ક્યારેય મંદોદરી સાથે દુર્વ્યવહાર કરી શક્યો નહોતો. મંદોદરી એને હિતકારક સલાહ આપતી ત્યારે તે એને હસીને ટાળી દેતો અથવા એને અવગણી ત્યાંથી ચાલી નીકળતો. તેનો અંતરાત્મા તો જાણતો હતો કે એની પત્ની જે કરી રહી છે તે તેના હિત માટે જ છે !
વાસ્તવમાં રાવણ તો જયનો જ પુનર્જન્મ હતો. ભગવાન વિષ્ણુના પાર્ષદ- જય-વિજયને સનત્કુમારોનો શાપ લાગ્યો હતો. એટલે ભગવાન સાથે શત્રુતા કરી. એ રૂપે એમનું અહર્નિશ ચિંતન કરી ત્રણ જન્મો બાદ વૈકુંઠ પાછા જવાનું હતું. એટલે રાવણ પણ’મુંને મારવા (રામે) માનુષી દેહ ધારી’ જાણતો હતો. રામ સાથે શત્રુતા કરી એમના હાથે મરણ પામવાનું પૂર્વનિર્ધારિત ભવિતવ્ય રાવણ લઈને આવ્યો હતો. એટલે મંદોદરીની સલાહ માનીને સીતાને પાછી સોંપી દેવાનું એના માટે સંભવ નહોતું.
એક એવી કથા છે કે રાવણનું મૃત્યુ એક વિશિષ્ટ બાણથી જ થઈ શકે એમ હતું. એની જાણકારી મંદોદરીને હતી. શ્રી હનુમાનજીએ મંદોદરી પાસેથી આ વાત જાણી, તે બાણ જ્યાં રાખવામાં આવ્યું હતું. ત્યાંથી શોધીને તે રામને આપ્યું હતું. ભગવાન શ્રી રામે તે રાવણને મારીને તેનો વધ કર્યો હતો. યુદ્ધના મેદાનમાં રાવણના મૃતદેહ પાસે રડતી મંદોદરીને ભગવાન રામે સાંત્વન આપ્યું હતું અને તેના મોહ અને શોકને દૂર કર્યો હતો.
‘અદ્ભુત રામાયણ’માં એવું દર્શાવવામાં આવ્યું છે કે વિભીષણનો રાજ્યાભિષેક કર્યા બાદ ભગવાને રામે અત્યંત વિનમ્રતાથી મંદોદરી સમક્ષ વિભીષણ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એવું કહેવાય છે કે એ વખતે મંદોદરીએ કોઈ જવાબ આપ્યો નહોતો. ભગવાન રામ અયોધ્યા પહોચ્યા બાદ આત્મચિંતન કર્યા બાદ તેણે વિભીષણ સાથે લગ્ન કરી લીધા હતા. જો કે આ બાબત માનવી થોડી મુશ્કેલ છે કેમ કે મંદોદરી સતી કહી શકાય એવી સ્ત્રીરત્ન હતી.