રાવણના પાત્ર માટે રામાનંદને જરૂર હતી શિવભક્તની, ૪૦૦ ઓડીશન બાદ પસંદ કર્યા હતા અરવિંદ ત્રિવેદીને,, સીરીયલમાં રાવણવધ થયો ત્યારે આખો દેશ રડ્યો હતો..

રામાનંદ સાગર નિર્મિત ‘રામાયણ’ ઇતિહાસની પ્રખ્યાત સિરિયલ બની છે. એનું કારણ રામાનંદ સાગરનું વિઝન અને તેમનો સંપૂર્ણ સમર્પણભાવ હતો. એક-એક પાત્ર એવું પસંદ કર્યું કે એ પાત્ર પછીની રામાયણ આધારિત ઘણી સિરિયલમાં અનેક અભિનેતાઓ ભજવી ગયા, પણ રામાનંદ સાગરની ‘રામાયણ’નાં પાત્રો આટલા સમય પછી પણ લોકોનાં દિલો-દિમાગમાં રહે છે.

રામાનંદ સાગરે રામાયણ સિરિયલ માટે લગભગ બધાં જ પાત્રોની પસંદગી કરી લીધી હતી. રાવણના પાત્ર માટે તેમને પ્રભાવશાળી અભિનેતા મળતા નહોતા. હવે કરવું શું ? એવો સવાલ સામે આવીને ઊભો રહ્યો. રામાનંદ સાગરે રાવણના પાત્ર માટે 400થી પણ વધુ ઓડિશન લીધાં, પણ તેમના મનમાં જે પાત્ર હતું તેવો ‘લંકેશ’ મળ્યો નહીં.

આટલાં બધાં ઓડિશન પછી મેળ ના પડ્યો એટલે મોતી સાગરે કહ્યું, બહુ વિચારીશું તો સિરિયલ શરૂ કરવામાં બહુ મોડું થઈ જશે. કોઈ એકને લઇ લો, પણ રામાનંદ સાગર આ વાતમાં માન્યા નહીં. રામાનંદ સાગરે મોતી સાગરને કહ્યું, સિરિયલ માટે મારે ઉતાવળ નથી કરવી.

મારે રાક્ષસ જેવા દેખાતા કે તેના જેવો અભિનય કરનારા રાવણની જરૂર નથી પરંતુ મારે જરૂર છે, શિવભક્ત રાવણની. મારે રાવણને ભક્ત જેવો દર્શાવવો છે. રામાનંદ સાગરે આ માટે ઘણી ફિલ્મો અને આર્ટ ફિલ્મો જોઈ. એમાં તેમને ગુજરાતી માં પ્રખ્યાત ‘કુંવરબાઈનું મામેરું’ ફિલ્મ પણ જોઈ.

આ ફિલ્મ જોઈને તેમણે અરવિંદ ત્રિવેદીનો તુરંત જ સંપર્ક કર્યો. અરવિંદભાઈનું ઓડિશન પણ લેવાયું. ઓડિશન ચાલુ હતું ત્યાં જ રામાનંદ સાગર ઊભા થઈને જોરથી બોલ્યા, મુજે મિલ ગયા મેરા રાવણ… રામાયણ સિરિયલમાં દારાસિંહ એ હનુમાન હતા,

અરુણ ગોવિલ રામ અને દીપિકા ચીખલિયા સીતાનું કિરદાર નિભાવતાં હતાં. આ અને આ સિવાયના તમામ કિરદારોમાં લોકોએ સૌથી વધારે રાવણના કિરદારને પસંદ કર્યા હતા, કારણ કે અરવિંદભાઈએ આ પાત્ર ભજવીને રાવણને ગરિમા અપાવી હતી.

રાવણના પાત્રની લોકપ્રિયતા એટલી બધી જબરદસ્ત હતી કે રામાયણ સિરિયલ સમાપન તરફ હતી અને રાવણ વધનો એપિસોડ આવ્યો ત્યારે દેશભરના કરોડો દર્શકોમાં રીતસરનો સન્નાટો પડી ગયો હતો. રાવણનો વધ થયો ત્યારે આખો દેશ રડ્યો પણ હતો. આ પણ ટીવી જગતમાં અમૂલ્ય ઇતિહાસ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer