રામાયણમાં રાવણ, વિભીષણ અને કુંભકર્ણ ત્રણેય ભાઈ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી રહ્યા હતાં. તપસ્યાથી પ્રસન્ન થઇને જ્યારે બ્રહ્માજી પ્રકટ થયાં ત્યારે કુંભકર્ણને વરદાન આપતાં પહેલાં તેઓ ચિંતિત હતાં. આ વિષયે શ્રીરામચરિત માનસમાં ઉલ્લેખવામાં આવ્યું છે-
पुनि प्रभु कुंभकरन पहिं गयऊ। तेहि बिलोकि मन बिसमय भयऊ।
એટલે- રાવણને ઇચ્છિત વરદાન આપ્યાં બાદ બ્રહ્માજી કુંભકર્ણ પાસે આવ્યાં. તેને જોઇને બ્રહ્માજીના મનમાં આશ્ચર્ય થયું.
जौं एहिं खल नित करब अहारू। होइहि सब उजारि संसारू।।
सारद प्रेरि तासु मति फेरी। मागेसि नीद मास षट केरी।।
જો કુંભકર્ણ દરરોજ ભરપેટ ભોજન કરશે તો જલ્દી જ સંપૂર્ણ સૃષ્ટિ થઇ જશે, આ જ બ્રહ્માજીની ચિંતાનું કારણ હતું. આ કારણે બ્રહ્માજીએ સરસ્વતી દ્વારા કુંભકર્ણની બુદ્ધિ ભ્રમિત કરી દીધી હતી. કુંભકર્ણે મતિભ્રમના કારણે 6 મહિના સુધી સૂતા રહેવાનું વરદાન માંગી લીધું હતું.
શ્રીરામચરિત માનસમાં ઉલ્લેખવામાં આવ્યું છે-
अतिबल कुंभकरन अस भ्राता। जेहि कहुँ नहिं प्रतिभट जग
जाता।।
करइ पान सोवइ षट मासा। जागत होइ तिहुँ पुर त्रासा।।
રાવણનો ભાઈ કુંભકર્ણ ખૂબ જ બળવાન હતો, તે સમયે કુંભકર્ણ સામે ટક્કર લઇ શકે તેવો કોઇ અન્ય યોદ્ધા આખા જગતમાં હતો નહીં. તે મદિરા (દારૂ) પીને છ મહિના સુધી સૂઇ જતો હતો. જ્યારે કુંભકર્ણ જાગતો હતો ત્યારે તે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દેતો હતો.
जौ दिन प्रति अहार कर सोई। बिस्व बेगि सब चौपट होई।।
જો કુંભકર્ણ દરરોજ ભોજન કરતો તો સંપૂર્ણ વિશ્વ જલ્દી જ નષ્ટ થઇ જતું. માટે બ્રહ્માજીએ સરસ્વતી દ્વારા કુંભકર્ણની બુદ્ધિ ભ્રમિત કરી દીધી હતી.
સીતાનું હરણ થયાના સમાચાર સાંભળતાં
કુંભકર્ણ દુઃખી થયો હતોઃ-
રાવણે
સીતાનું હરણ કર્યું. ત્યાર બાદ શ્રીરામ વાનર સહિત લંકા પહોંચ્યા હતાં. શ્રીરામ અને
રાવણ, બંનેની
સેનાઓ વચ્ચે યુદ્ધ થવા લાગ્યું, તે સમયે કુંભકર્ણ સૂઇ રહ્યો હતો. જ્યારે રાવણના અનેક મહારથી માર્યા ગયાં, ત્યારે કુંભકર્ણને જાગવાનો આદેશ આપવામાં
આવ્યો હતો. અનેક પ્રકારના ઉપાયો કર્યા બાદ જ્યારે કુંભકર્ણ જાગ્યો ત્યારે તેને
રાવણે સીતાનું હરણ કર્યું છે તે વાત સાંભળીને ખૂબ જ દુઃખ થયું હતું.
जगदंबा हरि आनि अब सठ चाहत कल्यान।
કુંભકર્ણે દુઃખી થઇને રાવણને કહ્યું- અરે મૂખ। તે જગત જનનીનું હરણ કર્યું છે અને હવે તું તારું કલ્યાણ ઇચ્છે છે?કુંભકર્ણે રાવણને શ્રીરામ પાસે માફી માંગી લેવા અને સીતાજીને પાછા આપી દેવા માટે જણાવ્યું, જેથી રાક્ષસ કુળનો નાશ થવાથી બચી જાય. પરંતુ આટલું સમજાવ્યા બાદ પણ રાવણ માન્યો નહીં.
દેવર્ષિ નારદે જ્ઞાન આપ્યું હતુંઃ-
કુંભકર્ણને
પાપ-પુણ્ય અને ધર્મ-કર્મથી કોઇ લેવડ-દેવડ હતી નહીં. તે દર 6 મહિને એકવાર જાગતો હતો. તેનો એક આખો દિવસ
ભોજન કરવામાં અને બધાનું કુશળ-મંગળ જાણવામાં પસાર થઇ જતો હતો. રાવણના અધાર્મિક
કાર્યોમાં તેનો કોઇ સહયોગ હતો નહીં. કુંભકર્ણ રાક્ષસ જરૂર હતો, પરંતુ અધર્મથી દૂર જ રહેતો હતો. આ કારણે
સ્વયં દેવર્ષિ નારદે કુંભકર્ણને તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો.
રાવણની વાત માનીને યુદ્ધ કર્યુંઃ-
જ્યારે રાવણ
યુદ્ધ ટાળવાની વાત માન્યો નહીં ત્યારે કુંભકર્ણે મોટા ભાઇની વાતનું માન રાખી યુદ્ધ
માટે તૈયાર થઇ ગયો. કુંભકર્ણ જાણતો હતો કે, શ્રીરામ સાક્ષાત ભગવાન વિષ્ણુનો અવતાર છે
અને તેમને યુદ્ધમાં પરાજિત કરવા અસંભવ છે. ત્યાર બાદ પણ રાવણનું માન રાખી તે
શ્રીરામ સાથે યુદ્ધ કરવા ગયો. શ્રીરામ ચરિત માનસ પ્રમાણે કુંભકર્ણ શ્રીરામ દ્વારા
મુક્તિ મેળવવાનો ભાવ મનમાં રાખીને યુદ્ધ કરવા ગયો હતો. તેના મનમાં શ્રીરામ પ્રત્યે
ભક્તિ હતી. ભગવાનનું બાણ વાગતાં જ કુંભકર્ણે દેહ ત્યાગી દીધો અને તેનું જીવન સફળ
થઇ ગયું હતું.