જાણો કેવી રીતે પડ્યું રેવતી કુંડનું નામ અને શું છે તેનું માહાત્મ્ય

અનેક ઋતવાગ નામનો બ્રાહ્મણ હતો. તેમને ત્યાં રેવતી નક્ષત્રમાં એક પુત્ર જન્મ્યો.જ્યારે રેવતી નક્ષત્રનો યોગ હોય ત્યારે તેને શાસ્ત્રમાં ગડાંત યોગ કહે છે, તે યોગમાં તે મુનિનો પુત્ર જન્મ પામવાથી અત્યંત ધર્મભ્રષ્ટ થયો અને તેના માતા પિતા બહુ દુઃખી થયાં. તે પુત્ર આવો ધર્મભ્રષ્ટ કેમ થયો! તેનું કારણ પૂછવા સારું ઋતવાગ મુનિ ગર્ગ ઋષિ પાસે ગયા અને તેમણે રેવતી નક્ષત્રમાં પુત્રનાં જન્મની વાત કહી. તેથી તે બ્રાહ્મણે રેવતી ઉપર ક્રોધ કરીને શ્રાપ આપ્યો કે હે રેવતી તું પૃથ્વી ઉપર પડ!

આ પ્રમાણે બ્રાહ્મણે શ્રાપ આપ્યો કે તરત રેવતી નક્ષત્ર પૃથ્વી ઉપર કુમુદ પર્વત ઉપર પડ્યું તે સ્થાને મોટો ખાડો થઇ ગયો અને કુમુદ પર્વતનો તે ભાગ ગળવા લાગ્યો. ત્યારે તે સુવર્ણનો થઇ ગયો, તે પછી તે ખાડામાંથી રેવતી નામની કન્યા ઉત્પન્ન થઇ. તેને પ્રમુંચ નામના એક મહાત્મા લઇ ગયા અને પાલન પોષણ કરી મોટી કરી. જ્યારે તે ઉંમર લાયક થઇ ત્યારે દુર્દમ નામના રાજા સાથે પરણાવી અને તેનાથી રૈવત નામનો મન્વંતરનો અધિપતિ પુત્ર થયો. તે પ્રમુંચ મુનિએ રેવતી નક્ષત્રને ચંદ્રનાં સંયોગમાં આકાશમાં સ્થાપન કર્યું.

તે પછી રેવતીનો બીજો જન્મ થયો ત્યારે બ્રહ્માની આજ્ઞાથી શ્રીકૃષ્ણનાં મોટા ભાઇ શેષનાગના અવતાર બલરામ સાથે તેનાં લગ્ન થયાં. જ્યારે બલરામ સાથે રેવતી ગિરનારની યાત્રા કરવા આવ્યા. ત્યારે ગર્ગ ઋષિના કહેવાથી તે કુંડનો જીર્ણોદ્ધાર રેવતીએ કર્યો અને ત્યાં સત્યાવીશ નક્ષત્રોનું સ્થાપન કર્યું તે પછી તેનું નામ ‘રેવતી કુંડ’ પ્રસિદ્ધ થયું છે. જે સૌભાગ્યવતી સ્ત્રીઓ રેવતી કુંડમાં સ્નાન કરીને શ્રદ્ધાથી દાન કરે છે, તેણી પુત્રવાળી તથા સમૃદ્ધિવાળી થાય છે. રેવતી કુંડની બાજુમાં વૈષ્ણવોનાં મહાપ્રભુજીની બેઠકજી આવેલ છે.

શ્રી મુચકુંદ રાજા સત્યયુગમાં માંધાતા રાજાને ઘેર જન્મ્યા હતા. તેઓ મહા બળવાન હતા. તેમને દેવો માટે દૈત્યો સામે એક હજાર વર્ષ યુદ્ધ કર્યું અને દેવોનો વિજય કર્યો. આથી દેવતાઓ પ્રસન્ન થયા અને રાજાને વર માગવા કહ્યું. ત્યારે પોતાને લાગેલ અત્યંત થાકથી મુચકુંદ રાજાએ વરદાન માગ્યું કે ‘હું નિરંતર નિદ્રા કરતો રહું અને મને જગાડે તે બળીને ભસ્મ થઇ જાય આવું વરદાન માગ્યું.’ તેથી દેવોએ તથાસ્તુ કહીને રૈવતાચળ પર્વતની એક ગુફા બતાવી તેમાં રાજા નિદ્રાધીન થઇ ગયા.

રાજા સૂતા રહ્યા અને દ્વાપર યુગ શરૂ થઇ ગયો. આ યુગમાં હલઘર બળરામજી અને ગિરિધર શ્રીકૃષ્ણ યુગાવતાર થયા. તેમણે કંસને મારીને મથુરા નગરી કબ્જે કરી. આથી આ વેરનો બદલો લેવા કંસના શ્વશુર જરાસંઘ રાજાએ કાળયવનની મદદ લઇ સંયુક્ત ચડાઇ કરી અને મથુરા નગરીને ઘેરી. ભગવાન શ્રીકૃષ્ણ રણના આ ઘેરામાંથી ભાગ્યાં તેથી તે ‘રણછોડ’ કહેવાયા છે.

તેઓ આ યુદ્ધમાંથી છટકીને ભાગ્યા, પડકારા કરતા દોડતા-ભાગતાં સત્યયુગથી રાજા મુચકુંદ જ્યાં સૂતા હતા ત્યાં પહોંચ્યા અને ગુફામાં સુતેલા રાજાને પોતાનું પીતાંબર ઓઢાડીને સંતાઇ ગયો. કૃષ્ણને મારવા પાછળ પડેલ કાલયવન પણ અહીં સુધી પહોંચી ગયો અને મુચકુંદ રાજાને કૃષ્ણ સમજી ઠોકર મારી જગાડ્યા. આથી સૂતેલ રાજા જાગી ગયા અને યવન ઉપર રાજાની નજર પડતાં તે બળીને ભસ્મ થઇ ગયો. કાલયવન જે ભગવાન શ્રીકૃષ્ણથી મરે તેમ ન હતો તેનો આમ નાશ કરાવીને શ્રી પ્રભુએ રાજાને દર્શન આપ્યાં, અને આજ્ઞા કરીને તેની પાસે તે સ્થાને મહાદેવની સ્થાપના કરાવી.

જે આજે પણ મુચકુંદ મહાદેવનાં નામથી પ્રસિદ્ધ છે. આ મહાદેવજીને ફરતાં પ્રદક્ષિણામાં શ્રી ગણેશજી, રાહુ-કેતુ, વીરભદ્ર હનુમાનજીની પ્રાચીન પ્રતિમાઓ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer