શિરડીમાં મુખ્ય 3 જોવાલાયક સ્થળો છે. સમાધિ મંદિર, સાંઇબાબા જે સ્થાનમાં રહેતા તે સ્થાન દ્વારકામાઇ. સાંઇબાબાનું ગુરુસ્થાન જ્યાં તેમના ગુરુ પ્રકટ થયા તે સ્થાન. દ્વારકામાઇ એક મસ્જિદ છે એમ કહેવાય છે, પરંતુ મસ્જિદ જેવો તેનો આકાર નથી દેખાતો. નાનું સરખું મકાન છે. તેનાં પગથિયાં ચઢીને ઉપર પ્રવેશ કરો એટલે ઉપર સાંઇબાબાનું મોટું તૈલચિત્ર દેખાય. તેમાં સાંઇબાબાની બેઠેલી આકૃતિ છે. આકૃતિ ખૂબ જ આકર્ષક છે. આબેહૂબ પણ એટલી જ જાણે સાંઇબાબા હમણાં જ વાત કરી ઊઠશે એમ આકૃતિને જોતાં તરત જ લાગે છે.
દ્વારકામાઇમાં પણ એકબાજુ અખંડ અગ્નિ જલ્યા કરે છે. સાંઇબાબા અગ્નિ રાખતા ને તેની ભસ્મ સૌને આપતા. તેમની સ્મૃતિમાં આજે પણ ભસ્મ અને અગ્નિ જોવા મળે છે. એક કબાટમાં સાંઇબાબાની પહેલાંની બે ત્રણ કફની છે. એ ઝભ્ભા જાડા કાપડના ને સાદા છે. બીજી બાજુ દીવાલમાં તેમની જૂની ચલમો હારબંધ જડેલી છે.
સાંઇબાબા ચલમ પીતા એ વાત પ્રસિદ્ધ જ છે. એની સાથે સાથે યાત્રીઓને સાંઇબાબાનાં બે ત્રણ વાસણો પણ જોવા મળે છે. એક ખૂણામાં ઘંટી તથા એક કોથળો છે. એ વિશે એમ કહેવાય છે કે શિરડીમાં દુકાળ પડતો ત્યારે સાંઇબાબા પોતે અનાજ દળતા ને તે વખતે આ ઘંટીને ઉપયોગમાં લેતા. દળેલા ઘઉંનો લોટ તે ગામ બહાર આવેલી નદીમાં ફેંકાવી દેતા. ગોદાવરી નદીમાં લોટ પધરાવવાથી કે એ જાતના સાંઇબાબાના આશીર્વાદથી શિરડીમાંથી દુકાળની અસર દૂર થઇ જતી. કોથળામાં અનાજ ભરેલું આજે પણ કાયમ છે.
એ વસ્તુઓ ઉપરાંત સાંઇબાબાની બીજી સ્મૃતિ પણ જોવા જેવી છે. તેમની રેશમી જેવી છત્રી. બહાર જતાં કેટલીક વાર સાંઇબાબા આ છત્રીનો ઉપયોગ કરતા. તે વખતે સાંઇબાબા કેવા લાગતા હશે એમ સહેજે વિચાર થાય છે. એ વિચાર તરત સંતોષાય છે પણ ખરો. સાંઇબાબા બહાર જાય છે તે વખતે તેમના ભક્તો તેમની આજુ બાજુ ઊભા છે. એક ભક્તે તેમને છત્રી પણ ઓઢાડી છે.