એક વખત ભક્તિ માર્ગના પ્રસિદ્ધ સંત સ્વામી રામાનંદ કાશીથી રામેશ્વર તીર્થયાત્રાએ નીકળ્યા ત્યારે વચમા આલંદી ગામે થોડો સમય રોકાયા-ત્યાંના ભક્તિભાવવાળા લોકો તેમના દર્શનાર્થે આવતા. ત્યાં તેઓ પ્રવચન કરતા ત્યાં તેમણે હનુમાનજીના મંદિરમાં નિવાસ કર્યો હતો. તેમના દર્શને ત્યાં તેમણે હનુમાનજીના મંદિરમાં નિવાસ કર્યો હતો. તેમના દર્શને એક સુંદર તથા યુવાન સ્ત્રી તેમની પૂજા કરવા પ્રવચન સાંભળવા આવતી.
એક વખત બંને પ્રત્યક્ષ મળ્યા. તે સ્ત્રીએ સ્વામીજીને પ્રણામ કર્યા. તેથી સ્વામીજીએ તેને આશીર્વાદ આપ્યા કે, ‘પુત્રવતી ભવ’ આ આશીર્વાદ સાંભળી સ્ત્રી ખડખડાટ હસી પડી. ત્યારબાદ તરત જ એકદમ ચૂપ થઇ ગઇ તેનું આવું વિચિત્ર વર્તન જોઇ સ્વામીજીએ તેને પૂછયું કે, હે પુત્રી પહેલાં તું ખડખડાટ હસી ત્યારબાદ એકદમ ચૂપ થઇ ગઇ તેનુ શું કારણ? તે સ્ત્રી બોલી, ‘હે ગુરુદેવ આપના જેવા મહાન સંતના આશીર્વાદ નિષ્ફળ જશે તેવા ડરથી હું ખડખડાટ હસી પડી. અને આપનું તપ તથા સામર્થ્ય જોઇ હું ચૂપ થઇ ગઇ. કારણ આપે મને પુત્રવતી ભવ કહ્યું પણ મારા સ્વામી બાર વર્ષ પહેલાં આપની પાસે વિઠ્ઠલ પંતમાંથી ચૈતન્યાશ્રમ બન્યા છે. તેઓ મને છોડીને વિરક્ત જીવન જીવે છે.
હવે આપ જ કહો આપના આશીર્વાદ કેવી રીતે ફળશે? સ્વામી રામાનંદજી બાર વર્ષ પૂર્વેનો બનાવ બાદ આવ્યો. એક યુવાન નામે વિઠ્ઠલ પંત તેમની પાસેથી દીક્ષા લઇ ચૈતન્યાશ્રમ સ્વામી બન્યા હતા. સ્વામીજીને પોતાની ભૂલ સમજાઇ તેમણે તે યુવતીને કહ્યું’ હે પુત્રી તું જરા પણ ગભરાઇશ નહીં હું સ્વામી ચૈતન્યાશ્રમને આદેશ આપીશ કે તે તારી પાસે આવી ગૃહસ્થાશ્રમ નિભાવે. હવે હું આગળ યાત્રાએ નહીં જાઉં. હું અહીંથી જ પાછો ફરી તારા પૂર્વાશ્રમના પતિ વિઠ્ઠલપંત અને અત્યારના સ્વામી ચૈતન્યાશ્રમને આદેશ કરું છું કે તેઓ સંસારમા પાછા ફરે. તે જ સમયે સ્વામીજી પાછા ફરી ગયા. તેમણે સ્વામી ચૈતન્યાશ્રમને આદેશ કર્યો કે, ‘જાવ ગૃહસ્થીમાં પાછા જોડાઇ જાવ.’
સ્વામી ચૈતન્યાશ્રમે ગુરુજીનો આદેશ માની ગૃહસ્થાશ્રમ પાછો શરૂ કર્યો. આ બનાવે ત્યારની સમાજમાં ભયંકર ખળખભાટ મચાવ્યો. બંને જણ સહિત ચારેય બાળકોનો સમાજમાં બહિષ્કાર કર્યો. તેમની સખત લોકનિંદા થવા લાગી. લોક નિંદાથી પતિ પત્ની પુષ્કળ ભજન, સ્તવન કરવા લાગ્યા લોકો વિઠ્ઠલ પંતને ભિક્ષા કે કામ આપતા નહીં. આથી આખો પરિવાર ઘણી વાર પાણી પીને દિવસ કાઢતો. મોટો પુત્ર નિવૃત્તિનાથ સાત વર્ષનો થયો ત્યારે તેની જનોઇ માટે કોઇ બ્રાહ્મણ આગળ આવ્યો નહીં. તેથી વિઠ્ઠલ પંત ત્ર્યંબકેશ્વર ગયા.ત્યાં ગહિનીનાથે નિવૃત્તિને દીક્ષા આપી. ત્યાર બાદ થોડા સમય બાદ માતા પિતા ચારેય બાળકોને અનાથ દશામાં મૂકી કયાંક ચાલ્યાં ગયાં. તેથી તે બાળકો ભીક્ષા માગી જીવન જીવતાં. પ્રભુ ભક્તિ કરતા.
જ્ઞાનદેવની બુદ્ધિ જોઇ પૈઠણના બ્રાહ્મણોએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે માતા-પિતાના ગુનાની સજા બાળકોને ન કરવી. તેમને અપનાવી લેવાં જોઇએ. તેથી તે બ્રાહ્મણોએ ઇ.સ.૧ર૮૮માં તે ચારેય બાળકોની દેહશુદ્ધિ કરાવી તેમને પાછું મોભાનું સ્થાન સમાજમાં આપ્યું. જ્ઞાનદેવ ભાઇ બહેનો સાથે મેવાસા ગામે ગયા. ત્યાં તેમણે ૧ર૮૮માં ભગવદ્ ગીતા ઉપર સુંદર ભાષ્ય લખ્યું. એ મરાઠી સાહિત્ય તથા ધર્મગ્રંથોમાં જ્ઞાનેશ્વરી ગીતા નામથી ઓળખાય છે. કહેવાય છે કે તે વખતે જ્ઞાનદેવ પંદર વર્ષના હતા. તેમણે જ્ઞાનેશ્વરી ગીતાના લગભગ ૮૦૦૦ પાનાં લખી જે બહુ મોટો ચમત્કાર કહેવાય. તેઓ ૪૬ ભાષા તે વખતે જાણતા હતા. તેઓ ચમત્કારિક હતા. તેમણે ભેંસ તથા ગધેડાના મુખે ગીતાના શ્લોક બોલાવ્યા હતા. તેમણે જ્ઞાનેશ્વરી ગીતા ઉપરાંત યોગ વશિષ્ઠ ઉપર મહત્વનો નોંધપાત્ર અમૃતાનુભાવ નામનો ભાષ્ય ગ્રંથ લખ્યો છે.