શ્રી સ્વામિનારાયણ ભગવાન વસંતના ઉત્સવને ઉત્સાહથી ઉજવતા. વસંત પંચમીના શુભ દિવસે જ સ્વામિનારાયણ સંપ્રદાયના અજોડ ગ્રંથ શિક્ષાપત્રીનું પ્રાગટય થયું છે. આ કારણથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં વસંતપંચમીનું મહત્વ અનેરું છે. છ ઋતુઓમાં વસંતને ‘ઋતુરાજ’ની ઉપમા આપવામાં આવી છે. ઋતુરાજ વસંતના પ્રેમાળ સ્પર્શથી નિસર્ગ ખીલી ઉઠે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન વસંતના ઉત્સવને ઉત્સાહથી ઉજવતા. વસંત પંચમીના શુભ દિવસે જ સ્વામિનારાયણ સંપ્રદાયના અજોડ ગ્રંથ શિક્ષાપત્રીનું પ્રાગટય થયું છે. આ કારણથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં વસંતપંચમીનું મહત્વ અનેરું છે. આજથી આશરે ૧૯૨ વર્ષ પહેલાં જે કુરિવાજો, અંધશ્રધ્ધા વ્હેમ, વ્યસન વગેરે સામેના રણ સંગ્રામમાં નિસ્તેજ થઈ ગયેલા અસંખ્ય માનવીઓના જીવનમાં પ્રાણ ફૂંકવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને ૨૧૨ શ્લોકમાં સર્વજીવોનું હિત કરે તેવો ઉપદેશ આપ્યો છે. આ ઉપદેશનો ગ્રંથ એટલે જ શિક્ષાપત્રી.
જે કોઈ માણસ આ શિક્ષાપત્રીનો એક શ્લોક પણ જીવનમાં ઉતારે તો પણ તેનું કામ થઈ જાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના ૧૩૯મા શ્લોકમાં કહ્યું છે કે,
યાવજજીવં
ચ શુશ્રુષા કાર્યા માતુ : પિતૃગુરો : ।
રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ ચ
મામકૈ : ।। ૧૩૯ ।।
અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમણે માતા-પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે જીવનપર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. (૧૩૯) આજનો માનવ શિક્ષાપત્રીના ૧૩૯માં શ્લોક પ્રમાણે વર્તે તો આજે વૃદ્ધાશ્રમોની કોઈ જરૃર ન રહે. અને સમગ્ર વડીલો પોતાના પરિવારમાં સુખ- શાંતિથી રહી શકે. પરંતુ આજના આધુનિક યુગના યુવાનોને માતા-પિતાની સેવા કરવી ગમતી નથી. માતા પિતા માટે તેમની પાસે કોઈ સમય નથી.
આ શિક્ષાપત્રીમાં કુલ ૨૧૨ શ્લોકો છે. જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને દરેક શ્લોકમાં માનવે જીવનમાં ઉતારવા જેવા અણમોલ મૂલ્યોની વાત કરી છે. પરંતુ આપણે અહીંયા શિક્ષાપત્રી ગ્રંથના ૧૩૯મા શ્લોકની જ વાત કરીશું. જગ્યાના અભાવે આખો એક શ્લોક પણ નહી લઈ શકીએ. પરંતુ એક શ્લોકના માત્રને માત્ર એક પાદની જ વાત કરીશું. શિક્ષાપત્રીમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલા આ સંદેશને આપણે એક મનનીય પ્રસંગથી સમજીએ. એક દિવસ એક મોબાઈલ રીપેરીંગ કરનાર સ્ટોર ઉપર સીત્તેર વર્ષની આસપાસની ઉંમરના વડીલ આવ્યા. તેમની સાથે તેમના પત્ની પણ હતા. સ્ટોર ઉપર ઉભેલા યુવાનને તેમણે કહ્યું કે, ઘણા દિવસથી મારો મોબાઈલ બંધ થઈ ગયો છે. યુવાને તરત જ ચેક કર્યો અને કહ્યું કે, દાદા આ તો ચાલુ છે. કોઈ તકલીફ નથી. વડીલે ફરી કહ્યું કે, ખરેખર બંધ છે નથી ચાલતો.
યુવાને તરત જ એ દાદાના ફોનમાંથી પોતાના ફોનમાં રીંગ મારી અને કહ્યું કે, લો વાત કરો, ફોન ચાલું છે કે નહીં જુઓ ? વડીલે કહ્યું કે, બેટા, મારા ફોનમાંથી બીજે ફોન જતો હશે, પણ મારા ફોન ઉપર ફોન આવતો નથી. યુવાને મોઢું બગાડીને કહ્યું કે, લાવો, હું મારા ફોન ઉપરથી તમારા ફોન ઉપર કોલ કરીને બતાવું. તરત જ યુવાને ફોન લગાવ્યો. દાદાનો ફોન રણ્કયો. વાત પણ કરી… દાદાએ ફરી યુવાનને કહ્યું કે, બેટા, એવું છે ને કે, અહીંયા મારા ફોન ઉપર તારો ફોન આવે છે, પણ મારા ઘરે તો આ ફોન ઉપર ફોન આવતો જ નથી. એટલે કહું છું કે, તું ફોનને રીપેર કરી આપ.
યુવાનનો મગજ હવે ગયો, તમે ખરા છો, કાંઈ સમજતા જ નથી. અહીંયા ફોન આવે છે, તો ઘરે ફોન કેમ ના આવે ? આવે જ. અત્યાર સુધી શાંત ઉભેલા દાદી થી હવે ના રહેવાયું ? અને તે બોલ્યા કે, બેટા ! તારા દાદા આટલી ઉંમરે શું ખોટું બોલે છે ? તે શા માટે ખોટું બોલે ? જો ફોન ચાલુ જ હોય તો કેટલાય દિવસથી અમારા દિકરા, દિકરી કે વહુનો ફોન કેમ નથી આવતો ? અમે તો દરરોજ આખો દિવસ ક્યારે ફોન વાગે તેની રાહ જોઈએ છીએ. બેટા ! ફરી એક વખત જોઇલે ને- તારા દાદાના મોબાઈલમાં કોઈ નાની સરખી તકલીફ તો નથી ને ? મોબાઈલ ફોન ઉપર દિકરા, દિકરી કે વહુનો ફોન નથી આવતો એવી તકલીફ વાળા ફોન આજે, ઘણા બધા વધી ગયા છે ? ઘરોઘર દરેક દાદા અને દાદીઓની તકલીફ છે કે, અમારા ફોન ઉપર અમારા દિકરા, દિકરી અને વહુના ફોન આવતા જ નથી ? આમની તકલીફ કોણ દૂર કરશે ? કયા મોબાઈલ સ્ટોરમાં આવા ફોન રીપેર કરવામાં આવે છે ?
આ સર્વજીવહિતાવાહ ગ્રંથ આપની પાસે કદાચ ના હોય તો શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ- મણિનગર- અમદાવાદ ખાતે આવજો અને વિના મૂલ્યે મેળવશો. પરંતુ ફરી વિનંતી છે કે, આ શિક્ષાપત્રી ગ્રંથને વાંચજો, વિચારજો અને વર્તનમાં મૂકશો તો અવશ્ય આપશ્રી અને આપનો પરિવાર સુખ- શાંતિ પામશો.