ભાદરવા મહિનાની અમાસ તિથિને મહત્વપૂર્ણ મનાય છે. પિતૃ પક્ષમાં આવતી અમાસ તેનું સૌથી મોટું કારણ છે. આ વર્ષે પિતૃમોક્ષ અમાસ 28 સપ્ટેમ્બરે છે. 20 વર્ષ બાદ સર્વ પિતૃમોક્ષ અમાસ શનિવારે રહેશે. આ દિવસે શ્રાદ્ધ કર્મ કરવું ફળદાયક મનાય છે. પિતૃ પક્ષમાં શનિવારના દિવસે અમાસનો યોગ ખૂબ જ સૌભાગ્યશાળી છે. આ પહેલાં 1999માં આ સંયોગ બન્યો હતો. હવે 4 વર્ષ પછી 2023માં આ સંયોગ બનશે.
આ વર્ષે ગજચ્છાયા યોગ બનશે નહીંઃ-ગજચ્છાયા યોગમાં શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ ઉલ્લેખવામાં આવે છે. આ શુભ યોગમાં કરેલાં શ્રાદ્ધ, તર્પણ અને દાનનું અક્ષય ફળ મળે છે. આ શુભયોગમાં શ્રાદ્ધ કરવાથી ઋુણ મુક્તિ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે. આ વર્ષે પિતૃપક્ષમાં ગજચ્છાયા યોગ બનશે નહીં. ગયા વર્ષે આ યોગ બન્યો હતો. આ દુર્લભ યોગ તિથિ, ગ્રહ અને નક્ષત્રોની વિશેષ સ્થિતિથી બને છે. જ્યોતિષાચાર્યો પ્રમાણે આ શુભ યોગ વર્ષમાં લગભગ 1 કે 2 વાર જ બને છે.
પિતૃઓને શાંતિ મળે છેઃ-પિતૃપક્ષના 16 દિવસ દરમિયાન પિતૃઓ ધરતી પર આવે છે અને અમાસના દિવસે તેમની વિદાય કરવામાં આવે છે. આ દિવસે ધરતી પર આવેલાં બધા જ પિતૃઓને પૂર્ણ વિધિ દ્વારા વિદાય આપવામાં આવે છે. તેમની શાંતિ માટે અનેક ઉપાય પણ કરવામાં આવે છે. આ તિથિ એટલાં માટે પણ ખાસ છે કેમ કે, ઘરના કોઇ સભ્યની મૃત્યુની તિથિ જાણતાં ના હોવ તો આ દિવસે તેમનું શ્રાદ્ધ કરી શકાય છે.
આ અમાસના દિવસે પિતૃઓના નામે શ્રાદ્ધ કરવાથી માનસિક અને શારીરિક શાંતિ મળે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને અનેક પ્રકારના કષ્ટ દૂર થાય છે. આ અમાસના દિવસે પિતૃઓ તેમના પ્રિયજનના દ્વારે શ્રાદ્ધની ઇચ્છા રાખીને આવે છે. જો તેમને પિંડદાન મળે નહીં તો તેઓ અસંતુષ્ટ થઇને પાછા ફરે છે. આવું થવાથી ઘરેલૂ ક્લેશ વધે છે અને સુખ-સમૃદ્ધિ પર પણ અસર પડે છે. આવી સ્થિતિમાં કાર્ય પણ ખરાબ થવા લાગે છે. માટે શ્રાદ્ધ કર્મ અવશ્ય કરવું જોઇએ.