ગુલાબ વાવાઝોડાં બાદ હવે શાહીન વાવાઝોડાંથી ખતરો: ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી, ૧૭ જીલ્લામાં NDRF-SDRFની ટીમ તૈનાત..

હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે ચક્રવાતી તોફાન ગુલાબનો અવશેષ ઉત્તર તેલંગાણા તરફ આગળ વધ્યો છે, જેના કારણે અરબી સમુદ્ર ઉપર વધુ એક ચક્રવાત ‘શાહીન’ બની શકે છે. નવું દબાણ મંગળવારે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની અને ઓછા દબાણવાળા વિસ્તારમાં નબળું પડવાની સંભાવના છે. આ સિસ્ટમ 30 સપ્ટેમ્બરની સાંજે ઉત્તર -પૂર્વ અરબી સમુદ્ર અને તેને અડીને આવેલા ગુજરાત કિનારે (ગુજરાત કોસ્ટ) પહોંચી શકે છે.

તે જ સમયે, ચક્રવાતી તોફાન ગુલાબને કારણે ચોમાસુ ચાલુ છે. ઝારખંડના હવામાન વિભાગે 2 ઓક્ટોબર સુધી જમશેદપુરમાં વરસાદની ચેતવણી આપી છે. એટલું જ નહીં, આ ચક્રવાતને કારણે ઓડિશા, કોસ્ટલ આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 30 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી છે.

ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ હતી. હવે રાજ્યમાં ગુલાબ વાવાઝોડાની સાથે ફરીવાર બીજુ શાહિન વાવાઝોડુ અરબ મહાસાગરમાં તૈયાર થઈ ગયું છે.

વાવાઝોડુ સર્જાવાને કારણે દરિયાકાંઠા વિસ્તારમાં પવન અને વરસાદની તિવ્રતા વધશે એવું જોખમ છે આજે દરિયાકાંઠા વિસ્તારમાં પવનની ગતિ 60 કિલોમીટરની છે. જે આવતીકાલે 80થી 90 કિ.મી. વચ્ચેની રહેશે. જે 150 કિલોમીટર સુધીની થઈ શકે છે. આ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યનું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર એલર્ટમાં આવી ગયું છે.

ગુલાબ વાવાઝોડુ શાહિનમાં આવતી કાલે પરિવર્તિત થશે. ત્યાર બાદ કચ્છના અખાતમાં થઈને પાકિસ્તાનની માકરન કોસ્ટ સુધી પહોંચશે ત્યાર બાદ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે.

ઓખા અને પોરબંદર સહિત ગુજરાતના કોસ્ટ ગાર્ડ સ્ટેશનોને એલર્ટ કરી દેવાયા છે. તે ઉપરાંત ગુજરાતના 17 જિલ્લામાં NDRF-SDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે, પોરબંદરના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer