ગુજરાતમાંથી મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત સમગ્ર મંત્રીમંડળના એકાએક રાજીનામાથી ભાજપમાં રાજકીય ગરમાવો શરૂ થયો હતો. જેમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવતાં પક્ષના સિનિયર ધારાસભ્યો અને મંત્રીઓમાં ભારે રોષ ઉભો થયો હતો.
તેમા પણ મંત્રીમંડળની રચનામાં વર્તમાન અને ભૂતકાળના તમામ મંત્રીઓને પડતા મૂકીને નવાસવા ધારાસભ્યોને મંત્રીપદ આપવા અંગેની યોજના શરૂ થતાં તેઓ માં ઓહાપો મચી ગયો હતો. જેનો પડઘો દિલ્હી હાઈકમાન્ડ સુધી પડતા મંત્રીઓની શપથવિધિ અચાનક અટકાવવી પડી હતી. શપથવિધિ અટકવા પાછળનું કારણ મંત્રીમંડળનું લીસ્ટ હોય શકે છે.
હાલમાં સિનિયર નેતાઓનું ” હું નહિ તો મારાને આપો” એક જ વાત કરી રહ્યા છે. પોતાના માણસોને મંત્રી મંડળમાં સામેલ કરવા દબાણ કરી રહ્યા છે.ગઈકાલે મધરાતથી નવા મંત્રીઓની રચાના અંગે પ્રમુખ સી.આર પાટીલના બંગલે મીટીંગનો દોર શરૂ થઈ ગયો હતો.
નારાજ જૂના મંત્રીઓ અને સિનિયર ધારાસભ્યો પણ પક્ષના ઉચ્ચે નેતાઓ અને છેક દિલ્હી સુધી ભલામણો કરી રહ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના બંગલે પણ સિનિયર મંત્રીઓએ મીટીંગ કરીને નારાજગીનું સૂર હાઈકમાન્ડ સુધી પહોંચાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધા બાદ ભારે હડકંપ મચી ગયો હતો. સિનિયર પાટીદાર ધારાસભ્યો અને મંત્રીઓને પડતા મુકીને પહેલી જ વારમાં ચૂંટાયેલા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી દેવાતા પક્ષપાત શરૂ થઈ ગયો હતો.
ખાસ કરીને નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, પ્રદિપસિંહ જાડેજા, કૈશિક પટેલ તેમજ ગણપત વસાવા જેવા સિનિયર મંત્રીઓને રાતોરાત કાઢી મૂકવાની અટકળો શરૂ થતા ભાજપમાં ફરીએકવાર આંતરિક મતભેદો સપાટી પર આવી જતા મંત્રીઓની શપથવિધિ મોકૂફ રાખવની ફરજ પડી હતી.