આજથી શબરીમાલા મંદિરમાં મંડલા પૂજા શરૂ થશે…

સબરીમાલા મંદિર લગભગ 800 વર્ષ જૂનું માનવામાં આવે છે. આ મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને વિવાદ ચાલી રહ્યો છે. અહીં ભગવાન અયપ્પાને નિત્ય બ્રહ્મચારી માનવામાં આવે છે. જેના કારણે આ મંદિરમાં 10 થી 50 વર્ષ સુધી મહિલાઓનો પ્રવેશ વર્જિત છે. ભગવાન અયપ્પાના દર્શન માટે 41 દિવસ પહેલાંથી તૈયારી કરવાની હોય છે. આ પ્રક્રિયાને મંડલ વ્રતમ કહેવામાં આવે છે. આ વખતે આ વ્રત 17 નવેમ્બર એટલે કે આજથી શરૂ થઇ રહ્યું છે.

સબરીમાલા મંદિરનો ઇતિહાસઃ-
સબરીમાલા મંદિર એટલે શ્રી અયપ્પા મંદિર કેરળની રાજધાની તિરૂવનંતપુરમથી 175 કિમીના અંતરે પત્તનમતિટ્ટા જિલ્લાના પેરિયાર ટાઇગર રિઝર્વક્ષેત્રમાં છે. આ પ્રાચીન મંદિર દુનિયાના મોટા તીર્થોમાંથી એક માનવામાં આવે છે. તેમના દર્શન માટે દર વર્ષે અહીં 4.5 થી 5 કરોડ લોકો આવે છે. આ મંદિરની વ્યવસ્થાની જવાબદારી રાજ્યમાં મંદિરોનું મૅનેજમેન્ટ કરતાં ત્રાવણકોર દેવસ્વમ બોર્ડના હાથમાં છે. 12મી સદીના આ મંદિરમાં ભગવાન અયપ્પાની પૂજા થાય છે. દક્ષિણ પૌરાણિક કથા પ્રમાણે ભગવાન અયપ્પાને ભગવાન શિવ અને મોહિની (ભગવાન વિષ્ણુનું રૂપ)ના પુત્ર માનવામાં આવે છે. જેમનું નામ હરિહરપુત્ર પણ છે. આ મંદિરમાં ભગવાનની સ્થાપના સ્વયં પરશુરામે કરી હતી. જેનું વિવરણ રામાયણમાં પણ મળે છે. આ મંદિરનું નિર્માણ કાર્ય ભગવાન વિશ્વકર્માના સાનિધ્યમાં પૂર્ણ થયું હતું. ત્યાર બાદ પરશુરામજીએ મકર સંક્રાંતિના દિવસે અહીં ભગવાનની સ્થાપના કરી હતી.

ધનુ મહિના દરમિયાન મંડલા પૂજા થાય છેઃ-
સબરીમાલા અયપ્પા મંદિરમાં ધનુ મહિના દરમિયાન જ્યારે સૂર્ય ધન રાશિમાં હોય છે. ત્યારે મંડલા પૂજા 11માં અથવા 12માં દિવસે કરવામાં આવે છે. મંડલા પૂજા ભગવાન અયપ્પાના ભક્તો દ્વારા કરવામાં આવેતી 41 દિવસની લાંબી તપસ્યાનો છેલ્લો દિવસ હોય છે. આ વ્રતની શરૂઆત મંડલા પૂજાથી 41 દિવસ પહેલાં એટલે મલયાલમ કેલેન્ડર પ્રમાણે જ્યારે સૂર્ય વૃશ્ચિક રાશિમાં હોય છે તેના પહેલાં દિવસથી જ કરવામાં આવે છે. સબરીમાલા અયપ્પા મંદિરમાં મંડલા પૂજા અને મકર વિલક્કૂ આ બે સૌથી પ્રસિદ્ધ કાર્યક્રમ છે. આ દરમિયાન મંદિરને વધારે દિવસો સુધી ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવે છે.

આ પૂજામાં ગણેશજીનું આવાહન કરવામાં આવે છેઃ-
મંડલા પૂજા દરમિયાન ભક્તો ભગવાન અયપ્પાને પ્રિય તુલસી અથવા રૂદ્રાક્ષની માળા પહેરે છે અને ચંદનનો લેપ લગાવે છે. 41 થી 56 દિવસો સુધી ચાલતી આ મહાપૂજા દરમિયાન ભક્ત મન અને તનની પવિત્રતાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. આ પૂજામાં ભગવાન ગણેશજીનું આવાહન અને ભજન-કીર્તન કરવામાં આવે છે. પૂજા દરમિયાન ભગવાન અયપ્પાના દર્શનનું પણ ખૂબ જ મહત્ત્વ છે. અનેક ભક્ત મંદિરમાં દર્શન માટે પણ જાય છે. થોડાં ભક્ત આ મહાપૂજા મકર સંક્રાંતિ સુધી પણ કરે છે.

મહાપૂજા અને મંદિરમાં દર્શન કરવાનું મહત્ત્વઃ-
અહીં આવતાં શ્રદ્ધાળુઓ તુલસી અથવા રૂદ્રાક્ષની માળા પહેરીને, ઉપવાસ રાખીને અને માથા ઉપર નૈવેદ્ય એટલે ભગવાનને ધરાવવામાં આવતાં પ્રસાદને લઇને દર્શન માટે જાય છે તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રદ્ધાળુઓ પ્રમાણે ભગવાન અયપ્પાના દર્શન કરવાથી વિચારેલાં કામ પૂર્ણ થાય છે અને દરેક પ્રકારના રોગ અને પરેશાનીઓ દૂર થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer