સૃષ્ટિના એવા કેટલાક નિયમો જેનું સૌએ પાલન કરવું જોઈએ, નહીં તો સૃષ્ટિ દંડ આપે છે. સ્વામી વિવેકાનંદનાં ગુરૂ રામકૃષ્ણ પરમહંસનાં જીવનના કેટલાક એવા પ્રસંગો છે જે સુખી અને સફળ જીવનનાં સૂત્રો દર્શાવે છે. જો આ સૂત્રોને જીવનમાં ઉતારવામાં આવે તો મનુષ્ય ઘણી બધી મુશ્કેલીઓમાંથી બચી શકે છે. અહીં પ્રસ્તુત છે એવો જ એક પ્રસંગ…
પ્રસંગ મુજબ એક દિવસ રામકૃષ્ણ પરમહંસ તેમના શિષ્યો સાથે બેઠા હતા. તેઓ ધર્મ અને અધ્યાત્મ સાથે જોડાયેલી વાતો કરી રહ્યા હતા. આ સમયે એક શિષ્યએ પૂછ્યું, આ સૃષ્ટિ આટલી મોટી છે. ખૂબ વિવિધતાઓ પણ છે છતાં સમગ્ર સૃષ્ટિ નિયંત્રણમાં ચાલી રહી છે. આવું કેવી રીતે શક્ય છે?પરમહંસજીએ શિષ્યને જવાબ આપતા કહ્યું, સૃષ્ટિની રચના પરમાત્માએ કરી છે અને સૃષ્ટિનું નિયંત્રણ પણ તેની પાસે જ છે. ઇશ્વરના નિયમોમાં જરા પણ ઢીલ નહીં ચાલે. તેનો કાયદો ખૂબ કઠિન છે. જે જેવુ કરશે તેને તેવું જ ફળ મળશે.
જંગલમાં અસંખ્ય પ્રાણીઓ છે, તમામને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડે છે અને બધાં સારીપેઠે કરી પણ રહ્યા છે. આ શક્તિ ભગવાને જ આપી છે. આકાશમાં પણ અસંખ્ય ગ્રહો-નક્ષત્રો છે જે પોતાની ધરી પર અને તેના નિયમો સાથે ટકેલા છે. એકપણ ગ્રહ તેના નિયમોની વિરૂદ્ધ નથી જતો. માનવ સમુદાયમાં અસંખ્ય લોકો છે જેમાં સૌના વિચારો અલગ અલગ છે છતાં એક-બીજા સાથે પ્રેમ અને મિત્રતાના ભાવથી સાથે રહે છે. જે લોકો પ્રકૃતિના નિયમોની વિરૂદ્ધ જાય છે તેમને પ્રકૃતિ અચૂક સજા કરે છે.
આ સમગ્ર સૃષ્ટિ પરમ પિતા પરમેશ્વરનો પરિવાર છે. સૌના પર ભગવાનનું નિયંત્રણ છે. અહીં સૌને પોતાના નિયમોનું કડકાઈથી પાલન કરવુ પડે છે. તેથી જ આપણે ખોટા કર્મોથી બચવું જોઈએ, નહીં તો પ્રકૃતિના નિયમો ખૂબજ કઠિન હોય છે.