ભગવાન શિવનાં ચરિત્રની કથા એટલે શ્રી શિવ મહાપુરાણની કથા, જાણો તેનું મહાત્મ્ય

સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન શિવનું કુટુંબ જ એક આદર્શ કુટુંબ છે. જે કુટુંબમાં નાના મોટા સૌ કોઇ પુજાયા છે. તેઓ તો પુજાયા એટલું જ નહિ તેમના વાહનો પણ પુજાયાં છે. બધાના સ્‍વભાવ જુદા જુદા હોવા છતાં ભેટા થઇ કેવી રીતે રહી શકાય તેનું માર્ગદર્શન શિવજીની આ કથા આપે છે. શિવ મહાપુરાણ સ્‍વયં ભગવાન શિવજીએ રચ્‍યું છે. તેનું સંક્ષિપ્‍ત સ્‍વરૂપ વેદ વ્‍યાસજીએ આપ્‍યું છે.

આ શિવ મહાપુરાણમાં સાત સંહિતા, ૨૯૭ અધ્‍યાય અને ૨૪૦૦૦ શ્લોક છે. શ્રી શિવ મહાપુરાણ જગતને દિશા બતાવે છે. જેનાથી માણસની દશા સુધરે છે. જ્યાં શિવકથાનું આયોજન થાય છે ત્‍યાં બધાં તીર્થોનો વાસ થાય છે. એક દિવાસળી સળગાવતાં જેમ અંધકારનો નાશ થાય છે, તેમ શિવ કથા ઘોર પાપોનો નાશ કરે છે. શિવ એટલે કલ્‍યાણ જેનું નામ લેવાથી સર્વનું કલ્‍યાણ થાય છે તેવા ભગવાન શિવની કથા એટલે જ શિવ મહાપુરાણ કથા.

મુક્તિ મેળવવાની ઇચ્છાવાળાઓએ, મોક્ષ મેળવવાની ઇચ્છાવાળાઓએ કે કૈલાસ પ્રાપ્તિની ઇચ્છા રાખનારે પોતાના જીવનકાળ દરમિયાન એક વખત પણ શિવમહાપુરાણ અવશ્ય વાંચવું, સાંભળવું કે જોવું જોઇએ. શિવમહાપુરાણ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યથી તે ભરપૂર છે. આ મહાપુરાણ બ્રહ્મતુલ્ય હોઇ સર્વશ્રેષ્ઠ ગતિ જીવને આપે છે. દરેક મનુષ્યે જીવનમાં એક વખત શિવ મહાપુરાણ વાંચવું જોઇએ. શક્ય ન હોય તો સાંભળવું જોઇએ. જે પુરુષ કે સ્ત્રી આ મહાપુરાણનું કથાનક સાંભળશે તે સ્ત્રી કે પુરુષ કર્મરૂપી મોટા જંગલને ક્ષણમાત્રમાં પાર કરી જાય છે.

શિવ મહાપુરાણ કાળરૂપી સર્પનો નાશ કરનારું છે. જે વાત ખુદ શિવજીએ પોતે કહી છે. કલિયુગમાં જન્મેલા મનુષ્યોના મનને પવિત્ર કરવા માટે શિવ મહાપુરાણથી ઉત્તમ બીજું કાંઇ નથી. જેના ગત જન્મના કોઇ પુણ્ય સંચયમાં હોય અને તે ઉદય પામતાં હોય તેને જ શિવ મહાપુરાણ જોવા, વાંચવા કે સાંભળવા મળે છે.

જેમ જીવનમાં માત્ર ત્રણ વખત શિવ શિવ શિવ બોલનારનો મોક્ષ થાય છે તેમ શિવ મહાપુરાણનો ગ્રંથ માત્ર આદરપૂર્વક જોવા માત્રથી પણ જીવન દરમિયાન કરેલા કેટલાંક ક્ષુલ્લક પાપ નષ્ટ થાય છે. શિવ મહાપુરાણ સાંભળવાથી મનુષ્ય પાપ રહિત થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer