ભગવાન શિવજી અને માતા સતીના લગ્નના થોડા સમય પછી માતા સતીના પિતા રાજા દક્ષે એક વિશાળ યજ્ઞ નું આયોજન કર્યું હતું અને આ યજ્ઞમાં જોડાવા માટે ઘણા દેવી દેવતાઓને આમંત્રિત પણ કરવામાં આવ્યા હતા. પરંતુ રાજા દક્ષ દ્વારા તેની પુત્રી અને શિવજી એટલે દેવોના દેવ મહાદેવને ને યજ્ઞમાં જોડાવા માટેનું આમંત્રણ મોકલવામાં આવ્યું ન હતું.
માતા સતી એક દિવસ શિવજી સાથે બેઠેલા હતા, તે સમય દરમિયાન દેવર્ષિ નારદ માતા સતીને મળવા માટે તેની પાસે આવ્યા અને વાત વાત માં તેમણે સતી માતાને જણાવ્યું કે તેના પિતા એક યજ્ઞનું આયોજન કરી રહયા છે. દેવર્ષિ નારદ ની વાત સાંભળી ને સતી માતા હેરાન થઇ ગયા એટલે કે આઘાત લાગ્યો અને તેઓ એ વિચારમાં પડી ગયા કે તેના પિતાએ તેને આ યજ્ઞમાં જોડાવા માટે શા માટે ન બોલાવ્યા.
ખુબ જ લાંબા સમય સુધી આ બાબત પર વિચાર કરી લીધા પછી સતી માતાને એમ લાગ્યું કે કદાચ તેના પિતા તેમને આમંત્રણ આપવા નું ભૂલી ગયા હશે. માતા સતી એ શિવજી ને યજ્ઞ વિશે વર્ણવતા કહ્યું કે “મારા પિતાએ હરિદ્વારમાં એક ભવ્ય યજ્ઞ નું આયોજન કર્યું છે
અને આ યજ્ઞમાં દરેક દેવી દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. મારા પિતા આપણને યજ્ઞમાં આમંત્રણ આપવાનું ભૂલી ગયા છે. એટલા માટે આપણે આ યજ્ઞમાં જવું જોઈએ. સતી માતા ની વાત સાંભળીને શિવાજીએ તેમને યજ્ઞમાં ન જવાની સલાહ આપી.
કારણ કે શિવજી જાણતા હતાં કે સતીના પિતા તેમને પસંદ નથી કરતા અને તે જ કારણે તેમણે સતીને અને તેને યજ્ઞ માં હાજરી આપવા માટે આમંત્રણ પણ આપ્યું નથી. પરંતુ સતી માતાએ શિવજીની એક વાત ન સાંભળી અને તે યજ્ઞમાં હાજરી આપવા માટે ચાલ્યા ગયા હતા.
યજ્ઞ માં પહોંચીને સતી માતા એમના પિતાને મળ્યા અને તેના પિતાને સવાલ પૂછતા તેમણે કહ્યું, “તમે આ યજ્ઞમાં હાજરી આપવા માટે દરેકને આમંત્રણ મોકલ્યું, પરંતુ તમે મને આમંત્રિત કરવાનું ભૂલી ગયા. સતીની આ વાતને સાંભળીને દક્ષે શિવજીનું અપમાન કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે તે આ યજ્ઞમાં શિવજીને જોડાવા માંગતા ન હતા એટલા માટે એને આમંત્રણ મોકલ્યું ન હતું.
પોતાના પતિનું અપમાન સાંભળીને સતી માતા ને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને તે યજ્ઞના હવન કુંડમાં કૂદીને એમણે તેમના પ્રાણનો ત્યાગ કર્યો. સતી માતાના મૃત્યુના સમાચાર જયારે શિવજી પાસે પહોંચ્યા તો તે ખૂબ જ ગુસ્સે થઇ ગયા અને શિવજી ના કહેવાથી વીરભદ્રએ દક્ષનું માથું કાપી નાખ્યુ.