પિતૃપક્ષ અટલે કે શ્રાધ્ધ પક્ષને લઇને લોકોના મનમા અલગ અલગ ધારણાઓ બનેલી હોય છે. કેટલાક લોકો આ સમયને અશુભ માને છે અને આ 15 દિવસ દરમિયાન કોઇ નવુ કામ કરવાનુ શરુ કરતા નથી કે કોઇ વસ્તુની ખરીદી પણ કરતા નથી. સામાન્ય રીતે આની પાછળ એવી માન્યતા છે કે આમ કરવાથી પિતૃઓ નારાજ થઇ જશે. આજ કારણે પિતૃપક્ષમાં ઘણા ઉદ્યોગ ધંધા મંદ પડી જાય છે. શાસ્ત્રોમાં આ વાતનો ક્યાંય ઉલ્લેખ નથી કે પિતૃપક્ષમાં ખરીદી કરવાથી અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે.
કેટલાક વિદ્વાનોનું માનવુ છે કે પિતૃપક્ષમાં આપણા પુર્વજો ધરતી પર આવે છે. આવા સંજોગોમાં આપણે તેમની સેવામાં અને શ્રાધ્ધ કર્મમાં મન લગાવવું જોઇએ. સેવા કરવાના બદલે આપણે જો નવી વસ્તુમાં ધ્યાન લગાવીએ તો આપણા પિતૃઓ નારાજ થઇ જાય છે. આજ કારણે પિતૃપક્ષમાં નવી વસ્તુઓની ખરીદી કરાતી નથી.
શ્રાધ્ધ પક્ષને પિતૃઓ માટેના સમર્પણ ભાવથી જોવામાં આવે છે. 15 દિવસની અવધિને પિતૃઓનુ ઋણ ચુકવવાની નજરથી જોવાય છે. શ્રાધ્ધ કરીને, તર્પણ કરીને, દાન પુણ્ય કરીને તેમનુ કર્જ ઉતારવાનો પ્રયત્ન કરાય છે. એવું માનવામાં આવે છે કે આપણે પહેલેથી જ પિતૃઓના ઋણમાં ડુબેલા હોઇએ છીએ. દેવામાં ડુબેલી વ્યક્તિ નવી વસ્તુ કેવી રીતે ખરીદી શકે?
કેટલાક વિદ્વાન એવા પણ છે જે પિતૃપક્ષમાં નવી વસ્તુની ખરીદીને અશુભ માનતા નથી. તેમનું માનવુ છે કે પિતૃપક્ષમાં આપણા પુર્વજો ધરતી પર આવીને આશીર્વાદ આપે છે. આવા સંજોગોમાં આપણને નવી વસ્તુઓ સાથે જોઇને દુખી કેવી રીતે થઇ શકે. શ્રાધ્ધ પક્ષની શરુઆત ગણેશ ચતુર્થી બાદ અને માતા દુર્ગાની પુજા પહેલા થાય છે. જો શ્રાધ્ધ પક્ષના આરંભ પહેલા આપણે ગણપતિની પુજા કરી ચુક્યા છીએ તો તે અશુભ કેવી રીતે ગણાય. શ્રાધ્ધ પક્ષ પુરા થાય અને નવરાત્રિ શરુ થાય છે. શ્રાધ્ધ પક્ષની પાછળ મા દુર્ગા ઉભી છે તો તેને અશુભ માનવાનું કોઇ કારણ જ નથી. શ્રાધ્ધ પક્ષમાં આપણા પુર્વજ સુક્ષ્મ રીતે આપણી આસપાસ રહે છે અને આપણને આશીર્વાદ આપે છે.