શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આપણા આ શરીરના કુલ ત્રણ પ્રકાર જણાવ્યા છે: સ્થૂલ શરીર- એટલે પંચમહાભૂતનું બનેલું આ ખોળિયું અર્થાત ભૌતિક- દેહ સ્વરૂપ શરીર. સૂક્ષ્મ શરીર- એટલે કે જે નરી આંખે દેખાતું નથી. જે અજન્મા છે, અમર છે તે જીવ, ચેતનતત્વ, પરમાત્માનો અંશ, મૂળ તત્ત્વ એટલે કે જેનાથી શરીરની તમામે તમામ ક્રિયાઓ શક્ય બને છે તે આત્મા. કારણ શરીર- એટલે કે મનુષ્ય મૃત્યુ પામે તે વખતે અધૂરી વાસનાઓ સાથે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને મૂળ આત્મા જે અતૃપ્ત છે અને કર્મફળ પામવા બીજા પુર્નજન્મનું કારણ બને છે તે.
હવે આ અતૃપ્ત આત્મા જ્યાં સુધી બીજો જન્મ ધારણ ન કરે ત્યાં સુધી અંતરિક્ષમાં વિચરણ કરે છે. જે ક્યારેક આ પૃથ્વી ઉપર કોઈનાં માતા, પિતા, પુત્ર, ભાઈ, બહેન, પતિ, પત્ની હતાં – તે અતૃપ્ત આત્માની તૃપ્તિ માટે પૃથ્વી ઉપર હયાત તેમનાં સગાંવહાલાં કે જેમની સાથે પ્રત્યક્ષ રીતે લોહીની સગાઈ છે તેઓ જે શાસ્ત્રોક્ત વિધિ કરે તેને શ્રાદ્ધ કહેવાય છે.
આપણા ઋષિમુનિઓએ દરેક મૃતાત્મા માટે તિથિવાર વિધિનું જે આયોજન કર્યું છે તેને શ્રાદ્ધ પક્ષ કહેવાય છે જે ભાદરવા સુદ પૂનમથી અમાસ સુધી ચાલે છે. શ્રાદ્ધ વિશે એક સુંદર વ્યાખ્યા છે :-અતૃપ્ત પિતૃઓની તૃપ્તિ માટે મન, વચન, કર્મથી દિલથી શુદ્ધ ભાવનાથી દૃઢસંકલ્પ કરી વિધિવિધાન મુજબ આ બાબતના જાણકાર પાસે શાસ્ત્રોક્ત પદ્ધતિથી જે તર્પણ ક્રિયા કરવામાં આવે છે તેને શ્રાદ્ધ ક્રિયા કહેવામાં આવે છે.
બ્રહ્મદેવના પુત્ર અત્રિ ઋષિએ સૌ પ્રથમ શ્રાદ્ધની શરૂઆત કરી હતી. આપણા માણસોના સમાજમાં મનુ ભગવાને શ્રાદ્ધ શરૂ કરેલ હોઈ ‘મનુ’ને શ્રાદ્ધદેવ પણ કહેવાય છે.ભવિષ્ય પુરાણમાં શ્રાદ્ધના ૧૨(બાર) પ્રકારનું વિગતે વર્ણન છે, જેમાં નિત્ય, નૈમિત્યિક, કામ્ય, સપિંડનમ્, વૃદ્ધિ, પાર્વણ, ગોષ્ઠિ, દૈવિક, શુદ્ધર્થ, કર્માગ, યાત્રાર્થ, પુષ્ટિયર્થનો સમાવેશ થાય છે.
તિથિવાર કરાતા શ્રાદ્ધ મુખ્યત્વે આ મુજબ છે : પાંચમના શ્રાદ્ધને ભરિણી, છઠ્ઠના શ્રાદ્ધને કૃતિકા, નોમના શ્રાદ્ધને અવિધવા, તેરસના શ્રાદ્ધને મઘા, બારસનું શ્રાદ્ધ સંન્યાસીઓ માટે હોય છે, ચૌદશના રોજ અકસ્માત, અસ્ત્રશસ્ત્રથી મૃત્યુ થયું હોય તેમના માટે હોય છે, જેમના મૃત્યુની તિથિ યાદ ના હોય તેમનું શ્રાદ્ધ અમાસના રોજ કરવામાં આવે છે જેને સર્વપિત્રી શ્રાદ્ધ કહે છે. આ તમામ પિતૃઓના અધિષ્ઠાતા દેવતા વસુ, રૂદ્ર, અને આદિત્ય છે.
આપણે ત્યાં ખાસ કરીને શ્રાદ્ધવિધિ માટે સિદ્ધપુર, બિંદુ-સરોવર, નારાયણ સરોવર, ચાણોદ કરનાળી, કાશી, ગયા- બિહાર, હરિદ્વાર, મથુરા, ત્રિવેણી સંગમ, વિશ્રામઘાટ અને પવિત્ર નદીઓનાં વિવિધ સ્થળો ખૂબ જાણીતાં છે. આ વિધિ પોતાના ઘરે પણ કરી શકાય છે, મૂળ વાત ભાવ, શ્રદ્ધા અને દિલની સાચી લાગણીનો હોય છે.
સાંખ્યશાસ્ત્રના પ્રણેતા કપિલમુનિએ પોતાની માતાનું શ્રાદ્ધ સિદ્ધપુરમાં કર્યું હતું. દશરથ રાજા મૃત્યુ પામ્યાની જાણ થતાં શ્રી. રામ ચંદ્રજીએ વનવાસ હોઈ શ્રાદ્ધ વનમાં કર્યું હતું. સગર રાજાના પુત્રોનું તર્પણ ભગીરથે તપ કરી ગંગા નદીનું અવતરણ કરાવી કર્યું હતું. પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે આ રીતે શ્રાદ્ધ કર્યાનો અનેક ઉદાહરણો પુરાણોમાં છે. આપણે ત્યાં ભોજન તૈયાર થયા પછી ભગવાનને થાળ ધરાવવામાં આવે છે- પ્રભુ ભલે તેમાંથી એક કણ-કોળિયો ન લે તેમ છતાં આપણો જે શ્રદ્ધાભાવ છે એ મહત્વનું છે.