ભગવાન શ્રીરામને ‘મર્યાદા પુરુષોત્તમ’ કહેવાય છે. એવામાં આપણે આપણાં જીવનને સફળ બનાવવા માટે ભગવાન શ્રીરામના જીવનમાંથી પ્રેરણા લેવી જોઇએ. તેઓ જે રીતે સમય અને સ્થિતિ જોઇને આગળની વ્યૂહરચના બનાવતા હતા. તેમની પાસેથી આ મેનેજમેન્ટનાં ગુણ શીખવા જેવા છે.
ભગવાન શ્રીરામને દૈવી શક્તિ મળેલી હતી, તેથી જો તેમણે ઈચ્છ્યું હોત તો એક જ ઈશારામાં તમામ વસ્તુઓ મેળવી શક્યા હોત. પોતાની ભગવાન તરીકેની શક્તિઓનો ઉપયોગ કરીને તેઓ પોતાનાં જીવનનાં તમામ કષ્ટ અને અન્યાય ચપટી વગાડતાંમાં દૂર કરી શક્યા હોત. પરંતુ તેમણે આવું ન કર્યું. તેમણે દરેક કામ એક સામાન્ય માણસની જેમ કર્યું, જેથી લોકો તેમની પાસેથી પ્રેરણા મેળવી શકે. ભગવાન શ્રીરામે સ્વયં એ માર્ગ પર ચાલીને બતાવ્યું જેને લોકો આદર્શ માનતા હતા. તેમણે જે પ્રકારે કામ કર્યું તેનું લોકો આજે પણ ઉદાહરણ આપે છે.
તમિલનાડુના તટથી લઈને લંકા સુધી પુલનું નિર્માણ કરવું તે સમયે માણસોના ગજા બહારની વાત હતી. હજારો, લાખોની સંખ્યામાં પણ લોકો પુલ બનાવવા બેસત તો પણ વર્ષો લાગી જાત. પરંતુ ભગવાન શ્રીરામે તેમની વાનર સેનાને એવી રીતે પ્રોત્સાહન આપ્યું કે તેણે ખૂબ ટૂંકા સમયમાં આ પુલનું નિર્માણ કરી નાખ્યું.
ભગવાન શ્રીરામ રાજ પરિવારમાંથી હતા. તેઓ કેવટ અને શબરીને ગળે મળ્યા વગર પણ પોતાનો વનવાસ પૂરો કરી શક્યા હોત. પરંતુ તેઓ સામાજિક સમાનતા માટે શબરી અને કેવટને મળ્યા. આવું કરવાથી તેમની સાથે રહેતા લોકોમાં સમાનતાનો વિશ્વાસ જન્મ્યો.
ભગવાન શ્રીરામને 14 વર્ષનો વનવાસ મળ્યો હતો, જેમાં 12 વર્ષ તેમણે ચિત્રકૂટમાં ગાળ્યા હતા. જ્યારે તેમને એવું લાગ્યું કે જંગલના તમામ લોકો તેમને ઓળખવા લાગ્યા છે, તેનાથી તેમને પોતાનો હેતુ પાર પાડવામાં ખલેલ પડી શકે છે ત્યારે તેઓ જંગલમાંથી નીકળી ગયા. શ્રીરામને સ્વ-પ્રચાર પસંદ ન હતો. તેઓ શાંતિથી કામ કરવાનું પસંદ કરતા હતા અને પોતાના વિશે કોઈને વધુ જણાવવા માગતા નહોતા. સ્વ-પ્રશસ્તિના અત્યારના યુગમાં શ્રીરામના પાત્રમાંથી એ વસ્તુ શીખવા જેવી છે કે પ્રચાર કર્યા વગર શાંતિપૂર્વક આપણે આપણાં લક્ષ્ય તરફ આગળ વધવું જોઈએ.