રાજકોટમાં આજે માતા-પિતા માટે ધ્યાનમાં લેવા જેવો ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે, જેમાં એક યુવતીએ સનરૂફ ખોલીને માથું બહાર કાઢી હવા માણવાનો પ્રયત્ન કર્યો હતો. એ સમયગાળા દરમિયાન તેનું માથું નાળાના ગડર સાથે અથડાતાં એના માથા પર ગંભીર ઈજાઓ થઈ હતી.
બરાબર એ જ સમયે રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે આ ઘટના જોઈ હતી અને પોતાની કાર ઊભી રાખી યુવતીને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડી હતી. આ અંગે યુવતીના પિતા કલ્પેશ પાબારીએ ગઈકાલે રાત્રે મારી દીકરીએ સનરૂફની બહાર મોઢું કાઢતાં નાળાના ગડર સાથે તેનું માથું ભટકાય ગયું હતું.
મેયર પ્રદીપ ડવનું ધ્યાન પડતાં તેઓ મારી દીકરીને સારવાર અર્થે ખસેડી ગયા હતા. અમે મેયરના આભારી છીએ કે તેમણે અમારી સંકટ સમયે મદદ કરી. હું સર્વે માતા-પિતાને વિનંતી હું કરું છું કે ગાડી ચલાવતાં પહેલાં ધ્યાન રાખે, જેથી આવો બનાવ અન્ય કોઈ પણ બાળક સાથે ન બને.
આ અંગે મેયર ડો.પ્રદીપ ડવએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રિના 10:30 વાગ્યે જ્યારે હું મારા ઘર તરફ જઈ રહ્યો હતો એ સમય દરમિયાન ઈન્દ્રપ્રસ્થના નાળા પાસે મારી બાજુમાંથી સફેદ કલરની કાર પસાર થઇ, જેમાં સનરૂફ ખોલી બે યુવતીઓ ઊભી હતી.
કદાચ એવું હશે કે ગાડીમાં બેસેલી આ બંને દીકરીના પપ્પાને ખ્યાલ નહીં હોય કે તેમની પુત્રીઓએ ઉપરનું સનરૂફ ખોલ્યું છે. જયારે ગાડી ત્યાંથી નાળા પાસેથી પસાર થઈ અને ત્યાં આવેલા લોખંડના ગડર સાથે મોટી દીકરીનું માથું અથડાયું હતું અને તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી.
આમાં યુવતીઓને મે મારી ગાડી માં બેસાડીને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડી અને હું બીજી બાઇકમાં સીધો તેમની પાછળ ચાલ્યો ગયો. યુવતીના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું.અને તેને માથામાં 7 ટાકા આવ્યા છે પણ સદનસીબે તાત્કાલિક સારવાર મળતાં ગંભીર ઇજા થઇ ન હતી.