ભારતની અંદર અનેક વિવિધ ધર્મોના વ્રતો, ઉત્સવો, તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને આજ સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિનો આધ્યાત્મિક વારસો છે. જીવનની સાંસારિક વિટંબણાઓ થી મુક્ત થઈને થતી ઉમંગની અભિવ્યક્તિ એટલે આપણી ઉત્સવ લીલાઓ. આ ઉત્સવોમાં જો ભગવદ્ દર્શન ભળે તો એ ઉત્સવ માત્ર ઉજવણી નહીં પણ જીવનનો એક અણમોલ અવસર બની જાય છે.
માનવ મન સદા રંગોની આસપાસ રમતું રહે છે. રંગોથી એકબીજાને રંગવાનો તહેવાર એટલે ફૂલદોલોત્સવ. આ ફૂલદોલોત્સવના દિવસે ભગવાન ફૂલના હિંડોળામાં બિરાજમાન પણ કરવામાં આવે છે. ભગવાન ઉપર ગુલાલ અને કેશુડાના રંગ છાંટવાનો દિવસ એટલે ફૂલદોલોત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સમયથી અનેક ઉત્સવો ઉજવાય છે.
જેની અંદર જન્માષ્ટમી ઉત્સવ, હરિનવમી ઉત્સવ, શરદ ઉત્સવ, અન્નકૂટ ઉત્સવ, હીંડોળા ઉત્સવ, શાકોત્સવ, રંગોત્સવ એટલે કે ફૂલદોલોત્સવ શ્રી સ્વામિનારાયણ ભગવાન આ ફૂલદોલોસ્તવ દર વર્ષે જુદા જુદા સ્થળે ઉજવતા હતા. આ ઉત્સવ તેમણે ધોરાજી, ગઢપુર, લોયા, બોટાદ, સારંગપુર, વડતાળ, પંચાળા, ભૂજ વગેરે અનેક સ્થળોએ ઉજવેલો છે તેનું વર્ણન આપણા શાસ્ત્રોમાં જોવા મળે છે. આજે આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાને આજથી ૧૯૬ વર્ષ પૂર્વે જે પંચાળમાં ફૂલદોલોત્સવ ઉજવ્યો હતો તેની સ્મૃતિ કરીએ.
સંવત ૧૮૭૯માં ફૂલદોલોત્સવની ઉજવણી કરવા માટે શ્રી સ્વામિનારાયણ ભગવાન સંતો- ભક્તોની સાથે પંચાળા પધાર્યા. ગામની બહાર પશ્ચિમ દિશામાં ઊંચા ટેકરા ઉપર વડના વૃક્ષની ઉત્તર તરફ ઘાસની પર્ણકુટિઓ સંતો માટે બાંધવામાં આવી હતી. શ્રી હરિ પધાર્યા એટલે તરત જ રંગોત્સવની તૈયારી શરૂ કરાવી દીધી. માંગરોળથી અબીલ, ગુલાલ, કંકુ, કેસુડો વગેરે ગાડા ભરી ભરીને મંગાવ્યા અનેક પિચકારીઓ તૈયાર કરાવવામાં આવી. પાણીના હોજ પણ બનાવવામાં આવ્યા. સમયના વહનની સાથે સાથે પૂનમ પણ આવી ગઈ. પૂનમના દિવસે સત્સંગ સભા યોજાઈ. માનવ મહેરામણ આ રંગોત્સવમાં લાભ લેવા માટે આવી ગયો હતો.
આજે તો બસ, બધા સંતો હરિભક્તોને દિલમાં એક જ તમન્ના હતી કે, કેમ કરીને આપણે જીતી જઈએ અને મહાપ્રભુની પ્રસન્નતા મેળવીએ. વચ્ચે વચ્ચે શ્રી હરિ સંતો ભક્તો ઉપર ગુલાલ પણ નાંખતા અને કેશુડા ભરી ભરીને રંગ પણ છાંટતા. બીજા ગવૈયા સંતો સરસ કીર્તનો ગાતાં, તો કોઈ સંતો ઢોલ ઉપર ધ્રિબાંગ ધ્રિબાંગના નાદથી વાતાવરણને ગૂંજવી રહ્યા હતા. આજે પંચાળાની ધીંગી ધરા ઉપર સૌ દિવ્યાનંદમાં ગરકાવ થઈ ગયા હતા. સમયનું ભાન બધાને વિસરી ગયા હતા.કારણ કે આજે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના હાથે રંગાવાનો અમૂલ્ય લાભ મળતો હતો.
આમ કરતા કરતા ઘણો સમય વ્યતીત થઈ ગયો એટલે તરત જ શ્રી હરિએ જય બોલાવી અને રંગોત્સવને પૂર્ણ જાહેર કર્યો. ત્યાર પછી બધા સાંબલી નદીમાં સ્નાન કરવા માટે ગયા. આમ, શ્રી સ્વામિનારાયણ ભગવાને બધા સંતો- ભક્તોને રંગોત્સવ, ફૂલદોલોત્સવનો પ્રસંગ ઉજવીને મહાસુખમાં ગરકાવ કરી દીધા. શ્રી સ્વામિનારાયણ ભગવાને આ પાંચાળામાં ફૂલદોલોત્સવ ઉજવ્યો તેને તો આજે ૧૯૬ વર્ષ થઈ ગયા. ભગવાન આજે પ્રતિમારૂપે સાક્ષાત દર્શનદાન દઈ રહ્યા હતા. તો આપણે આજે આવી ભગવાનની લીલાની યાદ તાજી કરીએ અને મંદિરમાં જઈને શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીએ. આજે સંતો દ્વારા તેમને કેશુડાનું પાણી અને ગુલાલથી રંગવામાં આવશે, અને તે પ્રસાદીભૂત રંગોથી સંતો- હરિભક્તોને પણ રંગશે, તો આપણે એવો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરવા પહોંચી જઈએ અને શ્રીજીનો રાજીપો પ્રાપ્ત કરીએ.