ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે બનાવડાવેલાં છ ઐતિહાસિક મંદિરોમાંનું એક. અહીં ભગવાન નરનારાયણ દેવની પ્રતિમાને સ્વયં ભગવાન સ્વામિનારાયણે પધરાવી હતી. કચ્છના પ્રખર હરિ ભક્તો ગંગારામભાઈ, સુંદરજીભાઈ તથા અન્ય લોકો 1820ની સાલમાં ગઢડાધામ ગયા હતા, જ્યાં ભગવાન સ્વામિનારાયણ સુપ્રસિદ્ધ ફૂલદોલોત્સવ કરી રહ્યા હતા.
આ ઉત્સવ દરમિયાન ભુજના હરિભક્તો ભગવાન સ્વામિનારાયણને મળ્યા હતા અને તેમને ભુજમાં પણ મંદિરની સ્થાપના કરવા વિનંતી કરી હતી. મહારાજશ્રી તેમની વિનંતીથી રાજી થયા અને તેમણે વૈષ્ણવાનંદ સ્વામીને સંતો સાથે ભુજ પધારી મંદિર બાંધવા આદેશ કર્યો.
વૈષ્ણવાનંદ સ્વામી તથા અન્ય સંતો ઈ.સ. 1822માં ભુજ પહોંચ્યા અને મૂળ મંદિરની ડિઝાઈન બનાવી અને એક જ વર્ષમાં મંદિર બનાવ્યું અને 15 મે, 1823ના રોજ (વૈશાખ સુદ 5, વિક્રમ સંવત 1879) ભગવાન સ્વામિનારાયણે આ મંદિરમાં પોતાના હસ્તે નરનારાયણ દેવની મૂર્તિઓની પ્રાણ-પ્રતિષ્ઠા કરાવી પધરાવી હતી. ત્યારબાદ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે 6 માર્ચ, 1867ના રોજ (ફાગણ સુદ 2, વિક્રમ સંવત 1923) મંદિરમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી હતી.
આ ઉપરાંત મંદિરમાં રાધા-કૃષ્ણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, ગણપતિ બાપા અને હનુમાનજીની પણ મૂર્તિઓ પધરાવેલી છે. જોકે, 2001ના ભૂકંપમાં મંદિરની ઉત્તર બાજુનો ભાગ કે જેને ભગવાન સ્વામિનારાયણે બનાવડાવ્યો હતો તે નષ્ટ થઈ જતાં આચાર્ય મહારાજશ્રી, સંતો તથા વિશ્વભરના શ્રદ્ધાળુઓની સંમતિથી તમામ મૂર્તિઓને હમીરસર તળાવના કાંઠે બનાવાયેલા નવા ભવ્ય મંદિરમાં પધરાવવાનો નિર્ણય લેવાયો હતો, જેનું નિર્માણકાર્ય 2010ની સાલમાં પૂર્ણ થયું હતું. ભગવાન સ્વામિનારાયણ મંદિર, હરિકૃષ્ણ મંદિર.
મંદિર ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિ ભુવનમાં કુલ 4 એસી ફેમિલી રૂમ, 24 ડબલબેડ રૂમ, 18 3 બેડના રૂમ, 1 મહિલા ડોર્મેટરી, 1 પુરુષ ડોર્મેટરીની રહેવાની સુવિધા છે. તદુપરાંત દર્શને આવતા ભક્તો માટે અહીં રહેવા માટે આસપાસનાં ગેસ્ટહાઉસો તથા ધર્મશાળાઓ અને હોટલોમાં સુવિધા ઉપલબ્ધ છે.
સડકમાર્ગે અહી આ રીતે પહોચી શકાય છે : પોતાનું વાહન લઈને અમદાવાદથી વાયા હળવદ-ભચાઉ, રાજકોટ-મોરબીથી વાયા સૂરજબારી પુલ, રાધનપુરથી વાયા સાંતલપુર, ભચાઉ થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
આ
મંદિરમાં આરતીનો સમયઃ સવારે 5.45 મંગળા, સવારે 7.39 શ્રૃંગાર, સવારે 11.30 રાજભોગ, બપોરે 4.15 ઉથાપન, સાંજે 7.30 સંધ્યા, રાત્રે 9.00 શયન દર્શનનો સમયઃ સવારે 5.45થી બપોરે 12.00, સાંજે 4.10થી 9.30
શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજની નજીકનાં મંદિરો :
શ્રી
આશાપૂરા માતાજી, માતાનો મઢ
(95 કિમી)
શ્રી 72 જિનાલય, માંડવી (50 કિમી)
શ્રી
નારાયણ સરોવર, તા. લખપત
(158 કિમી)
શ્રી
કોટેશ્વર મહાદેવ, તા. લખપત
(165 કિમી)