આ છે વડતાલનું સ્વામિનારાયણ મંદિર, જાણો તેના વિશે

વડતાલ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર એ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું વડુંમથક છે. અહીં ખુદ ભગવાન સ્વામિનારાયણે પધરાવેલી શ્રી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ સ્થાપિત છે. કમળ આકારમાં નિર્મિત આ મંદિર શિલ્પસ્થાપત્યની બેનમૂન ઈમારત છે અને નવ ઘુમ્મટ મંદિરને અનેરી આભા આપે છે. અહીં લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રણછોડરાયજી, શ્રી હરિકૃષ્ણ મહારાજનું મંદિર છે. 

ઐતિહાસિક માહાત્મ્ય: મહારાજશ્રી જ્યારે ગઢડામાં હતા તે સમયે વડતાલના હરિભક્તો જોબન પગી, કુબેરભાઈ પટેલ અને રણછોડભાઈ પટેલ તેમને મળવા ગયા હતા અને વડતાલ ખાતે ભવ્ય મંદિર બાંધવા વિનંતી કરી હતી.

હરિભક્તોની આજીજીથી રાજી થઈને શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે બ્રહ્માનંદ સ્વામી તથા અક્ષરાનંદ સ્વામીને વડતાલ મંદિરની રૂપ રેખા ઘડવા કહ્યું હતું. ખુદ સ્વામિનારાયણ ભગવાને ઈંટો ઉપાડીને વડતાલ મંદિરના નિર્માણમાં શ્રમદાન કર્યું હતું.

આખરે વિક્રમ સંવત 1881માં મંદિર તૈયાર થઈ ગયા બાદ ખુદ મહારાજશ્રીના હસ્તે મંદિરમાં પરમકૃપાળુ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રણછોડરાય દેવ અને શ્રી હરિકૃષ્ણ મહારાજ (મહારાજશ્રી પોતે)ની મૂર્તિઓ તેમાં પ્રાણ પ્રતિષ્ઠા સાથે પધરાવાઈ હતી.

આ પ્રાણપ્રતિષ્ઠા સંવત 1881ની કારતક સુદ 12ના રોજ (ગુરુવાર, 3 નવેમ્બર, ઈસ 1823) કરવામાં આવી હતી. તદુપરાંત એક વર્ષ બાદ એટલે કે 3 નવેમ્બર, ઈ.સ. 1824ના રોજ ભગવાન સ્વામિનારાયણે વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિરમાં શ્રી વાસુદેવ, શ્રી ધર્મપિતા અને ભક્તિમાતાની મૂર્તિઓ પણ પધરાવી હતી.

મહારાજશ્રીના આદેશ અનુસાર શ્રી બ્રહ્માનંદ સ્વામીના માર્ગદર્શન હેઠળ આ સંપૂર્ણ નિર્માણકાર્ય થયું હતું. મહારાજશ્રીની કૃપાથી આ ભવ્ય મંદિર નિર્માણનું ભગીરથકાર્ય ફક્ત પંદર મહિનામાં પૂર્ણ કરાયું હતું. આ મંદિરની દીવાલો પર રામાયણના પ્રસંગોને કંડારતી રંગબેરંગી આકૃતિઓ દર્શાવાઈ છે.

શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રણછોડરાયજી, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી વાસુદેવજી, શ્રી ધર્મપિતા, શ્રી ભક્તિમાતાજી મંદિર. દર મહિનાની પૂનમ તથા અગિયારસે વડતાલધામ ખાતે મહારાજશ્રીના દર્શનનો અનેરો મહિમા છે. દૂર-દૂરથી પૂનમ ભરવા હજારો ભક્તો આવતા હોય છે. તેમાં પણ કાર્તિકી પૂર્ણિમાનું ખાસ મહત્ત્વ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પૂનમ નિમિત્તે હરિભક્તો માટે દર્શન-ભોજનની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવે છે. 

કેવી રીતે પહોંચવું : પોતાનું વાહન લઈને અમદાવાદથી વાયા નડિયાદ, નરસંડા થઈને તેમજ વડોદરાથી વાયા વાસદ ચોકડી, બોરિયાવી, નરસંડા થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.

રહેવાની સુવિધાઃ મંદિર ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિ ગૃહમાં કુલ 900 રૂમની ઉતારાની વ્યવસ્થા છે. આમાં 500 એસી રૂમ, 400 નોન એસી (સામાન્ય તથા ડીલક્ષ) રૂમનો સમાવેશ થાય છે. આમાં એસી રૂમ માટે દૈનિક રૂ. 500, ડીલક્ષ રૂમ માટે દૈનિક રૂ. 300 અને સામાન્ય રૂમ માટે દૈનિક રૂ. 100નો ચાર્જ લેવાય છે. તદુપરાંત દર્શને આવતા ભક્તો માટે અહીં રહેવા માટે આસપાસના ગેસ્ટહાઉસો તથા ધર્મશાળાઓ અને હોટેલોમાં સુવિધા ઉપલબ્ધ છે. આવતા વર્ષ સુધીમાં 1100 રૂમનું આયોજન છે. આ ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા વડતાલ બસ સ્ટેન્ડ પાસે જ એક અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલનું સંચાલન કરાય છે જ્યાં કોઈ કેશ કાઉન્ટર જ નથી. એટલે અહીં તમામ પ્રકારની ઈનડોર અને આઉટડોર તબીબી સેવા તદ્દન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. એટલું જ નહીં, દર્દી સાથે તેના કોઈ સગાં રોકાય તો તેમના રહેવા તથા જમવાની પણ વિનામૂલ્યે સગવડ કરી આપવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer