સમાજનું કલ્યાણ થાય, સુખ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સેંકડો ઋષિઓએ લોહીનું પાણી કરી પોતાનું સમસ્ત જીવન ખર્ચી નાંખ્યું. સમાજનું માંગલ્ય થાય તે માટે તેમણે તેજસ્વી વિચાર પરંપરા નિર્માણ કરી. આવા માંગલિક જીવનનો ભાવ વ્યક્ત કરવા તેમણે પ્રતીક આપ્યું અને તે પ્રતીક એટલે સ્વસ્તિક. તેથી આપણે ત્યાં એકેય એવો માંગલિક પ્રસંગ, પછી તે લગ્નપ્રસંગ હોય શારદાપૂજન કે લક્ષ્મીપૂજન હોય, નવજાત શિશુનો છઠ્ઠીનો દિવસ હોય કે પછી ઘરના ઉંબરાનું પૂજન હોય. બધે જ કુમકુમના સ્વસ્તિક દોરવા પાછળ આ જ ભાવ છે.
સ્વસ્તિકમાં મૂળ ધાતુ સુ+અસ્ છે સુ એટલે સારું, માંગલિક, કલ્યાણકારી અને અસ એટલે હોય. અસ્તિત્વ, સત્તા વગેરે. સ્વસ્તિક એટલે કલ્યાણની સત્તા. કલ્યાણનું સામ્રાજ્ય. કલ્યાણની સ્થાપનાની મંગલમય ભાવનાનું પ્રતીક.
સ્વસ્તિ ઉપરથી સ્વસ્તિક થયું. તે માટે વેદમાં ભદ્રસૂક્તનો અતિ પ્રચલિત મંત્ર બોલાય છે.
સ્વસ્તિ નઃ ઈન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ ।
સ્વસ્તિ નસ્તાક્ષર્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિદધાતુઃ ।। (યજુ. ૨૫/૧૯)
‘અપાર ર્કીિતવાળા ઈન્દ્ર ભગવાન અમારું કલ્યાણ કરો. સર્વવ્યાપક છો એવા પોષણ કરનારા ભગવાન અમારું કલ્યાણ કરો. વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ અમારી રક્ષા કરો. ગુરુ બૃહસ્પતિ અમારું રક્ષણ કરો.’
ચાર ચરણમાંનો આ મંત્ર ચારે દેવો પાસેથી કલ્યાણ અને રક્ષણની માંગણી કરતી પ્રાર્થનાનો મંત્ર છે.
આ મંત્રમાં જીવની જીવનયાત્રાનું દર્શન છે. અને એ કલ્યાણકારી બને એ ભાવના છે.
પહેલું ચરણ જેની પરમ ખ્યાતિ છે તે ઈન્દ્ર. ઈન્દ્રે વૃત્રાસુર, વિશ્વરૂપ તથા તેમના પિતા ત્વષ્ટા એમ ત્રણેય દાનવોને મારી વિજય મેળવ્યો હતો તેથી તેની પરમ ખ્યાતિ છે એવા ઈન્દ્ર અમારું કલ્યાણ કરો. એવી ભાવના એમાં વ્યક્ત થાય છે. એનો બીજો અર્થ આ રીતનો પણ થાય છે.
ઈન્દ્ર, ઈન્દ્રિયોનો દેવતા છે. તે વૃદ્ધિને પામનારી અમારી શ્રવણેન્દ્રિયનું રક્ષણ કરે, તેનું કલ્યાણ કરે.
જ્ઞાનપ્રાપ્તિની શરૂઆત તો શ્રવણેન્દ્રિય-કાનથી થાય છેને? તેથી શુભ શ્રવણ-કલ્યાણકારી શ્રવણ કાને પડે અને કલ્યાણ થાય એ ભાવના છે. બીજા ચરણમાં-પૂષા એટલે પોષણ કરનાર-ભગવાન સૂર્ય નારાયણ છે. તેને પ્રાર્થના છે કે તેના તેજોમય સ્વરૂપથી અમારું અજ્ઞાન દૂર કરી અમારું કલ્યાણ કરો.
ત્રીજા ચરણમાં અબાધિત ગતિવાળા ગરુડજી, ભગવાન. વિષ્ણુના વાહક કલ્યાણ કરે. અમારી પાસે સમજણ છે, જ્ઞાન છે પણ તે ગતિશૂન્ય છે. આચરણમાં નથી તો તેને ગતિ આપી કલ્યાણ કરવાની માંગણી છે. અને ચોથા ચરણમાં બૃહસ્પતિને પ્રાર્થના છે. બૃહસ્પતિ એ ગુરુ છે. પહેલા ત્રણ ચરણને અનુસર્યા પછી એટલે કે જ્ઞાનનું શ્રવણ, બીજા ચરણમાં જ્ઞાનપ્રાપ્ત થયું. ત્રીજામાં તેને ગતિ મળી તો ચોથું અંતિમ ચરણ એ જ્ઞાનાવસ્થા પ્રાપ્ત થાય એ ભાવનાથી જ્ઞાનના ગુરુ બૃહસ્પતિને કલ્યાણ કરવાની પ્રાર્થના છે. એટલે કે ચાર ચરણમાં સમગ્ર વિશ્વના ચાર પ્રકારની જીવસૃષ્ટિના કલ્યાણ માટેની પ્રાર્થના છે.