ગણેશજીના બે પ્રકાર છે તાંત્રિક અને વૈદિક. તાંત્રિક ગણેશ મોટાભાગે મંદિરોમાં રાખવામાં આવે છે. જ્યારે વૈદિક ગણેશને ઘરમાં રાખવામાં આવે છે. ગણેશજી વેદોના નહીં પણ પુરાણોના દેવતા છે. ગણેશના બે સ્વરુપ સૌમ્ય અને રૌદ્રનો પરિચય મેળવવા જેવો છે. સૌમ્ય ગણેશ વેદિક અને રૌદ્ર ગણેશ તાંત્રિક કહેવાય છે. વેદિક ગણેશ મોટે ભાગે સોનેરી હોય છે જ્યારે તાંત્રિક ગણેશ લાલ, ભુરા અથવા કાળા હોય છે. વેદિક ગણેશનો એક દાંત તુટેલો હોય છે, તાંત્રિક ગણેશમાં એવું નથી. વેદિક ગણેશની સૂંઢ હૃદય તરફ જતી બતાવે છે, તાંત્રિક ગણેશમાં સૂંઢ હૃદયથી દુર જતી દર્શાવવામાં આવે છે.
વેદિક ગણેશ મોટેભાગે એક માથા વાળા છે, તાંત્રિક ગણેશ ઘણી વખત અનેક માથાવાળા જોવા મળે છે. વેદિક ગણેશ ભક્તોને સુખનો અનુભવ કરાવે છે, તાંત્રિક ગણેશ આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે. વેદિક ગણેશ મોટેભાગે ઘરમાં રાખવામાં આવે છે, જ્યારે તાંત્રિક ગણેશ મોટેભાગે મંદિરમાં રાખવામાં આવે છે. વેદિક ગણેશ ભારતમાં ખ્યાતિ પામ્યા જ્યારે તાંત્રિક ગણેશે નેપાળ, તિબેટ અને જાપાનમાં ખ્યાતિ મેળવી. વેદિક ગણેશ ભૌતિક દુનિયાને માયા અથવા કલ્પના માને છે જ્યારે તાંત્રિક ગણેશ ભૌતિક દુનિયાને શક્તિ માને છે.
શાસ્ત્રોમાં ગણેશ કેટલા પ્રાચીન દેવ છે? પ્રશ્નના જવાબમાં સ્વામી વિદિતાત્માનંદ કહે છે, વેદોમાં ક્યાય ગણેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ગણેશ વેદોના દેવતા નથી. ગણાનાંમ્ ગણપતિ. એવો એક શ્લોક આવે છે પરંતુ તે ગણોના દેવતા શિવ માટે છે. ઘણા આ શ્લોકને ગણેશ સાથે જાડે છે તે યોગ્ય જણાતું નથી. ગણેશજી પુરાણોના દેવતા છે. ગણેશ પુરાણ ગણપત્યો માટે વિશેષ છે અને તેમાં ગણેશના સહસ્ત્રનામો સાથે ગણેશની ભક્તિની રીત, તેમના ક્રિડાકાંડ અને ચાર યુગના ચાર અવતારોનું વર્ણન છે. ગણેશ ગીતા ગણેશ પુરાણનો એક ભાગ છે. ગણેશ ગીતામાં ભક્તોને તેમના સુધી પહોંચવાના ત્રણ માર્ગો દર્શાવે છે, જ્ઞાન યોગ એટલે કે બુદ્ધિથી સ્વને ઓળખવો, ભક્તિ યોગ એટલે કે હૃદયના ઉંડાણથી સમર્પણ કરવું અને કર્મ યોગ એટલે કે સ્થિતપ્રજ્ઞ થઈને કાર્ય કરવું.
ગણેશ ગીતાના મોટાભાગના શ્લોકો ભગવદ્દ ગીતામાંથી લીધેલા છે. ગણેશ પુરાણની જેમ મુદ્દગલ પુરાણ પણ ગણેશને સમર્પિત છે. ૧૭૫૧માં મળેલા લખાણ મુજબ ૧૦૮ ઉપનિષદ છે. તેમાં એક ગણેશ અથર્વશીર્ષ ઉપનિષદ છે. ગણેશના સેવકો એટલે ગણપત્યો. ૯મી સદીમાં આદી શંકરાચાર્યે ગણપત્ય સંપ્રદાયને શૈવો, વૈષ્ણવો, શાક્તો અને સૌરની પંક્તિમાં મુક્યો.