જાતિ, ગચ્છ, સંપ્રદાય અને ધર્મ ને પેલે પાર વસે છે, અધ્યાત્મ. પૃથ્વી પર વસતી મનુષ્ય જાતિ આજે એના આકાશમાં વિવિધ રંગોનું મનભર મેઘધનુષ જોવા માંગે છે. જ્યાં ધર્મો પોતીકા રંગથી પ્રકાશિત હોય અને છતાં પણ બીજા ધર્મની સામે નહીં, પરંતુ એની સાથે હોય. એક ધર્મની ઉત્કૃષ્ટ ભાવના બીજા ધર્મની ભાવનાસૃષ્ટિમાં ઉમેરો કરતી હોય અને એ રીતે ધર્મો દ્વારા સર્વોત્તમ ભાવનાઓનું આધ્યાત્મ રચાતું હોય છે.
૧૯૯૩માં શિકાગોમાં ‘પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજિયન’ ની શતાબ્દિની ઉજવણી કરવામાં આવી, ત્યારે અને એ પછી આજ સુધી આ વિશ્વધર્મ પરિષદમાં દરેક ધર્મને એની ખૂબીઓ વર્ણવવા માટે નિમંત્રણ આપવામાં આવે છે. એ કહે છે કે તમારા ધર્મનો જયઘોષ કરવાનો નથી, કારણ એટલું જ કે દરેકને સ્વાભાવિક રીતે જ પોતાનો ધર્મ મહાન લાગતો હોય છે. પરંતુ એની વિશેષતા બીજા ધર્મો સાથેની પ્રતિસ્પર્ધામાં પરિણમવી જોઈએ નહીં. આથી આ વિશ્વધર્મ પરિષદમાં ‘પાવર ઓફ પ્રેયર’ એટલે કે તમારા ધર્મમાં પ્રાર્થનાનું કેવું સ્થાન છે એ વિશે વાત કરવાની હોય છે.
૧૯૯૯માં દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં થયેલી વિશ્વધર્મ પરિષદમાં ‘રોલ ઓફ વિમેન ઇન જૈનિઝમ’ (જૈન ધર્મમાં સ્ત્રીઓનું પ્રદાન) એ વિશે વકતવ્ય આપ્યું હતું. એ જ રીતે જુદા જુદા ધર્મના વિચારકોએ પોતાના ધર્મમાં સ્ત્રીનું કેવું સ્થાન છે એની ચર્ચા કરી હતી અને ત્યારબાદ આજના વિશ્વમાં દરેક ધર્મ સ્ત્રીઓની પ્રગતિની બાબતમાં કઈ રીતે પોતાનું પ્રદાન કરી શકે છે એની વિચારણા કરવામાં આવી હતી.
આજે ધર્મચિંતકો અને વિચારકો આધ્યાત્મની શોધમાં નીકળ્યા છે જે આધ્યત્માની શોધ આ પૃથ્વી પરના માનવીને વધુ સારા માનવી બનાવી શકે. આ બધા વિચારોને અનુલક્ષીને તાજેતરમાં ‘પરમનો સ્પર્શ’ નામનો આવો આધ્યાત્મિક વિચારધારા પ્રગટાવતો ગ્રંથ લખ્યો છે. આજના ભૌતિક જગતને માત્ર સારા ગુણો માટે નહીં, પણ એના અસ્તિત્વ માટે આધ્યત્મની જરૂર છે. ભૌતિકતાની આંધળી દોડને કારણે જ્યારે માનવી નીતિમત્તાને કોરાણે મૂકે છે, લાગણીઓ અને ભાવનાઓને ભૂંસવા બેઠો છે, મૂલ્યોની મઝાક ઊડાવે છે, ત્યારે એવા ખોખલા બની ગયેલા માનવીમાં થી મરી જઈ રહેલી માણસાઈને કઈ રીતે જાગૃત કરવી એની વાત આધ્યાત્મ કરે છે.
જૈનદર્શને આ સંદર્ભમાં ઘણો વિચાર કર્યો છે. માત્ર અફસોસ એટલો કે ધર્મના રહસ્યોમાં છૂપાયેલી આધ્યાત્મિકતાને શોધી શોધીને આજના વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવામાં એ સફળ રહ્યો નથી. આપણે જાણીએ છીએ કે જૈનદર્શન એ આત્માનું દર્શન છે. એના આદિ, મધ્ય અને અંતમાં સર્વત્ર આત્મા જ છે. આત્માની બાજુમાં જવાનો પ્રયાસ તે આધ્યાત્મક.