તુલસી દરેક લોકોના ઘરમાં જોવા મળે છે. તુલસીના ઘણા સ્વાસ્થ્ય ને લગતા ફાયદા પણ રહેલા છે. તુલસી એક નેચરલ એર પ્યોરિફાયર છે. આ છોડ 24 માંથી લગભગ 12 કલાક ઓક્સિજન છોડે છે. વનસ્પતિશાસ્ત્રના વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે કાર્બન મોનોક્સાઈડ, કાર્બન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડ જેવા ઝેરીલા ગેસને પણ શોષી લે છે. તુલસીના છોડથી ઘરમાં શાંતિ રહે છે અને મગજ પણ શાંત રહે છે. તુલસીનો છોડ વાયુ પ્રદૂષણને ઓછું કરે છે. તુલસીનો છોડ ઉચ્છવાસમાં ઓઝોન વાયુ છોડે છે, જેનાથી સૂર્યના નુકસાનકારક કિરણોથી બચાવ થાય છે. તુલસીમાંથી યુજેનોલ નામનો કાર્બનિક યોગિક પેદા થાય છે જે મચ્છર, માખી અને કીડા ભગાવવાનું કામ કરે છે.
તુલસીનો છોડ વાવવાથી વાયુ પ્રદૂષણ ઓછું થાય છે. તો ધર્મગ્રંથો પ્રમાણે દેવઊઠની એકાદશીએ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. તુલસીના છોડનું મહત્વ પદ્મપુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, સ્કંદ પુરાણ અને ભવિષ્ય પુરાણની સાથે જ ગરુડ પુરાણમાં પણ જોવા મળે છે. તુલસીનું ધાર્મિક મહત્વ હોવાની સાથે જ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. આ છોડ શરીરની ઈમ્યુનિટી પાવર વધારવાની સાથે જ બેક્ટેરિયા અને વાયરલ ઈન્ફેક્શન સામે પણ લડે છે.
તુલસી પૂજા
ઘણા વ્રત અને ધર્મકથાઓમાં તુલસીનું મહત્વ બતાવ્યું છે. ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની કોઈપણ પૂજા તુલસીદળ વગર પૂરી નથી માનવામાં આવતી. બ્રહ્મવૈવર્ત પુરાણની કથા પ્રમાણે કારતક મહિનાના સુદ પક્ષની અગિયારસ તિથિએ તુલસી વિવાહ કરવામાં આવે છે. આ દિવસે તુલસી અને શાલિગ્રામ વિવાહ કરાવવાથી દરેક પ્રકારના પાપ નષ્ટ થઈ જાય છે. તો તુલસી વિવાહથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે.
તુલસીનું ધાર્મિક મહત્વ
પદ્મપુરાણ પ્રમાણે તુલસી- જેના દર્શન કરવાથી બધા પાપ નો નાશ થાય છે, સ્પર્શ કરવાથી શરીર પવિત્ર થાય છે, પ્રણામ કરવાથી રોગોનું નિવારણ થાય છે, જળ સિંચવાથી યમરાજનો ભય રહેતો નથી, આરોપિત કરવાથી ભગવાન શ્રીકૃષ્ણની નજીક લઈ જાય છે અને ભગવાનના ચરણોમાં ચઢાવવાથી મોક્ષરૂપી ફળ પ્રદાન કરે છે, તે તુલસી દેવીને નમસ્કાર છે.
ગરુડ પુરાણ પ્રમાણે ધર્મ કાંડના પ્રેત કલ્પ દ્વારા લખવામાં આવ્યું છે કે તુલસીનો છોડ વાવવાથી, તેને સિંચવાથી તથા ધ્યાન, સ્પર્શ અને ગુણગાન કરવાથી મનુષ્યના પૂર્વજન્મના પાપ સમાપ્ત થઈ જાય છે. બ્રહ્મવૈવર્ત પુરાણના પ્રકૃતિ ખંડમાં લખ્યું છે કે મૃત્યુના સમયે જે તુલસી પાનની સાથે જળ પીવે છે તે દરેક પ્રકારના પાપોથી મુક્ત થઈ જાય છે.
સ્કંદ પુરાણ પ્રમાણે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે અને દરરોજ તેની પૂજા થતી હોય છે એ ઘરમાં યમદૂત પ્રવેશ નથી કરતાં. સ્કંદ પુરાણમાં જણાવ્યા પ્રમાણે વાસી ફૂલ અને વાસી પાણી પૂજા માટે નિષેધ હોય છે પરંતુ તુલસીદળ વાસી હોય તેમ છતાં તેને નિષેધ (વર્જિત) નથી માનવામાં આવતાં. અર્થાત્ તે અપવિત્ર નથી માનવામાં આવતું.
તુલસી ઉપર વૈજ્ઞાનિક રિસર્ચ
➤ તિરૂપતિના એસ.વી. વિશ્વવિદ્યાલયના એક અધ્યયન પ્રમાણે તુલસીનો છોડ
ઉચ્છવાસમાં ઓઝોન વાયુ છોડે છે.
➤ આભામંડળ માપવાના યંત્ર યુનિવર્સલ સ્કેનરના માધ્યમથી તકનીકી નિષ્ણાત શ્રી કે.એમ. જૈન દ્વારા કરવામાં આવેલા પરિક્ષણમાં જાણવા મળ્યું છે કે કોઈ વ્યક્તિ તુલસીના છોડની 9 પરિક્રમા કરે તો તેના આભામંડળનું પ્રભાવ ક્ષેત્ર 3 મીટર સુધી વધી શકે છે.
➤ ઈમ્પીરિયલ મલેરિયલ કોન્ફ્રેસના જણાવ્યા પ્રમાણે તુલસી મલેરિયાની વિશ્વસનીય પ્રમાણિક દવા છે.
➤ વનસ્પતિ વૈજ્ઞાનિક ડોક્ટર જી.ડી. નાડકર્ણીના કહેવા પ્રમાણે તુલસીના નિયમિત સેવનથી શરીરમાં ઊર્જાનો પ્રવાહ નિયંત્રિત થાય છે અને વ્યક્તિની ઉંમર વધે છે. ફ્રેંચ ડોક્ટર વિક્ટર રેસીનનું કહેવું છે કે તુલસી એક અદભૂત ઔષધિ છે.