જૂનાગઢ જિલ્લાના ઊના શહેરથી લગભગ ૨૯ કિલોમીટર દૂર આવેલું તુલસીશ્યામ મંદિર આમ તો જંગલનો જ એક ભાગ ગણાય છે, કેમ કે તે જંગલમાર્ગે જ વસેલું છે. આ સ્થળ યાત્રાનું સ્થળ તો છે જ સાથે સાથે તે એટલું રમણીય છે કે યાત્રાળુઓ ત્યાં દર્શન કરવાની સાથે સાથે ફરવા પણ જાય છે. તુલસીશ્યામ મંદિરની પૌરાણિક કથા પણ ખૂબ જ રસપ્રદ છે, સૌરાષ્ટ્ર દર્શનની વાત આવે એટલે સોમનાથ, જૂનાગઢ ગિરનારની સાથે સાથે તુલસીશ્યામ અને સત્તાધારની યાત્રા પણ અચૂક આવી જાય છે.
સેંકડો વર્ષ પહેલાં જલંધર નામનો એક અજેય યોદ્ધા હતો, તે ન્યાય માટે યુદ્ધે ચડયો હતો. ભગવાન વિષ્ણુ જલંધરનું યુદ્ધ કૌશલ જોઇને પ્રસન્ન થઇ ગયા અને જલંધરને એક વરદાન માગવા કહ્યું. તેણે કહ્યું, હે પ્રભુ, મારે બીજું તો કોઇ વરદાન નથી જોઇતું, તમે તો મારા બનેવી છો ને દેવી લક્ષ્મી મારી બહેન છે, હું ઇચ્છું છું કે તમે બહેન લક્ષ્મી સાથે મારા ઘરે વાસ કરો. ભગવાને તેને વચન આપ્યું અને કહ્યું હું તારા ઘરે વાસ કરીશ પણ એક વાત યાદ રાખજે, જે દિવસે તું અધર્મનું આચરણ કરીશ તે દિવસે હું તારા ઘરેથી જતો રહીશ. તે દિવસે હું તારી સાથે નહીં પણ તારી વિરુદ્ધમાં હોઇશ. જલંધરે પ્રભુની વાત સ્વીકારી અને આમ સાગરના પેટાળમાં આવેલા તેના ઘરમાં ભગવાને અને દેવી લક્ષ્મીએ વાસ કર્યો.
જલંધરને તો વૃંદા જેવી સતી પત્ની, લક્ષ્મી જેવી બહેન અને વિષ્ણુ જેવા બનેવી સાક્ષાત્ સાથે છે, તેથી તેના રાજ્યમાં નિત્યક્રમે ધાર્મિક કાર્યો થતાં રહેતાં. જોકે દેવતા સાથે જે વેર વાળવાનું હતું તે હજી શમ્યું નહોતું. ક્યાંક અંદર મનમાં જલંધરે તેને ધરબી નાખ્યું હતું. આ વાત નારદજી જાણતા હતા. તેઓ જલંધરના મનની આ આગમાં ફરીથી ઘી હોમવા તેની પાસે પહોંચી ગયા અને કહેવા લાગ્યા હે જલંધર, હવે તો તારું રાજ્ય પણ દેવતાઓના રાજ્યની માફક સદાય મઘમઘતું રહે છે, જો કે તું આટલો સુખી હોવા છતાં એક વસ્તુમાં તો તું દેવતાઓથી પાછો જ પડી જશે. જલંધરે ગુસ્સે થતાં કહ્યું કઇ એવી વાત છે કે હું તેમનાથી પાછળ રહી જાઉં છું.
નારદ કહે જો જલંધર વિષ્ણુ પાસે તારી બહેન લક્ષ્મી જેવી સુંદર સ્ત્રી છે, શિવજી પાસે પાર્વતી જેવા અને ઇન્દ્ર પાસે ઈન્દ્રાણી જેવી સુંદર સ્ત્રી છે. બસ, આ વાતે તું પાછળ છે. જલંધર કહે, હે નારદજી મારે પણ વૃંદા જેવી સતી સ્ત્રી છે. નારદ કહે સતી ખરી પણ અત્યંત દેખાવડી તો નહીં જને. નારદની આટલી જ વાત સાંભળીને જલંધરને ગુસ્સો આવ્યો અને તેણે તરત નારદને કહ્યું તો બોલો હું એવી કઇ સ્ત્રી લાવું કે જેનાથી હું આ સર્વેમાં આગળ થઇ શકું. નારદજી કહે, આ દુનિયામાં મા પાર્વતીથી વધારે સુંદર બીજું કોઇ નથી. જલંધરે તે જ દિવસે પાણી મૂક્યું અને હવે તો હું પાર્વતીને મારી પાસે લાવ્યે જ પાર કરીશ.
આટલું કહી જલંધરે કૈલાસ પર્વત ઉપર ચઢાઇ કરી. ભગવાન શિવ સમાધિમાં હતા ને તે જ સમયે તેણે તેમની સાથે યુદ્ધ કરવા માંડયું. શિવ મૂર્છિત થઇને ઢળી પડયા. સતી પાર્વતી અલોપ થયાં. આમ થવાથી દેવો તરત વિષ્ણુ પાસે ગયા અને તેમને જણાવ્યું કે જલંધરની મતિ ભ્રષ્ટ થઇ છે, તે પાર્વતીનું સત્ તોડવા જીદે ચડયો છે. આ તો જલંધરે ધર્મને ભ્રષ્ટ કર્યો જ કહેવાય. તેને સજા આપવી જ જોઇએ. વિષ્ણુએ દેવોની વાત સાંભળી જલંધરનો નાશ કરવાનું નક્કી કર્યું અને આજે જે જગ્યાએ તુલસીશ્યામ છે ત્યાં યોગીનું સ્વરૂપ લઇને બેસી ગયા. આ તરફ વૃંદાને ખરાબ સ્વપ્ન આવતાં તેને પોતાના પતિ ઉપર આપત્તિ આવી હોવાનો ભાવ થયો અને તે પતિની રક્ષા કરવા નીકળી પડી.
રસ્તામાં વૃંદા વિષ્ણુ જ્યાં ધૂણી ધખાવીને બેઠા હતા ત્યાં આવી અને યોગી રૂપે બેઠેલા વિષ્ણુને પોતાનો પતિ સુરક્ષિત તો છે તે વિશે પૂછયું. યોગી વિષ્ણુએ કહ્યું તારા પતિનું મૃત્યુ થયું છે. વૃંદાએ વિલાપ કર્યો અને વિષ્ણુને કહ્યું તમારી વાતની ખાતરી કરાવો. વિષ્ણુએ જલંધરના શરીરના ટુકડા વૃંદાને બતાવ્યા. વૃંદા જલંધરનું મસ્તક લઇ પોતે પણ બળવા માટે ચાલવા લાગી, તે જ સમયે વિષ્ણુએ એક ખોટા જલંધરને સજીવન કર્યો. પોતાનો પતિ સજીવ થતાં વૃંદાની ખુશીનો પાર ન રહ્યો. તેણે જલંધર સાથે ભોગ કર્યો. ભોગ કરવાથી કૈલાસ પર યુદ્ધ કરતો સાચો જલંધર મૃત્યુ પામ્યો ને આ તરફ વૃંદાને ખબર પડી કે આ તો ખોટો જલંધર હતો, તે ખૂબ વિલાપ કરવા લાગી. તેણે વિષ્ણુજીને શાપ આપ્યો અને કહે તારી પત્નીને પણ આમ કોઇ સાધુ અપહરણ કરી લઇ જશે. તમારા કારણે મારે એક ભવમાં બે ભવ કરવા પડયા. વિષ્ણુએ બાદમાં યોગીમાંથી પોતે પ્રગટ થઇ વૃંદાને કહ્યું, તુ ચિંતા ન કર તારું સતીત્વ નથી હણાયું, હું તને વરદાન આપું છું કે તું નિષ્કલંક રહીશ.
હવે તું તુલસી નામની વનસ્પતિ થઇને અવતરીશ. કોઇપણ દેવની પૂજામાં કે તેને ધરાવવામાં આવતાં થાળમાં જો તને મૂકવામા નહીં આવે તો તે ભોગ દેવ સુધી નહીં પહોંચે. તું દરેક મનુષ્યની પીડા હરનારી અમૂલ્ય ઔષધી બનીશ, તારા પત્ર વિના જગતમાં કોઇ પણ મને ભોગ ધરાવશે તેનો હું સ્વીકાર નહીં કરું. મૃત્યુ પામનારના મુખે જો તુલસીનું પત્ર મૂકવામાં આવશે તો તેને મોક્ષ મળશે. તારા માંજર શૂરવીરોના મસ્તકે શોભશે, તુ તુલસી બનીશ અને હું શ્યામ શૈલ બનીશ. આમ, વિષ્ણુ પોતે શ્યામ પથ્થર રૂપે અવતર્યા અને વૃંદા પણ તે જગ્યાએ તુલસી રૂપે ઊગ્યાં. ત્યારથી આ જગ્યાને તુલસીશ્યામ કહે છે.