ભુમિશાસ્ત્રના મત પ્રમાણે જોઈએ તો દુનિયાના સૌથી પ્રાચીન એવા ૩ અબજ વર્ષ જુના ખડક પર ૮૩ મીટર ઉંચું ગણેશજીનું રોક ફોર્ટ, તામિલનાડુમાં આવેલું ૧૦મી સદીમાં બંધાયેલું ભારતનું સૌથી જુના મંદિર પૈકીનું એક છે. ગણેશને અહી લોકો પીલ્લૈયાર કહે છે. મહારાષ્ટ્રના ગણેશના આઠ મંદિરો છે અને તેની યાત્રા નક્કી કરેલા ક્રમમાં જ કરવી એવી માન્યતા છે. દરેક મંદિર સ્વયંભૂ હોવાનું કહેવામાં આવે છે. પ્રથમ, મોરગાંવમાં આવેલું મોરેશ્વરનું મંદિર, પછી સિદ્ધટેકના સિદ્ધિ વિનાયક, પાલીના બલ્લાલેશ્વર, મહાડના વરદવિનાયક, થેઉરના ચિંતામણી, લેન્યાદ્રિના ગિરિજાત્મક પછી આંઝારના વિઘ્નહર અને છેલ્લે રંજનગાંવના મહાગણેશ આવે છે. આમાં સિદ્ધિવિનાયકની સૂંઢ જમણી બાજુએ અને બાકી બધા ગણેશની સૂંઢ ડાબી બાજુએ છે.
ભારતમાં તો ગણેશ વસંત અને શરદ ઋતુમાં પૂજાય છે. ભાદરવા સુદ ચોથથી દસ દિવસ, મહા સુદ ચોથની ગણેશ જયંતિ, મહા મહિનાની વિનાયક ચતુર્થી વગેરે. પરંતુ અમેરિકામાં વસતા હિન્દુઓએ ૨૧ થી ૨૫ ડિસેમ્બર સુધીનો પાંચ દિવસનો તહેવાર બનાવ્યો છે. અમેરિકા ક્રિસમસ ઉજવતું હોય ત્યારે ત્યાં ગણેશની મુર્તિને રોજ ખાસ રંગથી શણગારવામાં આવે છે. ગણેશનું પુજન હંમેશા બદલાતા અને પુનરાવર્તન પામતા જીવનને દર્શાવે છે. જે નાશ પામે છે અને પુનર્જન્મ પામે છે.
તામિલનાડુમાં કાગળ ઉપર કંઈપણ લખતા પહેલા પિલ્લૈયાર સૂઝી અથવા ગણેશ ચક્ર દોરવામાં આવે છે. પરીક્ષામાં પરિક્ષાર્થીઓ પણ આ નિશાની દોરીને જવાબો કાગળ પર લખવાનું શરુ કરે છે. દક્ષિણમાં પિલ્લૈયાર સુઝીની જેમ ઉત્તર ભારતમાં કોઈ કાર્યના પ્રારંભે શ્રી લખવામાં આવે છે. શ્રી પણ ગણેશનું બીજુ નામ છે. દરેક ભગવાનનો એક પ્રતિકાત્મક અવાજ હોય છે. ગણેશ માટેનો મંત્ર છે ઓમ ગં ગણેશાય નમઃ
મધ્યકાલીન યુગમાં શૈવો અને વૈષ્ણવો વચ્ચે ઘણી દુશ્મનાવટ હતી. ક્યારેક તે તિવ્ર બનીને હિંસામાં પરિણમતી. ગણેશ શિવજી સાથે વધુ જાડાયેલા હોઈ વૈષ્ણવોએ ગણેશનું આહ્વાન બંધ કરી દીધું. આથી પરશુરામ અને બલરામે ગણેશનો દાંત તોડી નાખ્યો એવી વાર્તા બની. વૈષ્ણવોએ ગણેશને વિશ્વક્ષેનના લશ્કરના એક સૈનિક તરીકે પણ ઓળખાવ્યા. આથી વૈષ્ણવોના મોટા મંદિરોમાં વેંકટેશ્વર તિરુપતિ બાલાજી જેવામાં ગણેશનું મંદિર તેમના મુખ્ય મંદિરમાં હોતું નથી. તે બહાર હોય છે.