હનુમાનજીનું ચમત્કારી મંદિર જે ઓળખાય છે ‘ઉલટે હનુમાન’ ના નામથી

આપણા દેશમાં હનુમાનજીના ઘણા બધા મંદિરો આવેલા છે અને દરેક મંદિરની અલગ અલગ ખાસિયત હોય છે. અમુક મંદિરમાં હનુમાનજીની ખુબજ મોટી પ્રતિમા હોય છે તો અમુક જગ્યાએ સુતેલા હનુમાનજી છે પરંતુ આજે અમે જે મંદિરની વાત કરી રહ્યા છીએ ત્યાં હનુમાનજીની પ્રતિમા ઉલટી છે. આજે અમે તમને જણાવીશું ભગવાન હનુમાનના એક વિશેષ મંદિર વિશે જે મધ્યપ્રદેશના સાંવેર નામના ગામમાં આવેલુ છે. આ મંદિરની વિશેષતા એ છે કે આમાં હનુમાનજીની ઉંધી મૂર્તિ સ્થાપિત છે. જેને કારણે આ મંદિર ઉલટે હનુમાનના નામથી પ્રચલિત બન્યું છે. ઐતિહાસિક સ્થળ ઉજ્જૈનથી માત્ર 15 કિમીના અંતરે આવેલ આ મંદિરમાં હનુમાનજીની ઉંધા ચહેરાવાળી મૂર્તિ આવેલી છે જેને અહીના રહેવાસીઓ રામાયણ કાળની બતાવે છે. 

અહીંના લોકો કહે છે કે જ્યારે ઐરાવણ ભગવાન શ્રીરામ અને લક્ષ્મણનુ અપહરણ કરી પાતાળ લોક લઈ ગયા હતા, ત્યારે હનુમાનજીએ પાતાળ લોક જઈને ઐરાવણનો વધ કરી શ્રીરામ અને લક્ષ્મણના પ્રાણ બચાવ્યા હતા. એવી માન્યતા છે કે આ એ જ સ્થાન છે, જ્યાથી હનુમાનજીએ પાતાળ લોક જવા માટે પૃથ્વીમાં પ્રવેશ કર્યો હતો. એવુ કહેવાય છે કે ભક્તિમાં તર્ક કે શંકા કરતા શ્રધ્ધાનુ અધિક મહત્વ હોય છે. અહીંની પ્રતિષ્ઠિત મૂર્તિ ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. જ્યાં ઘણા સંતોની સમાધિ છે. ઈસ. ૧૨૦૦ સુધીનો ઈતિહાસ અહી મળી આવે છે. 

પુરાણોમાં જણાવ્યા મુજબ પારિજાતના વૃક્ષોમાં હનુમાનજીનો વાસ માનવામાં આવે છે. ઉલટે હનુમાન મંદિરના ચોકમાં પીપળો, લીમડો, પારીજાત, તુલસી, વડનુ ઝાડ છે. અહી વર્ષો જૂના બે પારિજાતના વૃક્ષો છે. મંદિરની આજુબાજુના વૃક્ષોમાં પોપટના ઘણા ઝુંડ છે. આ વિશે એક દંતકથા પ્રચલિત છે. પોપટને બ્રાહ્મણનો અવતાર માનવામાં આવ્યો છે. હનુમાનજીએ પણ તુલસીદાસજીને માટે પોપટનુ રૂપ લઈને તેમને પણ શ્રીરામના દર્શન કરાવ્યા હતા. સાંવેરના ઉલટા હનુમાન મંદિરમાં શ્રીરામ, સીતા, લક્ષ્મણજી, શિવ-પાર્વતીની મૂર્તિઓ છે. મંગળવારના રોજ હનુમાનજીને સિંદુરરૂપી વસ્ત્રોથી તૈયાર કરવામાં આવે છે. હનુમાનજી પ્રત્યેની શ્રધ્ધા તેમના ભક્તોને અહીં સુધી ખેંચી લાવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer