વાહનોની ફિટનેસ પર ધ્યાન આપતા રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, ૩૩ જીલ્લા અને ૮ મનપામાં આ સુવિધાઓ આપવામાં આવશે….

વાહનોની ફીટનેસ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. હવે 33 જીલ્લા અને 8 મનપામાં ફીટનેસ સેન્ટર શરૂ કરવામાં આવશે. PPP ધોરણે સમગ્ર રાજ્યમાં ફીટનેસ સેન્ટર શરૂ કરવાનું આયોજન કરાશે. ભારતમાં તમામ જીલ્લામાં ફીટનેસ સેન્ટર શરૂ કરનારું ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બનશે.

આ માટે ફકત એક જ મહિનામાં ટેન્ડરીંગ પ્રક્રિયા પૂરી કરવા કવાયત શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ખાતેથી સ્ક્રેપ પોલિસી સમગ્ર દેશભરમાં લોન્ચ કરાઈ છે. સ્ક્રેપ પોલિસી બાદ વાહનોની ફીટનેસ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા નવી સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરાયા બાદ ગુજરાતમાં 9 લાખ જેટલાં જૂના વાહનો સ્ક્રેપ કરવામાં આવશે. રાજ્યમાં 9 લાખ વાહનો 15 વર્ષ જૂના હોવાનું નોંધાયું છે. રાજ્યમાં થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર મળીને કુલ 21 લાખ વાહનો નોંધાયા છે.

જ્યારે સરકારના 13 હજાર વાહનો 15 વર્ષ જૂના હોવાનું નોંધાયું છે. આથી આ 13 હજાર સરકારી વાહનો પણ સ્ક્રેપમાં જશે. રાજ્યના RTO વિભાગએ જૂના વાહનોના ડેટા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. ગત 13 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં આયોજિત ઇન્વેસ્ટર સમિટમાં સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરાઇ હતી.

જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં આયોજિત ઇન્વેસ્ટર સમિટને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘દેશમાં નવી સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરવામાં આવી રહી છે. સ્ક્રેપ પોલિસીના કારણે પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થશે. અનફીટ વાહનોને હટાવવા માટે નવી પોલિસી પોતાનું કામ કરશે.’

આ નવી સ્ક્રેપ પોલિસી મુજબ 15 અને 20 વર્ષ જૂના વાહનોને રદ્દ કરવામાં આવશે. જ્યારે જાહેર અને ધંધાકીય વાહનને 15 વર્ષ પછી જંક જાહેર કરી શકાય છે, તે ખાનગી વાહન માટે 20 વર્ષ છે. આ નીતિ હેઠળ, વાહનને માત્ર તેની ઉંમર જોઈને રદ્દ કરવામાં આવશે નહીં, પરંતુ વાહનોને વૈજ્ઞાનિક રીતે રદ કરવામાં આવશે અને આ માટે અધિકૃત વાહન સુવિધા કેન્દ્રો સ્થાપવામાં આવશે જે ઉચતમ ટેક્નોલોજી સાથે જોડાયેલા હશે.

વાહનોના ફિટનેસ ટેસ્ટ સમયાંતરે ફરજિયાત કરાવવાના નિયમોની પણ જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. આ ફિટનેસ ટેસ્ટમાં ફેઈલ જનારા વાહનોને ફરજિયાત ભંગારમાં નાખી દેવાની ફરજ પાડવામાં આવી શકે છે. પહેલી ઓક્ટોબર 2021થી ફિટનેસ ટેસ્ટ કરાવવાનો નિયમ લાગુ કરવામાં આવશે. આ ફિટનેસ ટેસ્ટનો રિપોર્ટ જે તે સેન્ટરમાંથી જ ઓનલાઈન મૂકી દેવામાં આવશે જે આધારભૂત પ્રમાણ પત્ર માનવામાં આવશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer