મહાભારતમાં સંવાદોમાં ઉપયોગમાં લેવાયેલી વાણી અતિ વિશિષ્ટ છે, જાણો તેનું સુંદર દ્રષ્ટાંત

મહાત્મા યજ્ઞસેન દ્રુપદની પુત્રી વેદીના માધ્યમથી ઉત્પન્ન થઈ હતી. નીલ કમલ જેવી તેની ગંધ એક કોશ સુધી પ્રસરતી હતી. ભલે તેમણે પ્રગટ ન કરી હોય પણ યજ્ઞસેનની ઇચ્છા હતી કે કૃષ્ણાને હું અર્જુન વેરે આપું. આ માટે જ એમણે એક અણનમ ધનુષ્ય કરાવ્યું હતું અને આકાશમાં ઊંચે એક કૃત્રિમ યંત્ર બનાવડાવ્યુ હતું અને તે ભમતા યંત્રનાં છિદ્ર માંથી જોઈ શકાય તેવું એક નિશાન જોડ્યું. એ નિશાનને વીંધશે તેને મારી પુત્રી લગ્નમાં મળશે એવી જાહેરાત કરી. પાંચ બાણથી લક્ષ્‍યને વીંધવાનું હતું. શરત હતી કે સ્પર્ધક કુળ, રૂપ અને બળથી સંપન્ન હોવો જોઈએ.

એ સ્વયંવરમાં કોણ કોણ આવ્યું હતું તેની યાદીના કેટલાંક નામો ઉપર દ્રષ્ટિપાત કરતાં તે કાળના લોકોના નામનો પરિચય મળશે. સ્વયંવરમાં કૌરવો, શકુની, વૃષક, બૃહદબલ, મણિમાન, દંડધર, સહદેવ, જયત્સેન, મેઘસંધિ, શંખ, સુનામા, સુવર્ચા, સુકેતુ, સુકુમાર, વૃક, પિંડારક, સૂર્ય ધ્વજ, સત્યધૃતિ, રોચમાન, નીલ, ચિત્રાયુધ, અંશુમાન. ચેકિતાન, શ્રેણિમાન, વિદંડ, ભગદત્ત, તામ્રલિપ્ત, શલ્ય, રુકમાંગદ, ભૂરિશ્રવા, સુદક્ષિણ, કાંબોજ, સુષેણ, શિબિ, નિહંતા, સાંબ, ચારુદેષ્ણ, ગદ, અક્રૂર, સાત્યકિ, ઉદ્ધવ, કૃતવર્મા, પૃથુ, વિદુરથ, કંક, ગવેષણ, આશાવહ, અનિરુદ્ધ, સમિક, વાતપતિ, પિંડારક, જયદ્રથ, બાહૃલિક, ઉલુક, કૈતવરાજ, ચિત્રાંગદ, શુભાંગદ વગેરે.

મહાભારત ઉપર દૃષ્ટિપાત કરશો તો હજારો સંસ્કૃત નામ જોવા મળશે. એક પછી એક રાજાઓ વિફળ ગયા અને જેવો કર્ણ સંધાન માટે ઊભો થયો કે તેને જોઈને દ્રોપદીએ ઊંચા સાદે કહ્યુ, હું એ સૂતપૂત્રને નહિ પરણું. અને કર્ણએ રોષ સાથે પ્રત્યંચા ખેંચેલા ધનુષને છોડી દીધું. જરાસંઘ સહિતના બધા બળિયાઓ ધનુષ્ય ચ઼ડાવવા જતા ધૂંટણભેર પડી ગયા અને ભોંઠા પડીને ચાલ્યા ગયા. ત્યારબાદ બ્રાહ્મણ વેશે આવેલા અર્જુને તે ધનુષ ઉપર બાણ ચઢાવવાનો નિર્ધાર કર્યો અને લક્ષ્‍યવેધ કર્યો. જેને કર્ણ મહાપ્રયત્ને સજ્જ કરી શક્યો નહોતો તેને અર્જુને એક પલકારામાં સજ્યું અને તેને પાંચ બાણો ચડાવ્યાં. તેણે છિદ્રવાટે નિશાન વીંધ્યું અને તે વીંધાઈને તરત જ જમીન ઉપર પડ્યું. મહાનાદ અત્યંત વધી પડ્યો ત્યારે ઓળખાઈ જવાની બીકે બ્રાહ્મણ વેશમાં આવેલા યુધિષ્ઠિર, નકુલ અને સહદેવ ઉતારે ચાલ્યા ગયા.

દ્રુપદ ક્ષત્રિયોને મૂકીને બ્રાહ્મણ વેરે પોતાની પુત્રી વરાવે છે તે અન્ય રાજાઓથી સહન ન થયું અને સ્વયંવરમાં જ સંગ્રામ ખેલાયો અને ભીમે અને અર્જુને સૌને પુરા કર્યા. કર્ણને અર્જુને બાણોથી વીંધી નાખ્યો. કર્ણ બોલ્યો કે રણભૂમિમાં મારી સામે લડવા સાક્ષાત ઇન્દ્ર અને અર્જુન સિવાય કોઈ પણ મનુષ્ય સમર્થ નથી. અર્જુને લલકાર્યો તો કર્ણ તેને અજેય માનીને યુદ્ધથી પાછો ફર્યો. કૃષ્ણે ‘આણે ધર્મપૂર્વક દ્રોપદી મેળવી છે’ એમ કહીને બધા રાજાઓને વાર્યા અને અર્જુન અને ભીમ દ્રોપદીને લઈને કુંભારના ઘેર પાછા ફર્યા. મહાભારતમાં સંવાદોમાં ઉપયોગમાં લેવાયેલી વાણી અતિ વિશિષ્ટ છે. જેમકે દ્રુપદરાજા પુરોહિતને એમ કહીને દોડાવે છે કે દ્રોપદીને વલ્કલધારી પરણી ગયો તે વાસ્તવમાં પાંડવો છે તે જાણી લાવ. પુરોહિત કુંભારના ઉતારે પાંડવો સમક્ષ ઉપસ્થિત થઈને કહે છે, હે વરદાનયોગ્ય પુરુષો પૃથ્વીપતિ પંચાલરાજ તમને ઓળખવા ઇચ્છે છે. કેમકે લક્ષ્‍યના વેધનારને જોઈને તેમને આનંદની અવધિ રહેતી નથી.

તમે તમારાં જ્ઞાતિ, કુળ કહો અને શત્રુઓના શિરે પગ મૂકો. પાંડુરાજા દ્રુપદરાજના આત્મરૂપ પ્રિય મિત્ર હતા. હૃદયમાં તેમને એ જ કામના હતી કે હું મારી પુત્રીને તે પાંડુરાજાને પુત્રવધૂ તરીકે આપીશ. દ્રુપદ નિત્ય એ જ ઇચ્છતા હતા કે વિશાળ બાહુવાળો અર્જુન મારી પુત્રીને ધર્મપૂર્વક પરણે. જો તેમજ થયું હોય તો એ રૂડું થયું કહેવાય. પુરોહિતની વાણી કેટલી મીઠી છે! તે ભેદ જાણવા આવ્યો છે પણ તેમની વાતની રજુઆત જુઓ.

હવે યુધિષ્ઠિરનો પુરોહિતને જવાબ જુઓ. યુધિષ્ઠિર કહે છે, પંચાલપતિએ ક્ષત્રિયધર્મને યોગ્ય સ્વયંવર કરીને પોતાની પુત્રી આપી છે, કંઈ ઇચ્છાથી આપી નથી. દ્રુપદરાજાની પ્રતિજ્ઞારૂપી મૂલ્યથી આપવા ધારેલી કન્યાને આ વીર વરી લાવ્યો છે. એમાં વર્ણ, શીલ, કુળ કે ગોત્ર વિશે કોઈ શરત થઈ નહોતી. કેમકે ધનુષ્ય ઉપર બાણ ચડાવવાથી તેમજ લક્ષ્‍ય વિંધવાથી તે કન્યા અપાઈ ચૂકી છે. આ મહાત્માએ તે કાર્ય કરીને રાજસમૂહની વચ્ચે કૃષ્ણાને જીતી છે. આથી હવે સોમકવંશી દ્રુપદરાજાએ દુઃખદાયક સંતાપ કરવો ઘટતો નથી. કોઈ મંદબળવાળો થોડો જ તે ધનુષને પણછ ચડાવી શકે તેમ હતો?

Leave a reply:

Your email address will not be published.

Site Footer