શાસ્ત્રો પ્રમાણે જ્યાં-જ્યાં સતીનાં અંગના ટુકડા, તેમનાં વસ્ત્ર કે ઘરેણાં પડ્યાં ત્યાં-ત્યાં શક્તિપીઠનો ઉદય થયો હતો. આ શક્તિપીઠો ભારતની જુદી-જુદી જગ્યાએ તો છે જ, પરંતુ કેટલાંક શક્તિપીઠ ભારતના પાડોશી દેશોમાં પણ સ્થાપિત છે. આ શક્તિ પીઠોનું પણ મહત્ત્વ વધારે છે. આ દેશોમાં પાકિસ્તાન, શ્રીલંકા, તિબેટ, નેપાળ અને બાંગ્લાદેશ નો સમાવેશ થાય છે. દેવી પુરાણ પ્રમાણે 51 શક્તિપીઠો માંથી માત્ર 42 શક્તિપીઠ ભારતમાં છે. તે સિવાય પાંચ દેશોમાં 9 શક્તિપીઠો ફેલાયેલાં છે. ભારતના અનેક લોકો આ શક્તિપીઠના દર્શન કરવા જતા હોય છે.
૧. હિંગળાજ શક્તિપીઠ, પાકિસ્તાન
આપણા પાડોશી દેશ પાકિસ્તાનના પશ્ચિમી વિસ્તારમાં બલૂચિસ્તાન નામનો પ્રાંત છે. બલૂચિસ્તાન હિન્દુ ધર્મ સાથે અનેક રીતે જોડાયેલું છે. અહીં માતા સતીનાં 51 શક્તિપીઠોમાંથી એક શક્તિપીઠ હિંગળાજ માતાનું મંદિર આવેલું છે. જ્યારે શિવ, માતા સતીના શરીરને લઈને જઈ રહ્યાં હતાં ત્યારે અહીં સતી માતાનું માથું પડ્યું હતું. ત્યારથી જ આ જગ્યા હિંગળાજ દેવીના રૂપમાં પૂજવામાં આવે છે.
૨. સુગંધા શક્તિપીઠ, શિકારપુર, બાંગ્લાદેશ
દેવી પુરાણમાં આ શક્તિપીઠનો ઉલ્લેખ છે. બાંગ્લાદેશમાં બરીસાલથી 21 કિ.મી. દૂર ઉત્તર દિશામાં શિકારપુર નામની જગ્યાએ જ સુગંધા (સુનંદા) નદીના કિનારે ઉગ્રતારા દેવીના મંદિરમાં આ શક્તિ પીઠ સ્થિત છે. આ જગ્યાએ દેવીની નાસિકા (નાક) પડ્યું હતું. અહીં દેવી સુનંદા અને શિવ ત્ર્યંબક તરીકે ઓળખાય છે.
૩. કરતોયા ઘાટ શક્તિપીઠ, ભવાનીપુર, બાંગ્લાદેશ
બાંગ્લાદેશના આ શક્તિપીઠને બીજી શક્તિપીઠો કરતા વિશિષ્ટ માનવામાં આવે છે. અહીં સતીનાં ત્રિનેત્ર પડ્યાં હતાં. અહીં દેવી અપર્ણા રૂપમાં તથા શિવ વામન ભૈરવના રૂપમાં વાસ કરે છે. જે માનવી અહીં નદીમાં સ્નાન કર્યા પછી રાત સુધી ઉપવાસ કરે છે, તેને અશ્વમેધ યજ્ઞ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એવું મહાભારતના વનપર્વમાં ઉલ્લેખ છે.
૪. ચટ્ટલ શક્તિપીઠ, બાંગ્લાદેશ
ચટ્ટલ શક્તિપીઠ 51 શક્તિપીઠો માંનું એક છે. સીતાકુંડ સ્ટેશનની પાસે ચંદ્રશેખર પર્વત પર ભવાની મંદિર છે. સમુદ્રતટથી 350 મીટરની ઊંચાઈએ ચંદ્રશેખર શિવનું પણ મંદિર છે. અહીં સતીની જમણી ભુજા પડી હતી. અહીંની શક્તિ ભવાની તથા શિવ ચંદ્રશેખર સ્વરૂપમાં છે. અહીં નજીકમાં જ સીતાકુંડ, વ્યાસકુંડ, સૂર્યકુંડ, બ્રહ્મકુંડ, બાઈવ કુંડ, લવણાક્ષ તીર્થ, સહસ્ત્રધારા, જનકોટી શિવ પણ છે. બાઈવ કુંડથી સતત અગ્નિ નિકળતી રહે છે. શિવરાત્રિમાં અહીં મોટો મેળો ભરાય છે.
૫. યશોર શક્તિપીઠ, બાંગ્લાદેશ
અહીં સતી માતાની જમણી હથેળી પડી હતી. આ શક્તિપીઠ હાલ ખુલના જિલ્લામાં જૈસોર નામના નગરમાં સ્થિત છે. અહીં સતીને યશોરેશ્વરી તથા શિવને ચંદ્રના નામે ઓળખવામાં આવે છે.
૬. માનસ શક્તિપીઠ, તિબેટ, ચીન
કૈલાસ પર્વત પર ભગવાન શિવનું સિંહાસન છે. દેવી માતાનું શક્તિપીઠ ચીન અધિકૃત માનસરોવરના કિનારે આવેલું છે, જ્યાં સતી માતાની ડાબી હથેળી પડી હતી. અહીં શક્તિ દક્ષાયણી તથા ભૈરવ અમર છે. કૈલાસ શક્તિપીઠ માનસરોવરનું વર્ણન હિન્દુ, બૌદ્ધ, જૈન ધર્મગ્રંથોમાં જોવા મળે છે. વાલ્મીકિ રામાયણ પ્રમાણે માનસરોવર બ્રહ્માના મનથી નિર્મિત થયું હોવાને લીધે તેને માનસરોવર કહેવામાં આવ્યું. અહીં શિવ હંસરૂપમાં વિહાર કરે છે. માનસરોવરની પાસે જ રાક્ષસ તાલ છે, જેને રાવણ હૃદ પણ કહે છે. રાવણ એકવાર અષ્ટપદની યાત્રાએ આવ્યો અને તેને પદ્મહદમાં સ્નાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ દેવતાઓએ તેને રોક્યો હતો. ત્યારે તેણે એક સરોવર રાવણહૃદનું નિર્માણ કર્યું અને તેમાં માનસરોવરની ધારા લઈ આવ્યો હતો. ત્યાર બાદ તેણે તેમાં સ્નાન કર્યું હતું.
૭. ગુહ્યેશ્વરી શક્તિપીઠ, નેપાળ
નેપાળમાં પશુપતિનાથ મંદિરની નજીકમાં જ બાગમતી નદીની સામેની બાજુ ગુહ્યેશ્વરી શક્તિપીઠ આવેલું છે. આ નેપાળની અધિષ્ઠાત્રી દેવી છે. મંદિરમાં એક છિદ્રથી સતત જળ પ્રવાહિત થતું રહે છે. આ જગ્યાએ સતીના બંને ઘૂંટણ પડ્યાં હતાં. આ શક્તિપીઠની શક્તિ મહામાયા અને શિવ કપાલ છે. આ શક્તિપીઠ કિરાતેશ્વર મહાદેવ મંદિરની નજીક પશુપતિનાથ મંદિરથી થોડે દૂર બાગમતી નદીની બીજી તરફ એક ટેકરી પર સ્થાપિત છે. પૌરાણિક માન્યતા પ્રમાણે એક સમયે અહીં શ્લેષમાંત વન હતું, જ્યાં અર્જુનની તપસ્યાથી શિવ કિરાત રૂપમાં પ્રગટ થયાં હતાં. ગુહ્યેશ્વરી પીઠની પાસે જ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે, જ્યાં બ્રહ્માએ શિવલિંગની સ્થાપના કરી હતી.
૮. ગંડકી શક્તિપીઠ, નેપાળ
નેપાળમાં ગંડકી નદીના ઉદગમ સ્થાન પર ગંડકી શક્તિપીઠ આવેલું છે. આ શક્તિપીઠમાં સતીનો જમણો ગાલ પડ્યો હતો. અહીં સતીને ગંડકી તથા શિવને ચક્રપાણી તરીકે પૂજવામાં આવે છે. ગંડકીપીઠને મુક્તિદાયિની માનવામાં આવે છે.
૯. શંકરીદેવી કે લંકા શક્તિપીઠ, ત્રિંકોમલી, શ્રીલંકા
બાંગ્લાદેશની જેમ જ શ્રીલંકામાં પણ દેવી સતીની પાયલ પડી હતી. અહીં આજની તારીખમાં શક્તિપીઠ સ્થાપિત છે. અહીં સ્થાપિત માતાના પીઠમાં ઈન્દ્રાણીના રૂપમાં પૂજવામાં આવે છે. આ શક્તિપીઠને શંકરી પીઠમ કહેવામાં આવે છે.