નાનકડા ગામમાં રહેતી વિધવા મા ઉપર શહેરમાં ભણતા યુવાન પુત્રનો તાર આવ્યો. મા તો સાવ નિરક્ષર હતી. એથી તાર વાંચવાની એની કોઈ ગુંજાયેશ ન હતી. એક યુવાન પાસે એ તાર વંચાવવા ગઈ. યુવાન તાર જોતાં જોતાં રડવા માંડયો. એનું રુદન નિહાળી વૃદ્ધ મા સમજી ગઈ કે તારમાં પુત્રના અમંગલના મરણના સમાચાર હશે. એથી આ યુવાન બોલી શક્તો નથી, રડે છે. તાર પરત લઈ શોકાતુર હૈયે પુત્રના મૃત્યુની વાત માએ કહેવા માંડી.
એમાં એક પડોશી સુશિક્ષિત ભાઈને જિજ્ઞાાસા જાગી કે ‘કોઈ જ રોગ-માંદગીના સમાચાર હતા નહિ. ત્યાં એકાએક મૃત્યુના સમાચાર ક્યાં કારણે આવ્યા ?’ એમણે માજી પાસેથી તાર વાંચવા લીધો તો વાસ્તવિકતા સાવ અલગ જ બહાર આવી. ભાઈએ માજીને કહ્યું કે’ આમાં તો દીકરો ‘ગ્રેજ્યુએટ’ થયાના શુભ સમાચાર છે. એના મૃત્યુની વાત તમને કોણે કહી?’ માજીએ પેલો યુવાન રડયાનો ઘટનાક્રમ કહ્યો.
યુવાનને બોલાવી ખુલાસો પુછાતાં એણે પોતાનું ‘પરાક્રમ’ પ્રગટ કર્યું કે ‘મને ખુદને ઇંગ્લીશ જરા પણ આવડતું નથી. માજી મારા પર ભરોસો રાખી તાર વંચાવવા આવ્યા ત્યારે મને મારી અણ આવડત પર રડવું આવ્યું હતું કે જો મેં આ વિદ્યાની પ્રાપ્તિનો પુરુષાર્થ કર્યો હોત તો અત્યારે આ બુદ્ધ દેખાવાનો સમય ન આવત.’ આ વિલક્ષણ ઘટના એ પુરવાર કરી જાય છે કે ભૌતિક વિશ્વમાં વિદ્યાનું કેવું મહત્ત્વ છે પણ.. સબૂર ! ભૌતિક વિશ્વમાં વિદ્યાનું જેટલું મહત્વ છે એનાથી અનેકગણું જબરજસ્ત મહત્ત્વ આધ્યાત્મિક વિશ્વમાં વિદ્યાનું છે.
મૌલિક ફર્ક ભૌતિક વિદ્યામાં અને આ આધ્યાત્મિક વિદ્યામાં એ છે કે એક બાહ્ય ઐશ્વર્યનાં સાધનરૂપ છે જ્યારે બીજી અભ્યંતર ઐશ્વર્યનાં સાધનરૂપ છે. જ્ઞાનસારગ્રન્થકાર જે વિદ્યાતત્ત્વનું નિરૂપણ કરે છે તે માત્ર ને માત્ર આધ્યાત્મિક વિશ્વની વિદ્યાનું છે. કેમ કે ગ્રન્થકારને મન ફક્ત અભ્યંતર ઐશ્વર્યનું મૂલ્ય છે, બાહ્ય ઐશ્વર્ય એમને મન કોઈ વિસાતમાં નથી. વિદ્યાષ્ટકના પ્રથમ શ્લોકમાં તેઓ આધ્યાત્મિક વિશ્વની એ વિદ્યાનાં અને તેની પ્રતિપક્ષી નિત્યતા- શુચિતા અને સ્વકીયતાની બુદ્ધિ ધરવી અવિદ્યા છે. જ્યારે સર્વત્ર તત્વબુદ્ધિ ધરવી તે વિદ્યા છે.’
ચશ્મા જ્યારે લાલ યા પીળા રંગના લગાવાયા હોય ત્યારે
વ્યકિતને સામેના તમામ પદાર્થો લાલ અને પીળા રંગના જ દેખાય. ભલે ને એ સામેના
પદાર્થોનું વાસ્તવિક રૂપ એવું જરાય ન હોય, તો પણ ચશ્માના કારણે પરિસ્થિતિ આવી જ સર્જાય. બરાબર એ
જ રીતે વ્યકિતની વિચાર-દૃષ્ટિ પર જ્યારે અવિદ્યાના ચશ્મા ચડેલા હોય ત્યારે એને પણ
પદાર્થોનું દર્શન વાસ્તવિકતાથી સાવ વિપરીત થાય. જેમકે ૧) ધન-સ્વજન વગેરે સર્વ પર
પદાર્થોનો સંગમ અનિત્ય છે.
ક્યારે એ
વિનષ્ટ થઈ જશે એની કોઈ સચોટ આગાહી થઈ શક્તી નથી. આમ છતાં આપણે એને નિત્યકાયમી
સમજીએ છીએ. એટલે જ જ્યારે એકાએક ક્રોડો રૂ. ગુમાવવાની ક્ષણો આવે કે જુવાનજોધ
સ્વજનોનું મૃત્યુ આવે ત્યારે આપણે કારમો વલોપાત કરીએ છીએ.
(૨) શરીર અશુચિ તત્વોથી નિર્મિત થયું હોવાથી અશુચિમય છે. છતાં આપણે એમાં એવી શુચિતાની બુદ્ધિ ધરાવીએ છીએ કે એ જરા પણ મલિન-પ્રસ્વેદગ્રસ્ત થાય તો તુર્ત એની સ્વચ્છતાની મથામણ કરીએ છીએ અને એમાંથી જરાક રુધિર વહે તો ખૂબ ચિંતાગ્રસ્ત થઈ જઈએ છીએ.
અલબત્ત, યોગ્ય કાળજી લેવી અલગ વાત છે અને આસક્તિભરી- મથામણ અલગ વાત છે. આપણે બહુધા આસક્તિભરી મથામણમાં રાચીએ છીએ.
(૩) શરીર- સ્વજન- સંપત્તિ આદિ આત્માથી ભિન્ન-પરભાવો છે. છતાં એની સાથે મારું શરીર- મારા સ્વજનો- મારી સંપત્તિ આદિ આત્માથી ભિન્ન પરભાવો છે. છતાં એની સાથે મારું શરીર- મારા સ્વજનો- મારી સંપત્તિ આ રીતનું મમત્વ આપણે બેહદ વિકસાવી દઈએ છીએ. આપણી વિચારદૃષ્ટિ પર ચડેલ અવિદ્યાના ચશ્મા આપણને આ અવાસ્તવિક દર્શન કરાવે છે.
છેલ્લે એક વાત: ‘ સા વિદ્યા યા વિમુક્તયે’ આ પ્રસિદ્ધ સૂત્ર એ જ સમજાવે છે કે જે આસક્તિઆદિનાં બંધનથી મુક્ત કરે એ જ સાચી વિદ્યા છે…