ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ અનેક પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે, ત્યારે વિધાનસભા ક્રમાંક-39, એટલે કે વિરમગામ વિધાનસભામાં એવું કહેવાય છે કે જેની સરકાર હોય તે સરકારની વિરુદ્ધનો ધારાસભ્ય હોય. છેલ્લાં 10 વર્ષથી આ ગામમાં કોંગ્રેસની સરકાર છે. ગત ટર્મમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં તેજશ્રીબહેન પટેલને ભાજપમાંથી ટિકિટ મળી હતી.
પરંતુ જનતાએ તેમને પક્ષપલટું કહીને જાકારો આપ્યો હતો. ત્યારે આ વખતે પણ ભાજપ, કોંગ્રેસમાંથી આવેલા હાર્દિક પટેલને ટિકિટ આપે તેવી પૂરી શક્યતા છે ત્યારે જોવાનું એ છે કે આ વખતે પણ વિરમગામ પક્ષપલટનારને હરાવશે કે વિરમગામની ગાદી પર બેસાડશે.
વિરમગામ વિધાનસભા માટે નિર્ણાયક ગણાતા વિસ્તાર એવા નળકાંઠામાં ખૂબ પ્રભુત્વ ધરાવતા કોંગ્રેસના પ્રેમજીભાઈ વડલાણીના કારણે વર્ષોથી નળકાંઠો કોંગ્રેસનો ગઢ રહ્યો છે, પરંતુ હવે પ્રેમજીભાઈ આ દુનિયામાં નથી રહ્યા ત્યારે આ વખતે નળકાંઠો કોના તરફ રહેશે તે પણ મહત્ત્વનો વિષય છે. વિરમગામ વિધાનસભા વિસ્તારના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે.
તે દરમિયાન વિરમગામ શહેર, માંડલ, દેત્રોજ તથા નળકાંઠા વિસ્તારના મતદારોએ અલગ અલગ પ્રકારનાં મંતવ્યો રજૂ કર્યાં હતાં કોઈએ કહ્યું કે મફતમાં કાંઈ મળતું નથી કેજરીવાલ ખોટી વાતો કરે છે. વળી બીજું કોઈ કહે છે કે વિરમગામમાં આ વખતે ભાજપ જ આવશે. તો કોઈક કહે છે કે કોંગ્રેસ ફરી એકવાર બાજી મારશે.