પવિત્ર શ્રાવણ માસમાં ભાઇ-બહેનના સંબંધોને ઉજાગર કરતું ‘વીરપસલી’ વ્રત આવે છે. આ વ્રત કરીને બહેન પોતાના ભાઇનું કલ્યાણ, દીર્ઘાયુ ઇચ્છે છે. ભાઇ યશસ્વી બની જગતમાં દીપકની જેમ ઝળહળે તેવી ઉમદા ભાવનાથી બહેન આ વ્રત કરે છે મહિમાની શ્રેણીમાં આજ આપણે વાત કરીશું વીરપસલી વ્રતની. શ્રાવણી પૂનમ એટલ કે રક્ષાબંધનના આગલા રવિવારે દિવસે વીરપસલી વ્રત કરવામાં આવે છે. આ વ્રત વહાલી બહેન ભાઇના ભલા માટે કરે છે. બહેનના દિલમાં હંમેશાં ભાઇનું હિત વસેલું હોય છે. બહેન પોતાના ભાઇનું કલ્યાણ અને દીર્ઘાયુ ઈચ્છે છે. ભાઇ યશસ્વી બની જગતમાં દીપકની જેમ ઝળે હળે તેવી ભાવનાથી બહેન આ વ્રત કરે છે.
આ દિવસે સ્નાન કરી બહેન ઘરમાં ઇષ્ટદેવનું સ્થાપન કરે છે. ઘીનો દીવો પ્રગટાવી, કરબદ્ધ, શુદ્ધ ભાવથી ભાઇનું સદૈવ ભલું થાય તેવી ઇષ્ટદેવને પ્રાર્થના કરે છે. પૂજા બાદ બહેન ભાઇ પાસે આવી તેના જમણા હાથમાં રક્ષાસૂત્ર બાંધી ઓવારણાં લઇ આશીર્વાદ આપ છે. ત્યારબાદ તે ભાઇ પાસે ખોબામાં સમાય એટલું અનાજ માંગે છે. ભાઇ પણ પોતાની બહેનના શુદ્ધ ભાવની કદર કરી, પોતાનો ખોબો ભરીને અનાજની ભેટ (પસલી) હસતામુખ આપે છે.
ભાઇ તરફથી મળેલી ખોબા અનાજની ભેટ વ્રતના દિવસે બહેન સ્વહસ્તે રાંધી રસોઇ બનાવે છે અને તે ભાઇને પ્રેમ પૂર્વક જમાડે છે અને પોતે પણ એકટાણું કરે છે. બહેનના હાથે ભરપટ જમ્યા પછી ભાઇ બહેન પર અતિ પ્રસન્ન થાય છે. પોતાની ભલાઇ ઇચ્છતી બહેનની ભાઇ પણ કદર કરે છે. બહેનના આ નિ:સ્વાર્થ ભાવથી પોતાની બહેનના માથા પર ઇષ્ટદેવની સાક્ષીએ હાથ મૂકીને, બહેનના સૌભાગ્યની રક્ષા માટે, તેના સુખ માટે અને સમૃદ્ધિ માટે સદાય તત્પર રહેવા માટે વચનબદ્ધ બને છે.
દર વર્ષે આવી ભાવના સાથે બહેન વીરપસલી વ્રત કરે છે અને ભાઇ બહેનને રક્ષા કરે છે. ભાઇ-બહેનનો સ્નેહ સભર સંબંધ વીરપસલીના વ્રત થકી મજબૂત બને છે. આના થકી ભાઇ-બહેનના પરસ્પરના મીઠાં સંબંધો દીપી ઊઠે છે. બહેન આજીવન વીરપસલી વ્રત કરે છે માટે આ વ્રતનું કોઇ જ ઊજવણું કરવામાં આવતું નથી. ઊજવણું એ વ્રત સમાપ્તિનું પ્રતીક છે. વીરપસલી વ્રત આજીવન છે.