સમગ્ર મહારાષ્ટ્રના આરાધ્ય દેવ ‘વિઠ્ઠોબા’ છે. પંઢરપુરમાં આવેલું આ વિઠ્ઠોબાનું મંદિર એ મહારાષ્ટ્રનું તીર્થધામ છે તે ત્યાં દક્ષિણ કાશી તરીકે પ્રખ્યાત છે. બારેમાસ અહીં ભક્તોની દર્શન માટે ભારે ભીડ થાય છે. ઇંટને મરાઠી ભાષામાં ‘વિટ’ કહે છે. ઇંટ ઉપર ઉભેલા ‘વિઠ્ઠલનાથ’ ઉર્ફે વિઠોબા ભક્ત પુંડલીકે ઇંટ નાખેલી તેના ઉપર ઉભા છે.
ભક્ત પુંડલીક પ્રભુનો ભક્તો હતો તેને પોતાના માતા પિતાની સેવામાં જ તીર્થ લાગતું. માતા પિતાના ચરણોમાં અડસઠ તીર્થો છે તેવું પુંડરિક માનતા. ભગવાન પરિક્ષા કરવા એક વખત પુંડરિકના દ્વાર આવ્યા. ભક્ત પુંડલિક માતાની સેવા કરી રહ્યો હતો. માતાને તકલીફ ન પડે માટે ખોળામાં માતાનું મસ્તક રાખી સેવા કરતો હતો. ભગવાન દ્વારે ઊભા રહ્યા. ભક્ત પુંડલિકે કહ્યું હું સામાન્ય માણસ છું. મારી પાસે આપને બેસાડવા આસન નથી. આપ આ ઇંટ નાખું છું તેના ઉપર બેસો! પ્રભુ ઇંટ ઉપર બેઠા. પુંડલીકની ભક્તિ જોઈ પ્રસન્ન થયા. આજદીન સુધી પ્રભુ ભક્તોને ઇંટ ઉપર ઉભા રહીને દર્શન આપી રહ્યા છે.
પંઢરપુરની યાત્રા પ્રખ્યાત છે. બધી યાત્રા કરો પણ પંઢરપુરની યાત્રા ન કરો તો આ યાત્રા અધુરી ગણાય તેવી મહારાષ્ટ્રમાં માન્યતા છે. પંઢરપુર ભીમા નદી ઉપર આવેલું છે. ઘણા ભીમરા નદી કહે છે. અર્ધ ચંદ્રાકાર આ નદીનો ઘાટ છે. તેથી આજે આ નદી ચંદ્રભાગા તરીકે મહારાષ્ટ્રમાં ઓળખાય છે. આ નદીના સામે કિનારે પુષ્ટિ માર્ગની પવિત્ર બેઠકજી છે. આ બેઠકજીમાં જવા માટે હોડીનો ઉપયોગ કરવો પડે છે. સ્કંધ પુરાણમાં પંઢરપુરનો તીર્થ સ્વરૂપનો વિસ્તૃત અહેવાલ છે. આજે પણ પંઢરપુરવાસીઓ બુધવારે પંઢરપુર છોડી અન્યત્ર જતા નથી.
ભગવાન વિઠ્ઠોબાની મૂર્તિ સ્વયંભૂ છે. મૂર્તિ નીચે ઉલટુ કમળ છે. શ્રી વિઠ્ઠલનાથને ત્યાં અનેક નામોથી ઓળખવામાં આવે છે. પંઢરીનાથ, પાંડુરંગ, પંઢરી રાયા, વિઠ્ઠાઈ, વિઠ્ઠોબા નામથી લોકો ઓળખે છે. વિઠ્ઠોબા શબ્દની વ્યુત્પતિ ઘણા નીચે મુજબ કરે છે. ‘વિ’ એટલે ગરૂડ અને ‘ઠોબા’ એટલે આસન અર્થાત્ જેનું આસન ગરૂડ છે એવા ‘વિષ્ણુ’ ભગવાન. ભગવાન વિષ્ણુ સ્વરૂપે એક હાથ કમર ઉપર રાખી ઇંટ ઉપર ઉભા છે.
પ્રભુની મૂર્તિ સાડા ત્રણ ફૂટની છે તેથી આસાનીથી દર્શન થાય છે. ગામની વચ્ચે જ આ મંદિર છે. તેરમી સદીથી મંદિરનું અસ્તિત્વ છે. દિવસે દિવસે આ કાળક્રમે મંદિર ભવ્ય બનતું ગયું. પૂર્વ પશ્ચિમ લંબાઈ ૩૫૦ ફૂટ દક્ષિણ ઉત્તર પહોળાઈ ૧૭૦ ફીટ છે. મંદિરમાં પ્રવેશ માટે ચારે બાજુ દરવાજા છે. પહેલો મુખ્ય દરવાજો ‘નામદેવ’ દરવાજાથી ઓળખાય છે.
એવું મનાય છે કે શ્રી વિઠ્ઠલના પ્યારા ભક્ત સંત નામદેવે સમાધિ લીધી હતી. પ્રત્યેક વર્ષે નામદેવ પુણ્યતિથી મહોત્સવ ઉજવાય છે. અહીં નામદેવ સીડી (નીસરણી) છે ત્યાં સંત ચોખા મેલાની સમાધિ સ્થળ છે. પૂર્વાભિમુખ ‘તરટી દરવાજા’ છે, પશ્ચિમ બાજુ ભવ્ય દરવાજો છે તેને પશ્ચિમદ્વાર કહેવામાં આવે છે. અહીં ભક્તોને એક એક કરી દર્શન કરવા દેવામાં આવે છે.
પંઢરપુરમાં બીજાં અનેક મંદિરો છે તેમાં મુખ્યત્વે ચંદ્રભાગા નદીના તટ ઉપર ભક્ત ‘પુંડરિક’નું ભવ્ય મંદિર છે. આ નદીમાં લોકો સ્નાન કરી પવિત્ર થાય છે પછી ‘ભક્ત પુંડલિક’ના દર્શને જાય છે. પ્રાચીન મંદિર છે. આજુબાજુ લોહદંડ તીર્થ, પદમ તીર્થ, કુંડલ તીર્થ, સંગમ તીર્થ, ગુંજાતીર્થ, પંચગંગાતીર્થ, વિષ્ણુપદ તીર્થ, ગોપાલપુર, અંબામાઈ મંદિર, શ્રી દ્વારકાધીશ મંદિર જોવા લાયક મંદિરો છે.
વૈષ્ણવોના પુષ્ટિમાર્ગમાં દેશભરની તમામ બેઠકો તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત છે. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ખુલ્લા પગે અહીં ચાલીને આવેલા છે. જ્યારે શ્રી મહાપ્રભુજી ચંદ્રભાગા નદીને સામે કિનારે આવ્યા ત્યારે સાક્ષાત શ્રી વિઠ્ઠોબા સામે ચાલીને તેઓશ્રીને મળવા ગયા હતા. ભક્ત પુંડરિકને શ્રી વિઠ્ઠોબાની આજ્ઞાાથી વ્રજનાં દર્શન કરાવેલાં.