શ્રી ગિરિરાજના પાંચ સ્વરૂપો પ્રચલિત છે. (૧) ગૌ (ગાય) સ્વરૂપ (૨) સર્પ (શેષ) સ્વરૂપ (૩) ગ્વાલ સ્વરૂપ (૪) સિંહ સ્વરૂપ (૫) રત્નમય સ્વરૂપ. વ્રજ એ ભગવાન શ્રી કૃષ્ણનું નીજ સ્થાન તેમજ નિત્ય લીલા સ્થાન છે. આવા વ્રજમાં શ્રી ગોવર્ધન ધરણ બીરાજે છે. ગોવર્ધન પ્રભુ જતીપુરા ગામમા બિરાજે છે જે મથુરાથી ૨૦ કી.મી દુર છે જતીપુરા ગામને ઘણા ગોપાલપુર તરીકે ઓળખે છે. ભગવાન શ્રી કૃષ્ણે વ્રજમાં ૧૧ વર્ષ ૫૨ દિવસ વિવિધ લીલાઓ કરી તેમાં શ્રી ગિરિરાજ ગોવર્ધન પણ ઠાકોરજીના ચરણાવિંદના સ્પર્શથી મુદિત થયા. વ્રજપરિક્રમા અહીંથી શરૂ થાય છે. પૃથ્વી ઉપર આવેલા બધા પર્વતોએ તેમના આધિ દૈવિક સ્વરૂપે પ્રકટ થઈને શ્રી ગોવર્ધનનું પૂજન કરીને તેમને ગિરિરાજની પદવી આપી છે. જે ગોલોકના મુકુટ સમાન છે.
ગોવર્ધન- એટલે શ્રી = આધિ દૈવિક લીલાત્મક છે, ગો = ઇન્દીય ઠાકોરજી અને વ્રજભક્તોના ઇન્દીય સ્વરૂપ, વર = શ્રેષ્ઠતા સૂચક, ધન = સર્વસ્વ સૂચક.ગર્ગ સંહિતામાં શ્રી ગોવર્ધનનું કદ આઠ યોજન, લાંબુ બે યોજન ઉંચુ અને પાંચ યોજન પહોળુ હતું. સારશ્વત કલ્પમાં તે ચૌદ કોશ લાંબુ (૧- યોજન= ૪ ગાઉ કોસ = ૧૦ કી.મી. હાલમાં તેની લંબાઈ સાત કોસ ઉંચાઈ ૧૪૦ ફુટ છે. શ્રી ગિરિરાજનું પ્રાક્ટય ગોલોકમાં થયું હતું. ગિરિરાજમાં આદિ શિખર- રાધાકુંડથી દાન ઘાટીનો વિસ્તાર કૃષ્ણાવતારમાં ભગવાને લીલા કરેલી. મધ્ય શિખર- શ્રી ગોવર્ધનથી સુરભી કુંડનો સુધીન વિસ્તાર શ્રી નાથજી સ્વરૂપે ભગવાન અહીં લીલા કરે છે. બ્રમ શિખર- સુરભિકુંડથી અપસરા કુંડ સુધીનો વિસ્તાર હવે પછી ભગવાન અહીં લીલા કરશે.
ગોવર્ધન લીલા વખતે ભગવાને સ્વયં કહ્યું કે ‘શૈલોસ્મિ- હું જ શૈલ પર્વત છું. મહાન સપ્તર્ષિઓ પૈકીઓના એક પુલત્સ્ય મુનિના પ્રયત્નોથી તેમનું આગમન વ્રજમાં થયું. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો પ્રભુનું પૂજન મુખારવિંદ ઉપર અથવા સુરભિકુંડ પાસે છપ્પન ભોગ સ્થળે કરે છે. ગિરિરાજનું પૂજન સવારે મંગલા આરતી પછી થઈ શકે છે. પૂજનમાં દુધનો અભિષેક થાય છે. ઠાકોરજીને અભિષેક પછી ધોતી ઉપરણો ધરવાં પ્રસાદ વ્રજવાસીઓને વહેંચવો.
શ્રી ગિરિરાજની પૂજાથી મનના મનોરથો પુર્ણ થાય છે. ગિરિરાજની પરિક્રમા કરવાથી અનિષ્ટનું નિવારણ થાય છે. શ્રદ્ધાપૂર્વક પૂજન દંડવત્ કરવા પરિક્રમા- નવકોસી- ૨૭ કી.મીની છે. સાત કોશી પરિક્રમા આ પ્રખ્યાત છે. આ પરિક્રમા ૨૯ કી.મી.ની છે. અન્યોર આવતાં ચંદસરોવરનો બે કોસનો ભાગ છોડી દેવાય છે.
પાંચ કોસ પરિક્રમા- ૧૫ કી.મી.ની છે. રાધાકુંડનો ભાગ છોડી દેવાય છે. પરિક્રમા ખુલ્લા ચરણે ચાલીને કરવી. જમણો હાથ શ્રી ગિરિરાજ તરફ રહે. તે પ્રમાણે કરવી. દંડવતી પરિક્રમા- દંડવત કરતા જઈને પણ થાય છે. શ્રી ગિરિરાજજીના મુખારવિંદ સામે શ્રી મહાપ્રભુજીની બેઠક છે. શ્રી મહાપ્રભુજીના બેઠકની તરત જ પાછળ શ્રી ગુંસાઈજીના બેઠકજી છે. શ્રી નાથજીનું મંદિર મધ્ય શિખર પર છે. પૂરણમલ ક્ષત્રિય અને હિરામણી મિસ્ત્રીએ આ મંદિર તૈયાર કર્યું છે. તુલસી ક્યાસ- મુખારવિંદ તરફ જતાં આવે છે. ગોસ્વામી બાળકોનું સમાધિ સ્થળ છે. અસ્થિ નિક્ષેપ ગોસ્વામી બાળકોના અહીં પધરાવવામાં આવે છે. શ્રી ગિરિરાજ ધરણકી જય.