આપણે ત્યાં યમરાજને મૃત્યુના દેવતા ગણવામાં આવે છે. સામાન્ય રીતે તેમના નામ માત્રથી લોકો થરથર કાંપે છે. યમરાજની બે દિવસ ખાસ પૂજા કરવામાં આવે છે. ધનતેરસ અને ભાઈબીજે મૃત્યુના દેવતા યમરાજની પૂજા કરવામાં આવે છે. આસો સુદ તેરસને હિંદૂ ધર્મ પ્રમાણે ધનવંતરી તેરસ પણ કહેવાય છે. તેના ટૂંકા રૂપે તેને ધનતેરસ તરીકે બોલાય છે. ધનતરેસથી દિવાળીના તહેવારો શરૂ થાય છે જે ભાઈબીજ સુધી સળંગ પાંચ દિવસ ચાલે છે. પછી બે દિવસ રહીને લાભપંચમે સંપૂર્ણ પણે પૂર્ણ થાય છે.
આપણે ત્યાં ભાઈબીજને દિવસે યમરાજ બહેન યમુનાને ત્યાં કઢી ખીચડી ખાવા જાય છે. તેને અનુસંધાને અનેક કુંટુંબોમાં ભાઈ પોતાની બહેનને ત્યાં ભાઈબીજ કરવા જાય તે પ્રથા પરંપરાગત રીતે ચાલી આવતી હોય છે.આ દિવસે આપણે યમરાજ અને તેમની બહેન યમુના રાણીને યાદ કરીએ છીએ. પણ બહું ઓછા લોકોને ખબર છે કે ધનતેરસની રાતે પણ યમરાજનું પુજન કરવામાં આવે છે. જે લોકો ધનતેરસની રાતે યમરાજનું પુજન કરે છે તેનું અકાળે મૃત્યુ થતું નથી.
યમરાજ પુજનની
કથા
આ દિવસે યમરાજની પૂજાનું વિધાન
છે. તેની પાછળ એક કહાની છે. એક રાજા હતો તેનું નામ હેમ હતું. ઈશ્વરની કૃપાથી તેમને
પુત્રની પ્રાપ્તિ થઈ, પણ તેની
કુંડળી જોઈ જ્યોતિષીઓએ કહ્યુ કે, આ બાળકના
લગ્ન જે દિવસે થશે ઠીક તેના ચાર દિવસ બાદ તેનું મૃત્યુ થઈ જશે. થયું પણ તેવું જ.
રાજકુમારે એક રાજકુમારી સાથે ગંધર્વ વિવાહ કર્યા અને તેના ઠીક ચાર દિવસ પછી યમદૂત
તેના પ્રાણ લેવા આવ્યા.
તે સમયે આ રાજકુમારની પત્ની અત્યંત વિલાપ કરવા લાગી. જે જોઈ યમદૂત દ્રવિત થયા અને તેમણે કહ્યુ, આ કાર્ય તો મારે કરવું જ પડશે પણ વ્યક્તિનું અકાળે મૃત્યુ ન થાય તેનો એક ઉપાય છે. કાર્તિક કૃષ્ણ પક્ષની ત્રયોદશીની રાત્રે જે પ્રાણી મારા નામનું પુજન કરી દિવો દક્ષિણ દિશા તરફ ભેટ કરશે તેને અકાળ મૃત્યુનો ભય નહિં રહે. આજ કારણ છે કે આ દિવસે લોકો દક્ષિણ દિશા તરફ દીવો મુકે છે. ભાઈબીજે પણ ખાસ મૃત્યુના દેવતા યમરાજની પૂજા કરવામાં આવે છે.આ તહેવાર ભાઈ અને બહેનનો તહેવાર છે ભાઈના ઓવારણા લઈને બહેન તેના દિર્ઘાયુષ્યની પ્રાર્થના કરે છે.