શ્રીમદ્ ભગવતગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ એ પોતાની અનેક વિભૂતિઓનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે ‘ નદીઓમાં હું ગંગા છું.’ ભગવાન વિષ્ણુના ચરણકમળોમાં થઈને, બ્રહ્માજીના કમંડળમાંથી અવતરિત થઈને, મહાદેવ શંકરની જટામાંથી નીચે પડીને ધરતી પર લોકોના કલ્યાણ માટે વહેતી પુણ્યસલિલા, ત્રિપથગા,પતિત પાવનકારી, સુરનદી જેવાં અનેક વિશેષણોથી વિભૂષિત ‘ગંગા’ સર્વ નદીઓમાં શ્રેષ્ઠ છે.
આ ગંગા દશહરા કહેવાય છે. સ્કંદ પુરાણમાં કહ્યું છે કે ‘ચોરી કરવી, હિંસા કરવી, પરસ્ત્રીગમન એ શરીરથી થનારાં ત્રણ પાપો છે. અસત્ય બોલવું, ચાડી ખાવી, કરડું બોલવું અને નિરર્થક બકવાસ કરવો એ ચાર વાણીનાં પાપો છે. બીજાના ધનની ઈર્ષા કરવી. અનિષ્ટ વિચારવું અને ખોટો આગ્રહ રાખવો એ ત્રણ મનનાં પાપો છે.’ ગંગા આ દશ પાપોને હરે છે એટલે તેને ‘દશહરા’ કહેવામાં આવે છે. આદ્ય શંકરાચાર્યે ગંગામૈયાને આ પ્રમાણે સંબોધન કર્યું છે. ‘હે જહ્નુતનયે ! તું પુરુષના રૃપમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે, સ્ત્રીરૃપમાં તું ઉમા, રમા અને સરસ્વતી છે,હે પરમ ઐશ્વર્યશાલિની ! તું નિરાકાર બ્રહ્મમયી અને અપાર મહિમાવાળી છે. આ ધરતી પર તું જળનું રૂપ ધારણ કરીને લોકોના સંતાપને દૂર કરતાં વહી રહી છે.’
સંસ્કૃત સાહિત્યમાં પોતાના ઉત્તમ સર્જનથી’ પંડિતરાજ’નું બિરુદ પામેલા ભક્તકવિ જગન્નાથે ‘ગંગાલહરી’નામના સ્ત્રોત્ર કાવ્યમાં ગંગાનું ભાવવિભોર હૃદયે સ્તુતિગાન કર્યું છે. એ મુજબ ગંગા અમૃત નદી છે, તેનું જળ ધરતીનું સૌભાગ્ય છે. મહાદેવનું મહાન ઐશ્ચર્ય છે, વેદોનું સર્વસ્વ છે અને દેવોનું પુણ્ય છે. તેના પ્રવાહનું દર્શન પણ કેવું પાવનકારી ! ગરીબ માણસની એક નજર જો ગંગાના પ્રવાહ અને વાસનાઓથી અભિભૂત કામીજનો અને પાપી માણસો પણ પાપમુક્ત બની જાય છે.
ગંગા શબ્દનું સ્મરણ ‘ મનોતિશામક : એટલે કે મનને શાંત કરનારું છે. એનુ ગાન દુ:ખોને વિદારનારું છે કહેવાય છે કે દુર્લભ એવું વિષ્ણુપદ, દાન, ધ્યાન, યજ્ઞા કે તપથી નહિ પરંતુ ગંગાની કૃપાથી પ્રાપ્ત થાય છે. આંધળા, બહેરા, મૂંગા, લંગડા, મંદબુદ્ધિવાળા અને નિરાધાર લોકોની તે સર્વથા ઉદ્ધારક છે. ગંગાના સ્મરણ, દર્શન, સ્નાન, આચમન તથા પૂજનથી વિશેષ પુણ્ય મળે છે. તે પાપોનો નાશ કરીને મનુષ્યને પવિત્ર બનાવે છે. ગંગાને મુક્તિદાયક માનવામાં આવે છે. એટલે જીવનના અંતિમ સમયે માણસના મુખમાં એક બે ચમચી ગંગાજળ મૂકવાની પ્રથા છે.
ગંગા સર્વ ધર્મોનું મિલનસ્થાન છે. ઉત્તમ તીર્થ છે. ત્રણ લોકનું નિર્મળ વસ્ત્ર છે. તે સ્વર્ગમાં મંદાકિની રૃપે, ધરતી પર ભાગીરથી રૃપે અને પાતાળમાં ભોગવતી રૃપેવહીને સર્વની મનોકામનાઓ પૂર્ણ કરે છે. ગંગાની માટીનું તિલક પણ અજ્ઞાાન રૃપી અંધકારને દૂર કરે છે. સ્વર્ગ પ્રાપ્તિનો સરળ માર્ગ ગંગાના નામસ્મરણમાં નિહિત છે. પુરાણોમાં ગંગાની કાલ્પનિક મૂર્તિનું ચિત્ર જોવા મળે છે. એ મુજબ ગંગાનું મુખ ચંદ્ર સમાન છે. તેના મુકુટમાં ચંદ્રકલા વિકસી રહી છે. તેના ચાર હાથ અનુક્રમે ઘડો, કમળ, વરદાન અને અભયની મુદ્રામાં જોવા મળે છે. ગંગાનાં પવિત્ર વસ્ત્રો એ આભૂષણો અમૃતની ધારા જેવાં છે. પરંતુ તેનું વાહન છે. ગંગાની આવી મૂર્તિ સંસારરૃપી અગ્નિમાં શેકાતા લોકોનું રક્ષણ કરે છે. બ્રહ્મસ્વરૃપ ગંગાને નમસ્કાર, સદા નમન હો.
ગંગામૈયાનો મહિમા આમ અપરંપાર છે. પરંતુ દુ:ખની વાત એ છે કે લોકો તેને સતત ગંદી કરતા રહે છે. આપણા સૌની જવાબદારી છે કે આપણી સંસ્કૃતિ અને સભ્યતાનું રક્ષણ કરનારી ગંગામૈયાને પ્રદૂષણથી મુક્ત કરવા કટિબધ્ધ બનીએ.