ચાલો જાણીએ ગુરુપૂર્ણિમાનો પરમ મહિમા

અથર્વવેદમાં સદ્ગુરુનો મહિમા બતાવતાં કહ્યું છે કે  ગુરુ શિષ્યોના કુસંસ્કાર,પાપ, ખરાબવૃત્તિઓનો નાશ કરે છે, તેથી મૃત્યુ છે. ‘મૃત્યુ (યમ) બનીને શિષ્યના જીવનને, શિસ્ત- સંયમ યુક્ત બનાવે છે. ‘વરુણ’ની માફક નીતિમાન બનાવે છે. સોમ (ચંદ્ર) બની અમૃત સિંચી શિષ્યના મનરૂપી છોડને ઉછેરે છે. ‘ઔષધિ’ બનીને શિષ્યના ‘રોગો’ દૂર કરે છે. પય (દૂધ) બનીને શિષ્યને સર્વરીતે પુષ્ટ કરે છે. વિદ્યાશક્તિ આપે છે. મેઘ બનીને શિષ્યમા ચેતના ભરી દઈ આત્માનુભૂતિ કરાવે છે. ગુરુ આ રીતે આત્મસાક્ષાત્કાર કરાવે છે. ‘પૂર્ણપ્રજ્ઞા’ બનાવે છે.

સદ્ગુરુ નિષ્પાપ, શુદ્ધ ચારિત્ર્યશીલ, પવિત્ર હૃદયવાળા, શાસ્ત્રજ્ઞા અને તેની અનુભૂતિ કરનાર, આધ્યાત્મિક ચેતના શક્તિથી ભરપુર, નિષ્કામ, નિર્મોહી, તૃષ્ણારહિત છૂપા હેતુ વિનાના હોય છે. પ્રેમરૂપી માધ્યમ દ્વારા વહી શકે છે. શરીરે અને મન પોતાના મૂળસ્વરૂપથી અલગ કરી દીધેલાં હોય છે. પ્રકૃતિની મર્યાદાઓ ઓળંગી ગયેલા હોય છે. શિષ્યની પ્રકૃતિને બદલી નાખે છે. તેમના રોમરોમમાં આધ્યાત્મિકતા પ્રગટે છે. તેમના શબ્દો શક્તિનો અખૂટ ખજાનો હોય છે. પ્રચાર પ્રસિદ્ધિથી દૂર રહે છે પ્રજ્ઞાા, બુદ્ધિમત્તા અને વિવેકના ભંડાર હોય છે. આત્માનુભૂતિથી જ્ઞાાન પ્રગટ થયેલું હોય છે.

પોતાની જાતને ગુરુ માનતા જ નથી. નિરાડંબરી, ભેદભાવ વિનાના સદા આનંદી-સંતોષી હોય છે. તેમની અંગત આકાંક્ષાઓનું વિસર્જન થઈ ગયેલું હોય છે. તેઓ પૂર્ણત: કરુણાસાગર, આનંદ સાગર.. અને પ્રેમસાગર હોય છે. આવા ઉચ્ચતમ સદ્ગુરુના શરણે જવું જોઈએ.

– શિષ્યે ઉત્તમ શિષ્યત્વની પ્રાપ્તિ માટે સજ્જતા કેળવવી પડે છે. જેમ જેમ શિષ્યત્વના ગુણ વધે તેમ તેમ ભાવિ ગુરુ તરફ જવાનો પ્રારંભ થાય છે. શિષ્યમાં સૌ પ્રથમ તો અધ્યાત્મમાર્ગે જવાની નક્કર જિજ્ઞાાસા હોવી જોઈએ. દૃઢ નિઃશ્ચય હોવો જોઈએ. નિઃશ્ચય પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા હોવી જોઈએ આંતરિક વિકાસ થયેલો જોઈએ. આતંરિક મંથન પણ જરૂરી છે. 

સજ્જતા કેળવી અધિકારી બનીશું તો ‘ગુરુ’ સ્વયં હાજર થઈને મળે. ગ્રહણ કરવાની શિષ્યની આકર્ષણશક્તિ પૂર્ણ અને પરિપકવ હોય ત્યારે તે આકર્ષણના ઉત્તર રૂપે સામે ગુરુ શક્તિ આપે છે. પવિત્રતા, જ્ઞાાન પ્રાપ્તિ માટેની ધગશ, ખેત, સતત પુરુષાર્થ, પ્રેમભાવ, સરળતા, વિનમ્રતા પૂર્ણશરણાગતિને આજ્ઞાાપાલનના ગુણો શિષ્યમાં હોવા જ જોઈએ. ગુરુ મેળવવાં ઉતાવળ નહિ, પૂર્ણ જાગૃતિ રાખી- વિવેક વિચાર કરી પછી નિર્ણય કરવો.

અધિકાર કે સજ્જતા વિના ‘ગુરુ’ કે શિષ્ય બની જનાર કેવળ ધર્મની ઉપરછલ્લી છળકપટભરી રમત જ રમી રહ્યા હોય છે. બુદ્ધિની સાઠમારી થોડીક કુતુહલવૃત્તિને સંતોષવાની જ ક્રિયા હોય છે. ક્ષણિક ઉર્મિને કેટલાક ‘તાલાવેલી’ માની બેસે છે પણ એ તરંગ શમી જતાં બધું જ ભૂલાઈ જાય છે. ક્ષણિક ઉર્મિઓ ધર્મ માટેની સાચી તત્પરતા ન મનાય.

શિષ્યમાં સંયમશક્તિ, સહનશક્તિ, મુમુક્ષુત્વમ્ (મુક્ત થવાની ઇચ્છા હોવી જોઈએ. શિષ્યમાં વ્યવહાર શુદ્ધિ હશે તો જ ચિત્તશુદ્ધિ થઈ શકશે. સદ્ગુરુમાં જે ચિન્મય દિવ્યજયોતિ ઝગમગે છે તે જ સદ્ગુરુતત્વ છે એવી સમજ શિષ્યે દૃઢ કરવી પડે.

– જાગૃતપણે વિચારવા જેવી વાત: ‘ગુરુપૂર્ણિમા’ જ્ઞાાનપ્રકાશ પર્વ છે. સદ્દવિચાર રૂપી પ્રકાશ દ્વારા આપણે અધ્યાત્મક્ષેત્રમાં જાગૃતિપૂર્વક આગળ વધવું જોઈએ. સનાતન ધર્મ- સંસ્કૃતિની શ્રદ્ધાકેન્દ્રો સમી  ઉચ્ચતમ પરંપરાઓ પ્રણાલિકાઓના પાયામાં ‘લૂણો’ લગાડનાર, લોભી, લાલચુ, પાખંડી, ધૂર્ત, સ્વાર્થી, શઠ વિચાર વિહીન અંધ, દુરાચારી, વૈભવવિલાસી અધર્મી તત્વો, ધર્મ-સંસ્કૃતિનું ઇશ્વરનું ઓઠું લઈ અનાચાર ફેલાવતાં હોય તો, ઘેટાંની માફક ટોળાં શાહીમાં ફસાયા વિના, સ્વવિચારથી જાગૃત બની, એવાં તત્ત્વોથી દૂર રહી, અન્યને પણ જાગૃત કરવાનો ‘યુગધર્મ’ બજાવવો જોઈએ.

આપણા જયોતિર્ધરો એવા સ્વામીવિવેકાનંદજી, દયાનંદ સરસ્વતી, મહર્ષિઓ, સંત કબીર- અખો, એવા અનેક સંત-મહાત્મા-ચિંતકોએ યુગેયુગે આપણને અધ્યાત્મક્ષેત્રે જાગૃતિ રાખવા કહ્યું છે એમાંથી પ્રેરણા લઈ અધ્યાત્મક્ષેત્રે જાગૃત પણે આગળ વધવા જેવું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer